02 December, 2018 06:40 PM IST |
ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી
આમ તો ભારત એની સંસ્કૃતિ, પરંપરા અને સ્થાપત્ય શૈલીની બાબતમાં વર્લ્ડ ફેમસ છે. દેશની આવી છબી બનાવવા માટે દરેક રાજ્યનું યોગદાન અવિસ્મરણીય છે. પરંતુ એમાં મધ્ય પ્રદેશની ભૂમિકા અતુલ્ય છે. દેશની મધ્યમાં વસેલું મધ્ય પ્રદેશ ભારતનું હૃદય ગણાય છે અને એને હાર્ટ ઑફ ઇન્ડિયાનો ખિતાબ પણ મળ્યો છે. જેમ હૃદય માણસને જીવંત રાખે છે એવી જ રીતે મધ્ય પ્રદેશની ઐતિહાસિક સંપત્તિ, કલ્ચર, ટ્રેડિશન, આર્ટ, ક્રાફ્ટ અને બાંધકામ દેશના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવામાં હૃદયના જેવી અતુલ્ય ભૂમિકા ભજવે છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ છે, જ્યારે જબલપુર એની જ્યુડિશ્યરી રાજધાની છે. મધ્ય પ્રદેશ મધ્ય ભારતનું સૌથી મોટું રાજ્ય છે. બાવન જિલ્લા છે અને વિસ્તારની દ્રષ્ટિએ દેશનું બીજું મોટું રાજ્ય છે ત્યારે જનસંખ્યાની દ્રષ્ટિએ એ દેશનું પાંચમું મોટું રાજ્ય છે. અહીંની સ્થાનિક ભાષા હિન્દી છે. મધ્ય પ્રદેશનું સૌથી મોટું શહેર ઇન્દોર છે. આટલું મોટું મધ્ય પ્રદેશ છે તો વિચારો અહીં જોવાલાયક સ્થળો કેટલાં હશે! તેમ જ ટૂરિઝમ ક્ષેત્ર કેટલું વિશાળ હશે! આ જ બધું વિચારીને એમાં ડોકિયું કરવાનો વિચાર આવ્યો, પરંતુ ડોકિયું કર્યું ત્યારે ખબર પડી કે મધ્ય પ્રદેશ છે જ એટલું ભવ્ય અને ભરચક કે એનું વર્ણન કરવું લગભગ અશક્ય છે તેમ છતાં અહીં એનાં મુખ્ય અને લોકપ્રિય સ્થળોને આવરી લેવાની કોશિશ કરી છે. આપણે આ અંકમાં હેરિટેજ અને પ્રખ્યાત સ્થળોની ચર્ચા કરીશું અને ધાર્મિક સ્થળો તથા વાઇલ્ડ લાઇફની ચર્ચા આવતા અંકમાં કરીશું. તો ચાલો આજે મધ્ય પ્રદેશની હેરિટેજ દુનિયાની સફર શરૂ કરીએ.
ભોપાલ
જેમ મધ્ય પ્રદેશ ભારતનું હૃદય છે એમ ભોપાલ મધ્ય પ્રદેશનું હૃદય છે. અગાઉ ભોપાલ એક રાજ્ય હતું, જે હવે મધ્ય પ્રદેશની અંદર આવે છે. અગિયારમી સદીના માળવાના રાજા ભોજ પરથી આ શહેરનું નામ ભોપાલ પડ્યું હતું. ભોપાલ મધ્ય પ્રદેશની રાજધાની હોવાની સાથે એ અનેક કુદરતી અને માનવનિર્મિત તળાવ ધરાવે છે, જેને લીધે એને સિટી ઑફ લેકનો પણ ખિતાબ મળી ચૂક્યો છે સાથે એ દેશની ગ્રીનેસ્ટ સિટીમાંની એક પણ ગણાય છે. આટલાબધા ખિતાબ ઓછા હોય એમ આ દેશનું સત્તરમું મોટું શહેર સ્વચ્છતાની બાબતે મેટ્રો શહેર કરતાં પણ આગળ છે. અહીંનાં મુખ્ય આકર્ષણોમાં ભોજતાલ, જે બડે તાલાબ તરીકે પણ ઓળખાય છે એમાંથી ભોપાલવાસીઓને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ સિવાય બિરલા મંદિરના નામથી પ્રખ્યાત લક્ષ્મીનારાયણનું મંદિર અરેરા પહાડીની નજીક આવેલું છે. બાજુમાં એક સંગ્રહાલય પણ છે, જેમાં અનેક દેવી-દેવતાઓની મૂર્તિ મૂકવામાં આવેલી છે. આ તમામ મૂર્તિ આસપાસનાં શહેરમાંથી લાવવામાં આવેલી છે. આ ઉપરાંત મોતી મસ્જિદ છે જે સિકંદરજહાં બેગમે ૧૮૬૦ની સાલમાં બનાવી હતી. અહીંની ખાસિયત એ છે કે એનું બાંધકામ દિલ્હીની જામા મસ્જિદ જેવું છે. દેશની મોટી મસ્જિદોમાંની એક મસ્જિદ તાજ-ઉલ-મસ્જિદ ભોપાલમાં સ્થિત છે. ભોપાલ શહેરની વચ્ચોવચ આવેલા શોકત મહલના બાંધકામમાં ઇસ્લામિક અને યુરોપિયન શૈલીની ઝલક જોવા મળે છે. દેશનાં સૌથી અનોખાં રાષ્ટ્રીય સંસ્થાનો પૈકીનું એક ભારત ભવન ભોપાલ શામલા પહાડીઓ પર આવેલું છે. દેશના વિભિન્ન ભાગોની પારંપરિક શાjસ્ત્રીય કલાઓના સંરક્ષણનું આ મુખ્ય કેન્દ્ર છે. આવું જ એક ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય પણ છે જેમાં ભારત દેશનાં વિભિન્ન રાજ્યોમાંના આદિવાસીઓની જનજાતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
ભીમબેટકા
ભોપાલથી ૪૬ કિલોમીટરના અંતરે ભીમબેટકા આવેલું છે જે ગુફાઓને લીધે જાણીતું છે. એવું કહેવાય છે કે અહીં ગુફાની અંદર ચિતરવામાં આવેલાં ચિત્રો આદિમાનવના સમય દરમ્યાનનાં છે જે અંદાજે નવથી બાર હજાર વર્ષ પૂર્વેનાં છે. અન્ય પુરાતન અવશેષોમાં પ્રાચીન કિલ્લાની દીવાલ, પાષાણ ભવન, મંદિર વગેરે આવેલા છે. આ જ કારણસર આ સ્થળ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પણ ધરાવે છે. આ સ્થાન મહાભારતના ચરિત્ર ભીમની સાથે સંકળાયેલું હોવાથી એનું નામ ભીમબેટકા પડી ગયું છે. અહીં કરવામાં આવેલાં ચિત્રોમાં સામૂહિક નૃત્ય, શિકાર, પશુ-પક્ષી, યુદ્ધ, દૈનિક જીવનની હિલચાલનો સમાવેશ થાય છે. થોડા સમય પૂર્વે જ ગુફાની આસપાસ કેટલાક કિલોમીટરના વિસ્તારમાં પણ અનેક જગ્યાએ પુરાતન સમયનાં ચિત્રો મળી આવ્યાં છે. આ ચિત્રોના ભેદ ભવિષ્યમાં કેટલા ઉકેલાશે એ તો હવે જોવું રહ્યું.
ચંદેરી
ચંદેરી એની સાડીના લીધે વિશ્વભરમાં પ્રખ્યાત તો છે જ, પરંતુ આ સિવાય પણ અહીં અનેક જોવા જેવી વસ્તુઓ છે જે ટૂરિસ્ટોને આકર્ષે છે. પુરાતન જૈન મંદિર, કિલ્લો, પ્રખ્યાત સંગીતકાર બૈજુ બાવરાની કબર, કટા પહાડ અને રાજસ્થાનની રાજપુતાની jસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા સામૂહિક અગ્નિદાહ (જૌહર)નું સ્થળ જોવા માટે ટૂરિસ્ટોનો ધસારો થાય છે. અહીં ૪૦૦ જેટલા સ્તૂપો છે જે મોટા ભાગના દસમી સદી પૂર્વે નર્મિાણ કરવામાં આવેલા છે. થોડા સમય પૂર્વે આવેલી રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ ‘jસ્ત્રી’નું શૂટિંગ ચંદેરીમાં જ કરવામાં આવેલું હતું. આ ઉપરાંત ‘સુઈ ધાગા’નું શૂટિંગ પણ અહીં થયેલું છે. જૈન કલ્ચરનું આ મેજર સેન્ટર છે. ચંદેરી શિવપુરીથી ૧૨૭ કિલોમીટરના અંતરે આવેલું છે અને બેટવા નદીની નજીકમાં છે. આ શહેરમાં દિલ્હી, ગ્વાલિયર અને ભોપાલથી જઈ શકાય છે. ઑક્ટોબરથી એપ્રિલનો ગાળો અહીં આવવા માટે બેસ્ટ છે.
