News In Short: નેધરલૅન્ડ્સની હૉકી વર્લ્ડ કપમાં વિજય સાથે શરૂઆત

15 January, 2023 07:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુક્રવારે રમાયેલી મૅચમાં યજમાન ભારતે સ્પેનને ૨-૦થી હરાવ્યું

ગોલની ઉજવણી કરતી નેધરલૅન્ડ્સની ટીમ. મલેશિયાને ૩-૦થી હરાવ્યું.

ત્રણ વખત ચૅમ્પિયન રહેલી નેધરલૅન્ડ્સની ટીમે ગઈ કાલે મલેશિયાને ૩-૦થી હરાવીને પુરુષોના હૉકી વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી હતી. તો ન્યુ ઝીલૅન્ડની ટીમે ઓડિશાના રુરકેલામાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાં ચિલીની ટીમને ૩-૧થી હરાવી હતી. શુક્રવારે રમાયેલી મૅચમાં યજમાન ભારતે સ્પેનને ૨-૦થી હરાવ્યું. આજે એની ટક્કર ઇંગ્લૅન્ડ સામે થશે. જો એ આ મૅચ જીતી જશે તો ક્વૉર્ટર ફાઇનલમાં જવાની તક વધશે.

લલિત મોદી હૉસ્પિટલમાં

આઇપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ શુક્રવારે ખુલાસો કર્યો હતો કે સપ્તાહમાં બે વખત કોરોનાથી સંક્રમિત થતાં હું ઑક્સિજન સપોર્ટ પર છું. ૫૯ વર્ષના લલિત મોદીએ પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપવા માટે સોશ્યલ મીડિયાનો આશરો લીધો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ત્રણ સપ્તાહ સુધી જેલમાં રહ્યા બાદ મને મેક્સિકોથી લંડન લાવવામાં આવ્યો હતો. મોદીએ તેમને માટે પ્રાર્થના કરનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. વળી અન્ય એક પોસ્ટમાં તેમણે બે ડૉક્ટરોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમણે તેમની દેખભાળ રાખી હતી. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગના પહેલા કમિશનર લલિત મોદી ૨૦૧૦થી લંડન રહે છે.

પદ્‍મનાભ સ્વામી મંદિરે પહોંચ્યા ક્રિકેટર્સ

ભારતીય ટીમના ખેલાડીઓએ ગઈ કાલે તિરુવનંતપુરમમાં આવેલા પદ્‍મનાભ સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાં દર્શન-પૂજનનો લાભ લીધો હતો. ભારતીય ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ આ મંદિરે ગયા હતા. તમામ ભારતીય ખેલાડીઓ પારંપરિક વસ્ત્રોમાં હતા. તેમના ફોટો વાઇરલ થયા છે. સૌથી વધુ સોનું ધરાવતા મંદિર તરીકે મંદિરની ખ્યાતિ છે.

sports news hockey cricket news lalit modi