તહેવારોને પગલે ઑટોમોબાઇલ રીટેલ વેચાણમાં ૧૧ ટકાનો વધારો

05 October, 2022 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૅસેન્જર વેહિકલ માટે એક દાયકાનો આ શ્રેષ્ઠ તહેવારનો સમયગાળો

પ્રતીકાત્મક તસવીર

ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન (ફાડા)એ મંગળવારે જણાવ્યું હતું કે, ભારતમાં ઑટોમોબાઇલ રીટેલ વેચાણ સપ્ટેમ્બરમાં ૧૧ ટકા વધ્યું છે. ઉત્પાદકો તરફથી વધુ સારા પુરવઠાને કારણે ડીલરોને ચાલુ તહેવારોના સમયગાળા દરમ્યાન ગ્રાહકોની ડિલિવરી વધારવામાં મદદ મળી હોવાથી વેચાણ વધ્યું છે.

કુલ છૂટક વેચાણ સપ્ટેમ્બર ૨૦૨૧માં ૧૩,૧૦,૬૪૭ એકમોની સરખામણીમાં ૧૪,૬૪,૦૦૧ એકમ હતું. ફાડાએ નોંધ્યું હતું કે તહેવારોની સીઝનમાં વધુ માગને કારણે ઑક્ટોબરમાં એકંદરે વધુ સારા વેચાણની અપેક્ષા છે.

ડીલર્સ પૅસેન્જર વેહિકલ સેગમેન્ટ માટે એક દાયકામાં આ શ્રેષ્ઠ તહેવારનો સમયગાળો હોવાનું માને છે, કારણ કે અમે મહિના દરમ્યાન વધુ વેચાણની અપેક્ષા રાખીએ છીએ તેમ ફાડાએ જણાવ્યું હતું. ટ્રૅક્ટર અને કેટલાંક થ્રી-વ્હીલર ટ્રીમ્સને બાદ કરતાં, પૅસેન્જર અને કમર્શિયલ વાહનો અને ટૂ-વ્હીલર્સ જેવાં અન્ય તમામ સેગમેન્ટ્સે સપ્ટેમ્બરમાં વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. પૅસેન્જર વેહિકલ રીટેલ ગયા મહિને ૧૦ ટકા વધીને ૨,૬૦,૫૫૬ યુનિટ થયું હતું, જે સપ્ટેમ્બર ૨૦૨૧માં ૨,૩૭,૫૦૨ યુનિટ હતું.

business news automobiles