ગ્વાલિયર
ગ્વાલિયરની પ્રસિદ્ધી અહીં બનેલા ગોપાચલ દુર્ગથી છે. આ દુર્ગના નામથી જ ગ્વાલિયર નામ આવ્યું હતું. આ નગરી પ્રાચીન ઐતિહાસિકતા, આસપાસની સુંદરતા, સંસ્કૃતિ, ઔદ્યોગિક અને રાજકીય વિશેષતાને લીધે જાણીતી છે. અહીં આવેલા જગવિખ્યાત ગ્વાલિયર કિલ્લાની સ્થાપના આઠમી સદીમાં કરવામાં આવી હતી જેમાં બુદ્ધ અને જૈન મંદિર આવેલાં છે. તેમ જ આ કિલ્લા પરથી આખું શહેર દૃશ્યમાન પણ થાય છે. આ ઉપરાંત અહીં આવેલું સાસ-બહૂનું મંદિર પણ ઘણું પ્રખ્યાત છે. કિલ્લાની અંદર પંદરમી સદીમાં બાંધવામાં આવેલો ગુજરી મહલ પૅલેસ હવે કિલ્લામાં ફેરવાઈ ગયો છે. દેશની આઝાદી પૂર્વે ગ્વાલિયર મધ્ય ભારતનું વિન્ટર કૅપિટલ હતું. આઝાદી બાદ ગ્વાલિયર મધ્ય પ્રદેશમાં સામેલ થયું હતું.
ઇન્દોર
ઇન્દોરને મધ્ય પ્રદેશનું કમર્શિયલ કૅપિટલ પણ કહેવાય છે. આ ઉપરાંત એ મધ્ય પ્રદેશનું આઈટી હબ પણ છે. અહીંનું રિચ કલ્ચરલ હેરિટેજ અહીંની મુખ્ય વિશેષતા છે. ૨૦૧૭માં ઇન્દોરને ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેની પદવી મળી હતી. વર્ષો પૂર્વે અહીં હોલકર શાસન હતું ત્યારે રાણી અહલ્યાબાઈ હોલકરે ઇન્દોર અને એની આસપાસના વિસ્તારમાં આર્કિટેક્ટચર પર વિશેષ ધ્યાન આપ્યું હતું અને એની પાછળ અઢળક નાણાં પર ખચ્યાર઼્ હતાં જે અહીંના બાંધકામને જોતાં જણાશે. ઇતિહાસપ્રેમીઓ, આર્ટપ્રેમીઓ અને રિલિજિયસ ટૂરપ્રેમીઓને માટે અહીં જોવા જેવું ઘણું છે. રજવાડાં, છત્રીબાગ, કાચમંદિર, લાલબાગ પૅલેસ, બડા ગણપતિ વગેરે અહીંનાં મુખ્ય આકર્ષણો છે. અહીં ભૂતકાળમાં ઘણા શાસકો સત્તા પર આવ્યા હતા; જેથી તમામ શાસકોની યાદગીરી સમાન સ્મારક, ઇમારતો, મંદિરો, પૅલેસ અહીં અહીં જોવા મળશે. એમાંનું એક કાચમંદિર છે જે ગ્લાસ અને મિરરનું જ બનેલું છે. મુંબઈની ખાઉગલીના જેવી જ ઇન્દોરની સરાફા બજાર છે જે ખાસ કરીને મીઠાઈ માટે જાણીતી છે.
