News In Shorts: આયરલૅન્ડની ટૂરમાં લક્ષ્મણ ભારતનો કોચ

19 May, 2022 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતા મહિને જૂનમાં સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી પાંચ મૅચની ટી૨૦ સિરીઝમાં રાબેતા મુજબ રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાને કોચિંગ આપશે.

આયરલૅન્ડની ટૂરમાં લક્ષ્મણ ભારતનો કોચ

આયરલૅન્ડની ટૂરમાં લક્ષ્મણ ભારતનો કોચ

આવતા મહિને જૂનમાં સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી પાંચ મૅચની ટી૨૦ સિરીઝમાં રાબેતા મુજબ રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાને કોચિંગ આપશે, પરંતુ ત્યાર પછી દ્રવિડ ભારતની ટેસ્ટ-ટીમ સાથે જુલાઈની એકમાત્ર ટેસ્ટ માટે ઇંગ્લૅન્ડના પ્રવાસે જવાનો હોવાથી તે (દ્રવિડ) ત્યાં ટીમને પ્રૅક્ટિસ કરાવવામાં વ્યસ્ત હશે એટલે એ અરસામાં આયરલૅન્ડની ટૂર પર જનારી ભારતીય ટીમનો કોચ વીવીએસ લક્ષ્મણ બનશે એવી શક્યતા છે. લક્ષ્મણ નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીનો ચીફ છે. આયરલૅન્ડમાં ભારતીય ટીમ ૨૬ તથા ૨૮ જૂને ટી૨૦ મૅચ રમશે.

ભારતની ટી૨૦ સિરીઝમાં કોને રમવા મળી શકે?

આગામી ૯થી ૧૯ જૂન દરમ્યાન સાઉથ આફ્રિકા સામે ભારતની પાંચ મૅચની જે ટી૨૦ સિરીઝ રમાશે એ માટેની ટીમમાં આઇપીએલની વર્તમાન સીઝનમાં ચમકેલા કેટલાક ખેલાડીઓને સ્થાન મળી શકે. પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહ, મુંબઈ ઇન્ડિયન્સના તિલક વર્મા, સનરાઇઝર્સ હૈદરાબાદના રાહુલ ત્રિપાઠી તથા ઉમરાન મલિક, લખનઉના મોહસિન ખાન અને બૅન્ગલોરના દિનેશ કાર્તિકમાંથી ઓછામાં ઓછા ૪ પ્લેયરનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ થશે એની પાકી સંભાવના છે.

મહિલા વર્લ્ડ બૉક્સિંગમાં બે ભારતીયના બ્રૉન્ઝ

ઇસ્તંબુલમાં ગઈ કાલે મહિલાઓની વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ભારતની નિખત ઝરીન બાવન કિલોના વર્ગમાં બ્રાઝિલની કૅરોલિન અલ્મેઇડાને ૫-૦થી હરાવીને ફાઇનલમાં પહોંચી એની સાથે ભારતે બે બ્રૉન્ઝ મેડલ પાકા કરી લીધા હતા. ૫૭ કિલો વર્ગમાં મનીષા મોઉને અને ૬૩ કિલોની કૅટેગરીમાં નવોદિત મુક્કાબાજ પરવીન હૂડાએ બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

બૅન્ગકૉકમાં તાજેતરમાં ભારતના બૅડ્‍મિન્ટન ખેલાડીઓ થોમસ કપ મેન્સ ટુર્નામેન્ટની ઐતિહાસિક ટ્રોફી જીત્યા એ પછી ત્યાં શરૂ થયેલી થાઇલૅન્ડ ઓપન સ્પર્ધામાં ગઈ કાલે કિદામ્બી શ્રીકાંત ફર્સ્ટ રાઉન્ડમાં ફ્રાન્સના બ્રાઇસ લેવર્ડેઝને ૧૮-૨૧, ૨૧-૧૦, ૨૧-૧૬થી હરાવીને સેકન્ડ રાઉન્ડમાં પહોંચી ગયો હતો. જોકે મહિલાઓમાં સાઇના નેહવાલ હારી ગઈ હતી. તેને કોરિયાની કિમ ગા ઇયુને ૨૧-૧૧, ૧૫-૨૧, ૧૭-૨૧થી હરાવી હતી. અશ્મિતા ચલિહા તથા આકર્ષી કશ્યપનો સિંગલ્સમાં તેમ જ બી. સુમીત રેડ્ડી તથા અશ્વિની પોનપ્પાનો પણ પહેલા રાઉન્ડમાં પરાજય થયો હતો.

