સેરેનાની સુપરસફર પર પડદો

04 September, 2022 05:23 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૯૯૮માં પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ મહેશ ભૂપતિ-મિર્યાના લ્યુચિચની જોડીને હરાવીને મેળવ્યું હતું : ૪૦ વર્ષની લેજન્ડે ૩૯ મોટાં ટાઇટલ જીતીને ટેનિસ જગતને કર્યું ગુડબાય

અમેરિકાની સેરેના વિલિયમ્સ ૧૯૯૯થી ૨૦૧૭ સુધી કુલ ૨૩ સિંગલ્સ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી છે.

ટેનિસજગતની ઑલટાઇમ-ગ્રેટ મહિલા ખેલાડી અમેરિકાની સેરેના વિલિયમ્સ શનિવારે અભૂતપૂર્વ ટેનિસ કરીઅરની અંતિમ મૅચ રમી હતી. યુએસ ઓપન પોતાની છેલ્લી સ્પર્ધા હોવાનો અગાઉ અણસાર આપી ચૂકેલી સેરેનાનો ન્યુ યૉર્કના આર્થર ઍશ સ્ટેડિયમમાં આ સ્પર્ધાના ત્રીજા રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયાની આયલા ટૉમલાનોવિચ સામે ૫-૭, ૭-૪, ૧-૬થી પરાજય થયો હતો.

ટૉમલાનોવિચ મૂળ ક્રોએશિયાની છે. સેરેના સૌથી પહેલું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ ૧૯૯૮ની સાલમાં વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં મિક્સ્ડ-ડબલ્સમાં જીતી હતી. એ મિક્સ્ડ-ડબલ્સની ફાઇનલમાં સેરેના બેલારુસના મૅક્સ મિરની સાથેની જોડીમાં ભારતના મહેશ ભૂપતિ તથા ક્રોએશિયાની મિર્યાના લ્યુચિચને ૬-૪, ૬-૪થી હરાવીને પોતાનું સૌપ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ જીતી હતી.

સેરેનાનું ક્રોએશિયન કનેક્શન
એ રીતે સેરેનાની કરીઅરની શરૂઆત ક્રોએશિયન ખેલાડી સામેના વિજયથી થઈ અને હવે ક્રોએશિયન પ્લેયર સામેના પરાજય સાથે પૂરી થઈ છે.

૨૩ સિંગલ્સ ટાઇટલનો રેકૉર્ડ
૪૦ વર્ષની સેરેના ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાઓમાં સિંગલ્સનાં ૨૩, ડબલ્સનાં ૧૪ અને મિક્સ્ડ-ડબલ્સનાં બે મળી કુલ ૩૯ ટાઇટલ જીતી હતી. ૨૩ સિંગલ્સ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ્સ ટેનિસના ઓપન યુગમાં મહિલા વર્ગનો રેકૉર્ડ છે. ઓપન એરા પૂર્વે માર્ગારેટ કોર્ટ ૨૪ ટાઇટલ જીત્યાં હતાં.

સચિન તેન્ડુલકર સહિતની સેલિબ્રિટીઝનું ટ્રિબ્યુટ
આ મહિને ૪૧ વર્ષની થનારી સેરેના વિલિયમ્સને ગઈ કાલે ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર તેમ જ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓબામા તેમ જ અમેરિકાની અને અન્ય દેશોની અસંખ્ય સેલિબ્રિટિઝે ભવ્ય કારકિર્દી બદલ અભિનંદન આપ્યાં હતાં. સચિને ટ્વીટમાં લખ્યું હતું, ‘વ્યક્તિના શરીર પર હંમેશાં મનનો દોરીસંચાર રહેતો હોય છે એટલે ઉંમરની જ જો વાત કરીએ તો ટીનેજર્સ વયની બાબતમાં વિશ્વની મોટામાં મોટી સમસ્યા ઉકેલી શકે અને મોટી ઉંમરની વ્યક્તિઓ કંઈક નવું સાહસ શરૂ કરીને એમાં ઝળકી શકે. સ્પોર્ટ્‍સ હંમેશાં સમાજને કોઈ પણ ઉંમરે અસંભવને સિદ્ધ કરવા પ્રેરિત કરે છે. સેરેનાને પ્રેરક કારકિર્દી બદલ ખૂબ ખૂબ અભિનંદન.’

સેરેના વિલિયમ્સેએ ફરી રિટાયરમેન્ટનો સ્પષ્ટ ઉલ્લેખ ટાળ્યો
સેરેના વિલિયમ્સે ગઈ કાલે કરીઅરની સંભવિત અંતિમ મૅચ રમ્યા પછી મુલાકાતમાં કહ્યું કે ‘ટેનિસમાંથી રિટાયર થઈ જવા વિશેના મારા નિર્ણય પર હું ફેરવિચાર કરવાની નથી, પરંતુ નિશ્ચયપૂર્વક કહેવું મુશ્કેલ છે એમ પણ કહેવાનું મન થાય છે.’ સેરેના શુક્રવારે હારી ગયા પછી ઇન્ટરવ્યુ આપી રહી હતી અને એમાં તે રડી પડી હતી. ત્યારે તેને પૂછવામાં આવ્યું કે ‘શું તમે નિવૃત્ત થઈ જવાના નિર્ણય પર ફરી વિચાર કરશો?’ ત્યારે સેરેનાએ જવાબમાં એવું કહ્યું, ‘ના, હું એના પર ફરી વિચાર તો નથી કરવાની, પણ ચોક્કસપણે કહી પણ ન શકું.’

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ઍન્ડી મરે સિંગલ્સ, ડબલ્સ બન્નેમાં હાર્યો
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ઍન્ડી મરે યુએસ ઓપનની મેન્સ ટેનિસમાં ઇટલીના મૅટીઓ બેરેટિની સામે ૪-૬, ૪-૬, ૭-૧, ૩-૬થી હારી ગયો હતો. ૩૫ વર્ષનો મરે થાપાની સર્જરી કરાવ્યા પછી ગ્રૅન્ડ સ્લૅમમાં પહેલી વાર પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવા મક્કમ હતો, પરંતુ થાપામાં બેસાડવામાં આવેલી ધાતુની પ્લેટને કારણે તે સહેલાઈથી રમી નહોતો શક્યો. મરે ડબલ્સમાં તેના જ દેશનો જૅક ડ્રેપર ઈજાને કારણે સ્પર્ધાની બહાર થઈ જતાં મરેએ ડબલ્સમાંથી પણ નીકળી જવું પડ્યું છે.

sports news tennis news serena williams