03 May, 2022 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ક્રિકેટર અરુણ લાલે ૩૮ વર્ષની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
હર્ષદા શરદ ગરુડ આઇડબ્લ્યુ્એફ જુનિયર વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ વેઇટલિફ્ટર બની છે. તેણે ગ્રીસમાં વિમેન્સ ૪૫ કિલો કૅટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણે કુલ ૧૫૩ કિલો (૭૦ કિલો + ૮૩ કિલો) વજન ઊંચક્યું હતું. ટર્કીની બેકતાસ કૅન્સુ (૧૫૦ કિલો વજન) સિલ્વર મેડલ અને મોલ્દોવાની હિન્કુ ટેઓડોરા (૧૪૯ કિલો વજન) બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ૨૦૧૩માં મીરાબાઈ ચાનુ બ્રૉન્ઝ મેડલ અને ૨૦૨૧માં અંચિતા શેઉલી સિલ્વર મેડલ જીતી હતી.
ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર ૬૬ વર્ષના અરુણ લાલે ગઈ કાલે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ૩૮ વર્ષની બુલબુલ સાથે લગ્ન કરી લીધાં છે. અરુણ લાલે આ પહેલાં રીના સાથે લગ્ન કર્યાં હતાં, પણ એકબીજાની સહમતીથી ડિવૉર્સ લઈ લીધા હતા. જોકે ડિવૉર્સ બાદ પણ બન્ને સાથે રહેતાં હતાં અને હાલમાં બીમાર રીનાનો અરુણ લાલ સારસંભાળ રાખતા હતા. અરુણ લાલને આ બીજાં લગ્ન માટે તેની પ્રથમ પત્નીએ પણ સહમતી આપી હતી. ઘણા સમયથી સંબંધમાં રહ્યા બાદ મહિના પહેલાં બન્નેએ સગાઈ કરી લીધી હતી. ભારત વતી ૧૬ ટેસ્ટ અને ૧૩ વન-ડે રમનાર અરુણ લાલને પણ ૨૦૧૬માં જડબાનું કૅન્સર થયું હતું જેથી તેણે કૉમેન્ટરી છોડવી પડી હતી.
રવિવારે વાનખેડેમાં લખનઉ સામેની મૅચમાં પાંચ રને આઉટ થઈ જનાર દિલ્હીના ઓપનર પૃથ્વી શૉને આઇપીએલની આચારસંહિતાના લેવલ-૧ પ્રકારના અફેન્સ બદલ મૅચ રેફરી પ્રકાશ ભટ્ટે ઠપકો આપ્યો છે તેમ જ તેની પચીસ ટકા મૅચ-ફી કાપી લીધી છે. આ પ્રકારનો ક્રિકેટલક્ષી ગુનો અમ્પાયર અથવા કોઈ હરીફ ખેલાડી સામે અસભ્ય સંકેત કરવા બાબતનો હોય છે.
આવતા મહિને ઇંગ્લૅન્ડની વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં રશિયા અને બેલારુસના ખેલાડીઓના રમવા પર મૂકવામાં આવેલા પ્રતિબંધ વિશે બે મહાન ટેનિસ પ્લેયરો રાફેલ નડાલ અને નોવાક જૉકોવિચે આયોજકોની ટીકા કરી છે. યુક્રેન સાથે રશિયાએ કરેલા યુદ્ધ સામેના વિરોધમાં વિમ્બલ્ડનના સત્તાધીશોએ આ પગલું ભર્યું છે. જોકે નડાલે કહ્યું કે ‘રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એમાં મારા રશિયન મિત્ર-ખેલાડીઓનો શું વાંક? જોઈએ હવે આવનારા દિવસોમાં બીજા ખેલાડીઓ શું નિર્ણય લે છે.’ જૉકોવિચે કહ્યું કે ‘જાન્યુઆરીમાં મારી સામે પણ કંઈક આવા જ પ્રતિબંધના નિર્ણયને લીધે મને ઑસ્ટ્રેલિયામાં નહોતું રમવા મળ્યું. વિમ્બલ્ડનના સત્તાવાળાઓએ આ ઠીક નથી કર્યું.’
૨૦૧૯માં વર્લ્ડ નંબર વન બનેલી જપાનની નાઓમી ઓસાકા અને ૨૦૧૭માં નંબર વન થનાર સ્પેનની ગાર્બિન્યે મુગુરુઝા ગઈ કાલે મૅડ્રિડ ઓપનના બીજા રાઉન્ડમાં હારી ગઈ હતી. ચાર ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકેલી ઓસાકા ડાબા પગમાં ઈજાને કારણે જાડી પટ્ટી બંધાવીને રમી હતી. તેને સ્પેનની સારા સૉરિબેસ ટૉર્મોએ ૬-૩, ૬-૧થી હરાવી હતી, જ્યારે મુગુરુઝાને યુક્રેનની ઍન્હેલિના કલિનીનાએ ૬-૩, ૬-૦થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.