08 December, 2023 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કર્બર અને ઓસાકા
ટેનિસમાં હમણાં ઑફ-સીઝન ચાલી રહી છે અને ખાસ કરીને જાન્યુઆરીની ઑસ્ટ્રેલિયન ઓપનથી નવી સીઝન શરૂ થશે અને વર્ષની એ પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમથી જર્મનીની ઑન્જેલિક કર્બર અને જપાનની નાઓમી ઓસાકા તેમ જ સ્પૅનિશ લેજન્ડ રાફેલ નડાલ કમબૅક કરી રહ્યાં છે. કર્બર ૨૦૧૬માં આ ગ્રૅન્ડ સ્લૅમ જીતી હતી. ફેબ્રુઆરી ૨૦૨૩માં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. ઓસાકા ૨૦૧૯ અને ૨૦૨૧માં ઑસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. તેણે જુલાઈમાં પુત્રીને જન્મ આપ્યો હતો. કર્બરનો ૩૧ અને ઓસાકાનો ૪૬મો વર્લ્ડ-રૅન્ક છે. વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉન્ટેક ૨૦૨૨ પછી ફરી વાર વિજેતા બનવા અને નંબર-ટૂ અરીના સબાલેન્કા ટાઇટલ ડિફેન્ડ કરવાની દૃઢતા સાથે રમશે. મેન્સમાં બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકેલો રાફેલ નડાલ સાથળની સર્જરી બાદ લગભગ એક વર્ષે કમબૅક કરી રહ્યો છે, જ્યારે વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચ ટાઇટલ જાળવી રાખવા રમશે. તેની ખરી હરીફાઈ વર્લ્ડ નંબર-ટૂ સ્પેનના કાર્લોસ અલ્કારાઝ સાથે થશે.
શમી, મૅક્સવેલ, હેડ આઇસીસી અવૉર્ડ માટે થયા શૉર્ટલિસ્ટ
ભારતના સિનિયર પેસ બોલર મોહમ્મદ શમી તેમ જ ઑસ્ટ્રેલિયાના બે વર્લ્ડ કપ સ્ટાર ગ્લેન મૅક્સવેલ અને ટ્રેવિસ હેડને નવેમ્બર ૨૦૨૩ માટેના આઇસીસી મેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. શમીએ વર્લ્ડ કપમાં મોડેથી એન્ટ્રી કર્યા પછી પણ ફક્ત ૭ મૅચમાં હાઇએસ્ટ ૨૪ વિકેટ લીધી હતી. મૅક્સવેલ અફઘાનિસ્તાન સામે ઈજાગ્રસ્ત હોવા છતાં અણનમ ૨૦૧ રનની ક્રિકેટની બેસ્ટ-એવર ઇનિંગ્સ રમ્યો હતો અને ટ્રેવિસ હેડ ભારત સામેની ફાઇનલમાં મૅચવિનર હતો.
આઇસીસીએ બે ટી૨૦ વર્લ્ડ કપ માટેના લોગો બહાર પાડ્યા
આઇસીસીએ આવતા વર્ષે જૂનમાં અમેરિકા તથા વેસ્ટ ઇન્ડીઝમાં અને સપ્ટેમ્બરમાં બંગલાદેશમાં રમાનારા અનુક્રમે મેન્સ અને વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ માટેના લોગો બહાર પાડ્યા છે. જોશ અને સ્ફૂર્તિના પ્રતીક સમાન આ લોગોની પૅટર્નમાં યજમાન વેસ્ટ ઇન્ડીઝના તાડનાં ઝાડ તેમ જ અમેરિકાના ‘સ્ટ્રાઇપ્સ’ તેમ જ બૅટ, બૉલ અને એનર્જીની તેમ જ ટી૨૦ના રોમાંચકની ઝલકને આવરી લેવામાં આવી છે.