રિચર્ડ ગૅસ્કે ૧૭ વર્ષે નંબર ટૂ ખેલાડી સામે જીત્યો
ફ્રાન્સનો ટેનિસ પ્લેયર રિચર્ડ ગૅસ્કે છેક ૧૭ વર્ષે વર્લ્ડ નંબર-ટૂ સામે જીત્યો છે. તેણે મંગળવારે સેકન્ડ-રૅન્ક્ડ રશિયાના ડેનિલ મેડવેડેવને જીનિવા ઓપનની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ૬-૨, ૭-૫થી હરાવ્યો હતો. મેડવેડેવ હર્નિયાના ઑપરેશનને કારણે ૬ અઠવાડિયાં નહોતો રમી શક્યો અને હવે તે કમબૅક પછીની પહેલી જ મૅચમાં પરાજિત થયો છે. ગૅસ્કે ૨૦૦૫માં (૧૭ વર્ષ પહેલાં) રૉજર ફેડરર સામે હાર્યો ત્યાર બાદ ક્યારેય નંબર-વન કે નંબર-ટૂ સામે નહોતો જીત્યો. તે એવા ટોચના પ્લેયર્સ સામે સતત ૩૬ મૅચ હાર્યો ત્યાર બાદ મંગળવારે તેણે એ પરાજયની પરંપરા તોડી હતી.

ભારતે તીરંદાજીમાં નંબર વન અમેરિકાને હરાવ્યું ઃ ફાઇનલમાં પહોંચ્યું
સાઉથ કોરિયાના ગ્વાંગઝુમાં તીરંદાજીના વર્લ્ડ કપનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને એમાં ભારતના પુરુષ તીરંદાજોની ટીમે પહેલાં વર્લ્ડ નંબર-વન અમેરિકાને ક્વૉર્ટર ફાઇનલમાં ૨૩૪-૨૨૮થી હરાવીને અને પછી સેમી ફાઇનલમાં પાવરહાઉસ ગણાતી સાઉથ કોરિયાની ટીમને ૨૩૩-૨૩૩ (૨૯-૨૬)થી હરાવી હતી. ભારતીયો ફાઇનલમાં પહોંચતાં ઓછામાં ઓછો સિલ્વર મેડલ પાકો થયો હતો. ફાઇનલમાં ફ્રાન્સ સામે જીતીને ગોલ્ડ પણ પાકો થઈ શકે. તીરંદાજોની ટીમમાં અભિષેક વર્મા, અમન સૈની અને રજત ચૌહાણનો સમાવેશ છે. મહિલા વર્ગમાં ભારતનો સેમીમાં સાઉથ કોરિયા સામે પરાજય થતાં અવનીત કૌર, મુસ્કાન કિરાર અને પ્રિયા ગુર્જરે ટર્કીને ૨૩૨-૨૩૧થી હરાવવાની સાથે બ્રૉન્ઝ મેડલથી સંતોષ માની લેવો પડ્યો હતો.

મુંબઈ કદાચ સાવ તળિયે જ રહેશે

મંગળવારે વાનખેડેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે માત્ર ત્રણ રનના માર્જિનથી હારી જનાર મુંબઈ ઇન્ડિયન્સ (પૉઇન્ટ ૬, રનરેટ -૦.૫૭૭)ની હવે એકમાત્ર લીગ મૅચ બાકી છે જે શનિવારે વાનખેડેમાં દિલ્હી સામે રમાશે. ૧૦મા નંબરે રહેલી આ ટીમ છેલ્લે કદાચ સાવ તળિયે જ રહેશે, કારણ કે નવમા ક્રમની ચેન્નઈના ૮ પૉઇન્ટ છે અને -૦.૨૦૬નો રનરેટ છે જેને લીધે એ કદાચ નવમા સ્થાને જ રહેવાની સંભાવના છે. ચેન્નઈની અંતિમ મૅચ આવતી કાલે બ્રેબર્નમાં રાજસ્થાન સામે રમાશે.
મંગળવારે હૈદરાબાદ (૧૯૩/૬) સામે મુંબઈની ટીમ (૧૯૦/૭) જરાક માટે લક્ષ્યાંક ચૂકી ગઈ હતી. ૧૮મી ઓવરના પાંચમા બૉલ વખતે મુંબઈનો સ્કોર ૧૭૫/૬ હતો અને જીતવા માટે ૧૨ બૉલમાં ૧૯ રન બનાવવાના હતા ત્યારે ટિમ ડેવિડ (૪૬ રન, ૨૪ બૉલ, ૪ સિક્સર, ૩ ફોર) નટરાજનના હાથે રનઆઉટ થતાં મુંબઈની આશા પર પાણી ફરી વળ્યું હતું. ડેવિડે નટરાજનની એ જ ઓવરમાં હૅટ-ટ્રિક સિક્સર સહિત કુલ ચાર છગ્ગા સાથે ૨૬ રન બનાવ્યા હતા અને નટરાજને તરત બદલો લઈ લીધો હતો. આ સીઝનમાં પોતાનો હાઇએસ્ટ ૪૮ રનનો સ્કોર નોંધાવનાર કૅપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું હતું કે ‘કમનસીબે ટિમ ડેવિડ રનઆઉટ થયો ત્યાં જ ટર્ન આવી ગયો હતો. જેકંઈ હોય, હૈદરાબાદની ટીમને દાદ દેવી પડે. અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મૅચમાં કેટલીક અજમાયશ કરી હતી.’
હૈદરાબાદ વતી ઉમરાન મલિકે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જોકે આક્રમક ૭૬ રન બનાવનાર હૈદરાબાદના રાહુલ ત્રિપાઠીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

sports news rahul dravid