રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 9 ટકા વધીને 10,250 કરોડ રૂપિયા

18 January, 2019 10:00 AM IST  | 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 9 ટકા વધીને 10,250 કરોડ રૂપિયા

મુકેશ અંબાણી

ઑઇલથી લઈને ટેલિકૉમ સુધીનાં અનેક ક્ષેત્રોમાં કાર્યરત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 10,251 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નફો કર્યો છે, જે વર્ષાનુવર્ષ ધોરણે 8.82 ટકા વધારે છે. કંપનીએ પાછલા વર્ષે સમાન અરસામાં અર્થાત ત્રીજા ક્વૉર્ટરમાં 9420 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

કંપનીની કામકાજી કન્સોલિડેટેડ આવક 56.38 ટકા વધીને 1,60,299 કરોડ રૂપિયા થઈ છે, જે પાછલા વર્ષે 1,02,500 કરોડ રૂપિયા હતી.

કંપનીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘રીટેલ અને જીઓમાં કંપનીએ જોરદાર વૃદ્ધિ કરીને કંપનીની એકંદર નફાકારકતામાં સતત યોગદાન વધાર્યું છે. વાયરલેસ બિઝનેસમાં ગ્રાહકલક્ષી ઑફરો અને મજબૂત નેટવર્કને લીધે ભારતનું અભૂતપૂર્વે ઝડપે ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે.’

રિલાયન્સે જાહેર કરેલાં પરિણામો મુજબ એનો રોકડ નફો 10.7 ટકા વધીને 16,727 કરોડ રૂપિયા થયો છે તથા કરવેરા પહેલાંનો નફો 9.3 ટકા વધીને 14,445 કરોડ રૂપિયા થયો છે.

31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ક્વૉર્ટરના અંતે એના પરનું કરજ 2,74,381 કરોડ રૂપિયા હતું, જે ગઈ 31 માર્ચના રોજ 2,18,763 કરોડ રૂપિયા હતું.

રિલાયન્સ જીઓ ઇન્ફોકૉમનો ઑક્ટોબર-ડિસેમ્બર ક્વૉર્ટરનો નફો 831 કરોડ રૂપિયા થયો છે, જે પાછલા સમાન ગાળાની તુલનાએ 22.10 ટકા વધારે હતો. કંપનીએ પ્રતિ યુઝર 130 રૂપિયાની આવક રળી છે.

મુકેશ અંબાણીએ જણાવ્યા મુજબ જીઓના ગ્રાહકોની સંખ્યા 28 કરોડ થઈ ગઈ છે. ફાઇબર ટુ ધ સબસ્ક્રાઇબર સર્વિસ સાથે ઘર અને કંપનીઓને કનેક્ટિવિટીનાં નવાં સૉલ્યુશન ઉપલબ્ધ કરાવવા માટે કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : 2025 સુધી ભારતીય ઈકોનોમીને પાંચ ટ્રિલ્યન ડૉલર બનાવવાની યોજના

રિલાયન્સના પેટ્રોકેમિકલ્સ અને રિફાઇનિંગના બિઝનેસમાં આવક 47.3 ટકા વધીને 1,11,737 કરોડ રૂપિયા થઈ છે. ઉપરાંત રીટેલ બિઝનેસમાં 13.9 કરોડ ગ્રાહકોએ સ્ર્ટોસની મુલાકાત લીધી હતી.

mukesh ambani reliance