ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

22 August, 2021 03:21 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ક્રેજસિકોવાને હરાવીને બાર્ટી સેમીમાં; શ્રીલંકામાં ઍન્યુઅલ કૉન્ટ્રૅક્ટ લિસ્ટમાં મૅથ્યુઝની અવગણના અને વધુ સમાચાર

મેગન અને લેસ્બિયન પાર્ટનર

 

ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર મેગન અને લેસ્બિયન પાર્ટનર બન્યા પુત્રીના પેરન્ટ્સ

ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર મેગન શ્યુટે ૨૦૧૯માં તેની ગર્લફ્રેન્ડ જેસ હૉલિયોક સાથે લગ્ન કર્યાં હતાં. પેસ બોલર મેગન અને ટીમની ફૅસિલિટી મૅનેજર જેસે ૨૦૧૯માં લગ્ન કર્યાં હતાં. રેસિપ્રોકલ આઇવીએફ દ્વારા પ્રેગ્નન્ટ બનનાર જેસે ૧૭ ઑગસ્ટે રાતે ૧૦ વાગ્યે પુત્રીને જન્મ આપ્યો હોવાની જાહેરાત ટ્વિટર પર કરી હતી. પુત્રીનું નામ તેમણે રીલી લુઇસ શ્યુટ રાખ્યું છે.

 

શ્રીલંકામાં ઍન્યુઅલ કૉન્ટ્રૅક્ટ લિસ્ટમાં મૅથ્યુઝની અવગણના

લાંબા સમયથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ વચ્ચે ઍન્યુઅલ કૉન્ટ્રૅક્ટને લઈને ચાલતો વિવાદ આખરે હાલ પૂરતો સમાપ્ત થઈ ગયો હોય એવું લાગે છે. ક્રિકેટ બોર્ડે ઍન્યુઅલ કૉન્ટ્રૅક્ટ લિસ્ટમાં સામેલ ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ૧૮ ખેલાડીઓએ એ સાઇન કરી લીધો છે. આ કૉન્ટ્રૅક્ટ પાંચ મહિના માટેનો જ છે જે પહેલી ઑગસ્ટથી શરૂ થઈને ૩૧ ડિસેમ્બરે સમાપ્ત થઈ જશે. આ યાદીમાં બોર્ડે ઇંગ્લૅન્ડમાં બાયો-બબલ્સના ભંગ બદલ સસ્પેન્ડ કરાયેલા દનુષ્કા ગુણાથિલકા, નિરોશન ડિકવેલા અને કુશલ મેન્ડિસ ઉપરાંત ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝનો સમાવેશ નથી કર્યો. મૅથ્યુઝની અવગણના વિશે ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે હાલમાં રમવા માટે ઉપલબ્ધ ન હોવાથી તેને સામેલ નથી કર્યો. મૅથ્યુઝ છેલ્લે વેસ્ટ ઇન્ડીઝ ટૂરમાં રમ્યો હતો, પણ ઘરઆંગણે ભારત સામેની સિરીઝમાંથી ખસી ગયો હતો.

 

ક્રેજસિકોવાને હરાવીને બાર્ટી સેમીમાં

યુએસએમાં ચાલી રહેલી સિનસિનાટી ઓપનમાં વર્લ્ડ નંબર ઍશ્લેઘ બાર્ટીએ ક્વૉર્ટર ફાઇનલમાં નવમી ક્રમાંકિત બારબોરા ક્રેજસિકોવાને સીધા સેટમાં ૬-૨, ૬-૪થી હરાવીની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. હવે બાર્ટીનો મુકાબલો એન્જેલિક કર્બર સામે થશે. કર્બર ક્વૉર્ટર ફાઇનલમાં તેની હરીફ અને બે વખતની વિમ્બલ્ડન ચૅમ્પિયન પેટ્રા ક્વિટોવા બીજા સેટમાં પેટમાં દુખાવાને લીધે હટી જતાં સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી.

બાર્ટીએ છેલ્લે કર્બરને વિમ્બલ્ડનની સેમી ફાઇનલમાં હરાવી હતી.

sports news