જબલપુર
પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત જબલપુર પ્રાચીન મંદિરો અને ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે. એવું કહેવાય છે કે વૈદિક કાળમાં ભગવાન શંકરે અહીં રાક્ષસોનો સંહાર કરીને મનુષ્યજીવનનો આરંભ કર્યો હતો. અહીંનાં સ્થળોની વાત કરીએ તો મદન મહેલ અહીંનું સૌથી લોકપ્રિય સ્થળ છે. આ મહેલને અગિયારમી સદીમાં રાજગોંડ શાસકોએ પવર્તની ટોચ પર બનાવ્યો હતો જેની ટોચ પરથી આખા જબલપુર શહેરનો નજારો જોવા મળે છે. જબલપુરમાં આવેલો ભેડાઘાટ નહીં દેખા તો કુછ નહીં દેખા. અહીં ફેલાયેલાં ઝરણાં મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત ૧૦૦ ફીટ ઊંચો માર્બલનો માઉન્ટન સુપર્બ છે. રાણી દુર્ગાવતી સંગ્રહાલય અહીં આવેલું છે જે એક હેરિટેજ સાઇટ પણ છે. અહીં પ્રાચીન મંદિરો અને સ્મારકો આવેલાં છે જેમાં હનુમાન તાલ બડા જૈન મંદિર, ચોસઠ યોગિની મંદિર, નંદીશ્વર દ્વિપ, ઓશો આશ્રમ છે. ફોટોગ્રાફી માટે હનુમાન તાલ તળાવ બેસ્ટ છે. અહીં અનેક સ્થળે બોટિંગની ફૅસિલિટી છે. અહીંથી નર્મદા નદીનો ઘાટ પણ નજીક છે જ્યાં જવાનો મોકો પણ એક લાહવાથી ઓછો નથી. ૧૦૫૮ હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલો ડુમના નેચર પાર્ક સૌથી વિશાળ નેચર પાર્કમાંનો એક છે. મૅજિક રૉક જે ઘણો પ્રચલિત છે એ પણ અહીંની જ સંપત્તિ છે. આ રૉક એકબીજાની ઉપર નજીવા ટેકે ઊભા છે એટલું જ નહીં, પણ અતિ તીવþતાવાળા ભૂકંપના આંચકામાં પણ આ રૉક હજી પણ અડીખમ છે.
સાંચી
ભોપાલથી જબલપુર આવતાં રસ્તામાં સાંચી આવે છે. આ સ્થળ ઐતિહાસિક હોવાની સાથે ધાર્મિક મહત્તા પણ ધરાવે છે. સાંચી અહીંના સ્તૂપ માટે લોકપ્રિય છે. અહીંનું સૌથી મુખ્ય આકર્ષણ બુદ્ધિસ્ટ કૉમ્પ્લેક્સ છે. અહીંનો બૌદ્ધ પરિસર જોવા જેવો છે જે યુનેસ્કોની બેસ્ટ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન ધરાવે છે. મૌર્યïકાળ દરમ્યાન એની સ્થાપના કરવામાં આવી હતી. સમþાટ અશોકે આ મહાન સ્તૂપ ત્રીજી સદીમાં બનાવ્યો હોવાની વાત છે. એના કેન્દ્રમાં એક અર્ધગોળાકાર ઢાંચો છે જેમાં ભગવાન બુદ્ધના અમુક અવશેષો હોવાનું કહેવાય છે. અહીં અનેક નાના અને મોટા સ્તૂપો આવેલા છે. એવું કહેવાય છે કે મોટા સ્તૂપોમાં બુદ્ધ ભગવાન રહેતા અને નાના સ્તૂપોમાં તેમના શિષ્યો રહેતા હતા. અઢારમી સદીમાં આ સ્તૂપો પરથી પડદો ઊઠuો હતો. એ સમયે આ સ્થળની હાલત અત્યંત બદથી બદતર હતી, પરંતુ બાદમાં એનો જીણોર્દ્ધાર કરવામાં આવ્યો હતો. દેશ-વિદેશથી પ્રવાસીઓ અહીં ફરવા આવતા હોય છે. ભારતની પ્રાચીન સંરચનાઓમાંની એક સાંચીનો સ્તૂપ છે. સાંચી સ્તૂપના દરેક ખૂણે તમને પ્રાચીન યુગના કલાકારોની કારીગરીની ઝાંકી જોવા મળશે. અગાઉના સમયમાં અહીં બૌદ્ધ વિહાર હતા. આજે અહીં એક સરોવર છે, જેની અંદરની સીડી બૌદ્ધ સમયની હોવાનું કહેવાય છે. ભોપાલથી સાંચીના સ્તૂપનું અંતર ૫૦ કિલોમીટર છે.
