તુવેરમાં સરકારી પગલાં બાદ ભાવમાં ઘટાડાનો દોર શરૂ

26 August, 2022 05:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં તુવેરના ભાવમાં ક્વિન્ટલે ૧૦૦ રૂપિયાનો ઘટાડોઃ સરકારે સ્ટૉક જાહેર કરવાની સૂચના આપતાં વેચવાલી વધી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કેન્દ્ર સરકારે તહેવારો પહેલાં તુવેરના વેપારીઓને સ્ટૉક જાહેર કરવાની સૂચના આપી હોવાથી ભાવમાં રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. દેશનાં અગ્રણી તુવેર ઉત્પાદક મથકોએ તુવેરના ભાવમાં ક્વિન્ટલે ૧૦૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. જોકે છેલ્લા એક સપ્તાહમાં ભાવ ૨૦૦ રૂપિયાથી પણ વધુ ઘટી ગયા છે.

મહારાષ્ટ્રના આકોલા સેન્ટરમાં તુવેરના ભાવ ૭૮૦૦થી ૭૮૨૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ક્વોટ થતા હતા, જ્યારે અમરાવતીમાં લાલ તુવેરના ૭૭૦૦થી ૭૯૦૦ રૂપિયાના હતા. સોલાપુરમાં ગુલાબી તુવેરના ભાવ ૭૦૦૦થી ૭૯૦૦ રૂપિયા હતા. સરેરાશ તુવેરના ભાવ એક જ દિવસમાં ૧૦૦ રૂપિયા જેવા ઘટી ગયા હતા.

તુવેરના વેપારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલાં તમામ વેપારીઓને તુવેરનો સ્ટૉક જાહેર કરવાની સૂચના આપી છે અને રાજ્યોને જરૂર પડે તો કડક પગલાં લેવાની
પણ છૂટ આપી હોવાથી સ્ટૉકિસ્ટો તુવેરમાં વેચવાલ બન્યા હતા.

દરેકને તુવેરના સ્ટૉક લિમિટ લાગુ પડે અથવા તો સરકાર ખોટી રીતે કનડગત કરે એનો ડર લાગી રહ્યો હોવાથી તુવેરમાં વેચવાલી આવતાં ભાવ ગગડી ગયા હતા.
તુવેરની બજારમાં આગામી દિવસોમાં બજારો બહુ ઘટે એવી સંભાવના નથી, પંરતુ સરકારી પગલા પર વધારે નજર રહેલી છે. દેશમાં તુવેરનું વાવેતર આ વર્ષે ઓછું થયું છે અને ભારે વરસાદથી કેટલાક વિસ્તારમાં નુકસાનીના પણ સમાચાર છે. વળી તુવેર સિવાયનાં ખરીફ કઠોળમાં તેજી ચાલી રહી હોવાથી તુવેરમાં આગળ પર કેટલી મંદી થશે એ કહેવું મુશ્કેલ છે એમ વેપારીઓ જણાવે છે.

દરમ્યાન લાતુરમાં નવા મગની પણ આવક શરૂ થઈ હતી. નવા મગની ૨૫ બોરીની આવક હતી અને ભાવ ૬૦૦૦થી ૬૫૦૦ રૂપિયા ક્વોટ થયા હતા. નવા અડદની પણ પાંચેક બોરી આવી હતી. આમ નવા પાકોની આવકો શરૂ થવા લાગી હોવાથી તમામ કઠોળમાં તેજીને બ્રેક લાગી શકે છે. ગુજરાતમાં નવા કઠોળની આવકો ૧૫ સપ્ટેમ્બર બાદ શરૂ થાય એવી ધારણા છે.

business news commodity market