ઇંગ્લિશ ચૅનલ ક્રૉસ કરનારી સૌથી યુવાન ભારતીય સ્વિમર બની ગૌરવી

11 September, 2019 03:08 PM IST  |  મુંબઈ | રોહન કોલી

ઇંગ્લિશ ચૅનલ ક્રૉસ કરનારી સૌથી યુવાન ભારતીય સ્વિમર બની ગૌરવી

ગૌરવી સિંઘવી

ઉદયપુરની ૧૬ વર્ષની ગૌરવી સિંઘવી ઇંગ્લિશ ચૅનલ ક્રૉસ કરનાર ભારતની સૌથી યુવાન સ્વિમર બની છે. સાઉથઈસ્ટ ઇંગ્લૅન્ડમાં આવેલા સૅમ્ફાયર હૉ બીચથી લઈને નૉર્થન ફ્રાન્સના કૅપ ગ્રિસ નેઝ સુધીનું ૪૦ કિલોમીટરનું અંતર તેણે ૧૩ કલાક અને ૨૮ મિનિટમાં કવર કર્યું હતું. આ સિદ્ધિ તેણે ૨૩ ઑગસ્ટે મેળવી હતી. તેણે અત્યાર સુધીમાં ૪૩ ગોલ્ડ, ૧૯ સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. તેણે ગયા વર્ષે નવ કલાક અને ૨૨ મિનિટમાં જુહુથી લઈને ગેટવે ઑફ ઇન્ડિયા સુધીનો ૪૮ કિલોમીટરનો નવો નૅશનલ રેકૉર્ડ પણ બનાવ્યો હતો.

મુંબઈ પ્રેસ ક્લબમાં યોજાયેલી એક ઇવેન્ટમાં ગૌરવીએ કહ્યું હતું કે ‘કોઈ પણ સ્વિમર માટે ઇંગ્લિશ ચૅનલને ક્રૉસ કરવી ખૂબ જ મુશ્કેલ ટાસ્ક છે. હું છેલ્લાં બે વર્ષથી પણ વધુ સમયથી આ માટે તૈયારી કરી રહી હતી. મને ખાતરી હતી કે મારી પાસે એટલો સ્ટેમિના છે, પરંતુ મેન્ટલ ચૅલેન્જ મારા માટે મોટો પ્રશ્ન હતો. આ કૉમ્પિટિશનમાં નિષ્ફળ રહેવાનો રેટ ૪૦ ટકા છે. મારે અંધારામાં પાંચથી છ કલાક સુધી તરવાનું હતું. પહેલો પાર્ટ સરળ છે, પરંતુ સેકન્ડ પાર્ટમાં જેલી ફિશ આવવાની શરૂ થઈ જાય છે અને ત્યારે તમને થાક અને ભૂખ લાગે છે.’

sports news rohan koli