જિયો પછી અંબાણીએ રિલાયન્સ રીટેલમાં હિસ્સો વેચવાનું શરૂ કર્યું

10 September, 2020 10:08 AM IST  |  Mumbai | Mumbai correspondent

જિયો પછી અંબાણીએ રિલાયન્સ રીટેલમાં હિસ્સો વેચવાનું શરૂ કર્યું

રિલાયન્સ રિટેઇલ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની રિલાયન્સ રીટેલ વેન્ચરમાં પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેક ૭૫૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરી ૧.૭૫ ટકા હિસો ખરીદશે એવી જાહેરાત ગઈ કાલે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની કંપનીએ કરી હતી. આ રોકાણ થકી દેશના સૌથી મોટા રીટેલર રિલાયન્સ રીટેલનું મૂલ્ય ૪.૨૧ લાખ કરોડ રૂપિયા આકવામાં આવ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વૉર્ટરમાં રિલાયન્સ દ્વારા ગૂગલ, ફેસબુક સહિત દિગ્ગજ રોકાણકારોને પોતાના ટેલિકૉમ અને ટેક્નૉલૉજી બિઝનેસ જિયો પ્લૅટફૉર્મમાં હિસ્સો વેચી ૧,૫૨,૦૫૫.૪૫ કરોડ રૂપિયા ઊભા કરવામાં આવ્યા હતા. અહી ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયોમાં પણ સિલ્વર લેકે ૧.૬૫ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે.
 રિલાયન્સ રીટેલે એની ન્યુ કૉમર્સ સ્ટ્રૅટેજીથી નાના અને અસંગઠિત વેપારીઓનું પરિવર્તનકારી ડિઝિટલાઇઝેશન શરૂ કરી દીધું છે અને આ નેટવર્કને તે કરોડ વેપારીઓ સુધી વિસ્તારવામાં આવશે. એનાથી આ વેપારીઓને પોતાના ગ્રાહકો સુધી સર્વોત્તમ સેવાઓ પહોંચાડવામાં ટેક્નૉલૉજીની અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદ પૂરી પાડવામાં આવશે.
દરમિયાન, જિયોમાં રોકાણ કરનાર અન્ય પ્રાઇવેટ ઇક્વિટી કંપની કેકેઆર પણ રિલાયન્સ રીટેલ વેન્ચરમાં ૧ અબજ ડૉલરનું રોકાણ કરે એવી શક્યતા બજારનાં વર્તુળોએ વ્યક્ત કરી છે. જોકે આ અંગે કંપની તરફથી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 

business news reliance mukesh ambani