કુશાલ ટ્રેડલિન્કના શૅરની તેજીમાં ગેરરીતિ માટે 14 વ્યક્તિ દોષિત

05 June, 2019 12:42 PM IST  | 

કુશાલ ટ્રેડલિન્કના શૅરની તેજીમાં ગેરરીતિ માટે 14 વ્યક્તિ દોષિત

કુશાલ ટ્રેડલિન્કના શૅરની તેજીમાં ગેરરીતિ

શૅરબજારના નિયમનકાર સેબીએ અમદાવાદ સ્થિત કુશલ ટ્રેડલિન્કના શૅરમાં ગેરરીતિ આચરી કૃત્રિમ રીતે ભાવ વધારવા માટે ૧૪ વ્યક્તિને જવાબદાર ઠેરવી ૪૨ લાખ રૂપિયાનો કુલ દંડ ફટકાર્યો છે. સેબીના આદેશ અનુસાર દરેક વ્યક્તિએ ઓર્ડરના ૪૫ દિવસમાં દંડની રકમ જમા કરાવવાની છે.

અમદાવાદ ખાતે હેડ ઑફિસ ધરાવતી આ કંપની પેપર અને અન્ય વેસ્ટના રિસાઇકલિંગનું કામકાજ કરે છે. સપ્ટેમ્બર ૨૦૧૬થી જાન્યુઆરી ૨૦૧૭ દરમિયાન આ શૅરના ભાવ ૧૮૦૪ ટકા વધ્યા હતા. તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ શૅરનો ભાવ માત્ર ૧૬ રૂપિયા હતો જે ૨૪ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ વધીને ૩૦૪.૭૫ રૂપિયા થયો છે. શૅરમાં બોનસ અને સ્પ્લીટ આવ્યા હોવાથી અત્યારે એડજસ્ટમેન્ટ કરેલા ભાવ અહીં દર્શાવ્યા છે. કંપનીની કામગીરીમાં દેખીતી રીતે કોઈ સુધારો નહીં હોવા છતાં ભાવમાં આટલા મોટા ઉછાળા પછી એક્સચેન્જ અને સેબીએ તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ દરમિયાન સેબીને મળેલા પુરાવા અનુસાર આ ૧૪ વ્યક્તિએ ભાવમાં રોજ ગેરરીતિ આચરી હતી. આ બધી જ વ્યક્તિ એકબીજા સાથે સંકળાયેલી છે અને એકબીજા સાથે સર્ક્યુલર ટ્રેડિંગ કરી ભાવ વધારતી હતી એટલે સેબીએ બધાને દોષિત ઠેરવી દંડ કર્યો છે.

આ પણ વાંચો: આયાતકારોએ હકીકત કરતાં ઓછી કિંમત દર્શાવતાં સરકારને 85,098 કરોડનું નુકસાન

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪માંથી ૧૩ વ્યક્તિ અમદાવાદની રહીશ છે અને તેમાંથી નવ તો એક જ વિસ્તારમાં વસવાટ કરે છે. અહીં એ જાણવું જરૂરી છે કે કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર સંજીવ અગ્રવાલની એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં કેન્દ્રીય જીએસટી વિભાગે અમદાવાદથી ઇનપુટ ટૅક્સ ક્રેડિટચોરીના એક કેસમાં ધરપકડ કરી છે. જીએસટી વિભાગના જણાવ્યા અનુસાર કંપનીએ માલના વેચાણ વગર જ ૬૭૨.૩૨ કરોડ રૂપિયાની બોગસ ઇન્વૉઇસ બનાવી ૮૮.૭૮ કરોડની ઇનપુટ ટૅક્સ ક્રેડિટની ચોરી કરી છે.

 

business news