તમારે જીવનમાં પરિવર્તન લાવવું છે?

16 May, 2015 05:41 AM IST  | 

તમારે જીવનમાં પરિવર્તન લાવવું છે?



પ્રેરણાની પળે- કાન્તિ ભટ્ટ


દરેક માણસને પોતાનો અંતરાત્મા તપાસવો ગમે છે. અડધી રાત્રે દાઉદ ઇબ્રાહિમ જાગી જાય, હું જાગી જાઉં કે નરેન્દ્ર મોદી જાગી જાય ત્યારે તેને આ આત્મપરીક્ષણની ક્ષણ મળે છે. માનવમાંથી કોઈ પૂર્ણ નથી અને પોતાના વર્તમાન જીવનમાં ફેરફાર શક્ય છે એમ બુદ્ધિશાળી હોય તો માને છે, પણ કઠણાઈ એ છે કે આપણે સૌ આપણામાં પરિવર્તન લાવવાને બદલે બીજાના જીવનમાં વધુ રસ લઈને તેની ખોડખાંપણ જોયા કરીએ છીએ.

ડૉ. જૉન નિકોલસને ઘણા માનસિક બીમાર એવા બ્રિટિશ સંસદસભ્યોને સારા કરેલા. આજે લેબર પાર્ટી ૨૦૧૫ની ચૂંટણી હારી જતાં ઘણા સંસદસભ્યો બીમાર થઈ ગયા છે. તેમને તેઓ પહેલાં પૂછતા કે મારા જીવનમાં હું શું ફેરફાર કરું તો હવે પછી ચૂંટણીમાં સફળ બની શકું. ત્યારે ડૉ. નિકોલસન કહેતા કે તમે પોતે જ જીવનને તપાસશો તો તમારી મેન્ટાલિટીમાં ઘણા ફેરફારની શક્યતા છે. હું મારો જ દાખલો લઉં. મને ભૂતકાળમાં સગાંવ્ાહાલાં, મારા સગા કાકા કે કેટલાક તંત્રીએ (મારી દૃષ્ટિએ) અન્યાય કર્યો હોય એ મને સતત યાદ આવે છે. હું જાણું છું કે મારે આ બધું ભૂલી જઈને સૌને માફ કરીને (અને વળી હું માફ કરનાર કોણ) મારે આજના દિવસને માણવો જોઈએ, પણ એમ હંમેશાં થતું નથી. તમે જોશો કે તમે જ્યારે તમારા જીવનમાં ઊંડા ઊતરો છો ત્યારે થોડાક અસ્વસ્થ તો જરૂર થઈ જાઓ છો. પહેલી વાત તો એ કે તમારા કરતાં તમારો મિત્ર, તમારો પાડોશી કે તમારી ઑફિસનો કર્મચારી વધુ સુખી છે એવી કમ્પૅરિઝન ન કરો. બની શકે એ સાથીદાર તમે જેને સુખી માનો છો તે દુ:ખી હોય અને તમને સુખી માનતો હોય! ડૉ. જૉન નિકોલસન આ વાત કહીને તમને પુરવાર કરી દે છે કે સૌથી સહેલો સુખી થવાનો રસ્તો એ છે કે તમારે તમને કોઈ પણ હાલતમાં સુખી માનવા.

અંગ્રેજીમાં કહેવત છે કે ઑલ કમ્પૅરિઝન્સ આર ઓડિયસ અર્થાત્ તમામ સરખામણી જુગુપ્સાપ્રેરક અને ભ્રામક અને ખોટી હોય છે, ઘૃણિત હોય છે અને કુત્સિત હોય છે. એટલે સૌથી પહેલી અને છેલ્લી શરત એ છે કે તમારા જીવનમાં ફેરફાર લાવવો હોય કે માનસિક પરિવર્તન કરવું હોય તો બીજાની સાથે તમારાં સુખ-દુ:ખની સરખામણી છોડી દો. જો તમે તમારામાં તમારી રીતે પરિવર્તન કરો એટલે મોટા દાનવીર બની જાઓ છો, કારણ કે આજે ચારેબાજુ લોકો એકબીજા સાથે સરખામણી કરીને કાં દુ:ખી થાય છે કે ઈર્ષાળુ થાય છે. એક ખાસ વિચાર કરવાની સિસ્ટમ ડૉ. જૉન નિકોલસને રજૂ કરી છે. તેમણે કહ્યું છે કે જ્યારે તમારા જીવનમાં કોઈ કટોકટી આવે કે ભૂલ થઈ જાય ત્યારે તમે એટલું જ વિચારો કે વાહ! હવે કંઈક નવું શીખવાનો મોકો આવ્યો છે; ચાલો, મારી ભૂલથી કે બીજાની ભૂલથી જે કાંઈ સમસ્યા ખડી થઈ છે એની સાથે બાથ ભીડીને નવી હિંમત કેળવવાનો મોકો મળ્યો છે. એવરી ક્રાઇસિસ ઇઝ અ ગૉડ્સ ગિફ્ટ - કટોકટી તો ઈશ્વરની ભેટ છે. શીખો.