19 April, 2022 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શેરડીના ખેડૂતો ઑક્ટોબર મહિનાથી શરૂ થનારી નવી સીઝનમાં શેરડીના ખરીદી ભાવમાં માત્ર ૨.૫૦ ટકાના વધારાની ધારણાં રાખી શકશે, કારણ કે કેન્દ્રીય કમિશન ફૉર ઍગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસ (સીએસીપી)એ શેરડીમાંથી ખાંડની રિકવરી રેટમાં ૦.૨૫ ટકાનો જ વધારો કરવાની ભલામણ કરી છે. જો કેન્દ્ર સરકાર દ્વારા આ કમિશનની દરખાસ્ત સ્વીકારવામાં આવે તો શેરડીના યોગ્ય અને વાજબી ભાવ એટલે ખેડૂતો પાસેથી શુગર મિલોએ ખરીદીના લઘુતમ ભાવ ૩૦૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી થશે, જે ખાંડની ૧૦.૨૫ ટકાની રિકવરીની શરતના ભાવ છે.
ચાલુ સીઝનમાં શેરડીના લઘુતમ ભાવ ૨૯૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, પરંતુ એ ૧૦ ટકા રિકવરી રેટની શરતના છે. કૃષિ કમિશન દ્વારા ખેતીના વિવિધ પ્રકારનાં ખર્ચને ધ્યાનમાં રાખીને સરકારને ભાવ નક્કી કરવા માટે ભલામણ કરવામાં આવે છે, જેના ઉપર કૅબિનેટ કમિટી મંજૂરીની મહોર મારે છે. સરકાર દ્વારા જો આ ભલામણ સ્વીકારવામાં આવે તો સરેરાશ ભાવમાં ૨.૫ ટકાનો વધારો જોવા મળશે.કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ ઉપરાંત પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યો પોતાનાં રાજ્યોના પણ ભાવ જાહેર કરે છે, જે તે રાજ્યોની શુગર મિલોએ ફરજિયાત એ ભાવથી જ ખરીદી કરવી પડે છે.