26 April, 2023 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી થતી ખરીદીમાં થતી ગરબડને રોકવા માટે સરકાર નવી સીઝનમાંથી આધાર કાર્ડને ફરજિયાત બનાવી રહી છે અને એના ઑથેન્ટિકેશન પછી જ ટેકાના ભાવથી ખરીદી માન્ય બનશે.
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ભારતીય કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને લઘુતમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) પર કપાસ વેચતા ખેડૂતોએ અનન્ય ઓળખ, આધાર સબમિટ કરવાની જરૂર છે. તામિલનાડુ જેવાં કેટલાંક રાજ્યોએ ડાંગર માટે ટેકાના ભાવ અથવા પ્રોત્સાહનો મેળવવા માટે ખેડૂતો દ્વારા આધાર સબમિશનનો અમલ કરી દીધો છે.
યોજના હેઠળ લાભો મેળવવા માટે પાત્ર વ્યક્તિએ આધાર નંબર ધરાવતા હોવાનો પુરાવો આપવો પડશે અથવા આધાર પ્રમાણીકરણ કરાવવું પડશે એમ ૧૭મી એપ્રિલના રોજ અને ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે. વધુમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે આ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તાવાર ગૅઝેટમાં એના પ્રકાશનની તારીખથી અમલમાં આવશે.
કપાસના ટેકાના ભાવ ૬૦૮૦થી ૬૩૮૦ રૂપિયા વચ્ચે છે
કેન્દ્ર સરકાર ખેડૂતો પાસેથી કપાસની ટેકાના ભાવથી ખરીદી કરશે ત્યારે આધાર ફરજિયાત કરશે અને એના આધારે જ ટેક્સટાઇલ્સ મંત્રાલય ખરીદીનો જે ખર્ચ થશે એ કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને આપશે. સરકાર નવી સીઝનથી કપાસની ખરીદીમાં આ યોજના અમલી બનાવે એવી સંભાવના છે. જે ખેડૂતો પાસે આધાર કાર્ડ નથી એ ખેડૂતો જો આધાર કાર્ડ મેળવવા માટેની અરજી કરશે તો એ અરજીને આધારે પણ તેઓ સરકારી એજન્સીઓને કપાસ ટેકાના ભાવથી વેચાણ કરી શકશે, પંરતુ જેમની પાસે આધાર કાર્ડ નહીં હોય તેમની પાસેથી સરકાર ખરીદી નહીં કરશે.
કેટલાંક રાજ્યોએ ચોખાની ખરીદી માટે આધાર ફરજિયાત બનાવ્યું છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇસની સ્કીમ હેઠળ જ તમામ પાકો માટે તબક્કાવાર આધાર ફરજિયાત કરી શકે છે.