માંડુ
મધ્ય પ્રદેશનાં મોટા ભાગનાં સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ઝાંકી કરાવતું આર્કિટેક્ચર જોવા મળે છે, પરંતુ માંડુમાં અફઘાન શાસનનું આર્કિટેક્ચર જોવા મળે છે. એનું એક કારણ એ છે કે માંડુ ૧૪મી અને ૧૫મી સદીમાં મુસ્લિમ રાજ્યોનું કૅપિટલ હતું. બાજ બહાદુરે રાણી રૂપમતીની યાદમાં બનાવેલા મહેલના કારણે માંડુ ઘણું ફેમસ છે. તેમ જ આ શહેર ઐતિહાસિક શહેર પણ છે જેની શોધ છઠ્ઠી સદીમાં કરવામાં આવી હતી. અહીંનાં સ્થાપત્યોમાં તાજમહેલની ઝલક જોવા મળે છે. અહીં આવેલો માંડુ ર્ફોટ દેશનો સૌથી મોટો ર્ફોટ છે જે અનેક કિલોમીટરમાં ફેલાયેલો છે. અહીંનાં આકર્ષણોમાં જહાજ મહેલ અવ્વલ દરજ્જે આવે છે. દેખાવમાં જાયન્ટ શિપ જેવો લાગતો આ પૅલેસ એની જહાજના જેવી આકૃતિના લીધે વિખ્યાત છે. આ સિવાય અહીં જોવા જેવા છે હિંડોળા મહેલ, રૉયલ પૅલેસ, જલમહેલ, મુંજ તળાવ, અંધેરી બાવડી, બાજ બહાદુર પૅલેસ, રાણી રૂપમતી પૅવિલિયન અને ચંપા બાવડી. માંડુ ઇન્દોરથી ૯૫ કિલોમીટરના અંતરે આવેલું છે.
પંચમઢી
પંચમઢી મધ્ય પ્રદેશમાં આવેલું એક ગિરિમથક છે જે પંચમઢી છાવણી માટે જાણીતું છે. ૧૦૦૦ મીટરની ઊંચાઈ પર આવેલું આ શહેર સાતપુડાની રાણી તરીકે પણ ઓળખાય છે. મધ્ય ભારતના વિંધ્ય અને સાતપુડાની પવર્તમાળાનું સૌથી ઊંચું શિખર ધૂપગઢ અહીં આવેલું છે. બ્રિટિશ શાસનના સમયગાળા દરમ્યાન આ સ્થળ વિશ્વ સામે આવ્યું હતું. આ સ્થળની આસપાસ આવેલું જંગલ દુર્લભ કહી શકાય એવી વનસ્પતિનું ઘર છે. ૨૦૦૯ની સાલમાં યુનેસ્કોએ પચમઢી ઉદ્યાનને આરક્ષિત જીવાવરણ જાહેર કર્યું હતું. આમ તો આ નગર ભારતીય સેનાની છાવણી હેઠળ આવે છે. તેમ જ વસ્તી પણ ઘણી જૂજ છે. અહીં ઘણી વખત વાઘ અને દીપડા પણ જોવા મળ્યા છે. પચમઢીની છાવણીની આસપાસ જંગલો છે. એમાં ગુફાઓ છે જેમાં ૧૦,૦૦૦ વર્ષ જૂનાં ભીંતચિત્રો પણ મળી આવેલાં છે. પાંડવ ગુફા ઘણી પ્રચલિત છે. મહાભારતના સમયે પાંડવોએ અહીં તેમના વનવાસ દરમ્યાન આશરો લીધો હતો. જંગલોમાં સાગનાં વૃક્ષ ઘણાં છે, પરંતુ જીવાવરણ ક્ષેત્રને કારણે અહીં જંગલની કોઈ કાપકૂપી કરવાની અને નવા બાંધકામનું નર્મિાણ કરવાની મનાઈ છે. અન્ય આકર્ષણોમાં રજત પ્રપાત નામક મોટો ધોધ, બી ફૉલ, બડા મહાદેવ, ગુપ્ત મહાદેવ, ચોરાગઢ, ધૂપગઢ, અપ્સરા ધોધ, પંચમઢી ટેકરી, પથ્થર છત્તા વગેરેનો સમાવેશ થાય છે. આ સ્થળે ભોપાલ અને ઇન્દોરથી બસ અથવા ખાનગી વાહનો મારફત જઈ શકાય છે.
શિવપુરી
ગ્વાલિયરથી ૧૧૩ કિલોમીટરના અંતરે શિવપુરી આવેલું છે જે એક ઐતિહાસિક નગર છે. અગાઉ શિવપુરી ગ્વાલિયર જિલ્લામાં આવેલું એક નાનકડું શહેર હતું, પરંતુ આજે એ વિકસિત અને જાણીતું શહેર બની ગયું છે. અગાઉ શિવપુરી સિપ્રિ તરીકે ઓળખાતું હતું. મુગલ સામþાજ્ય દરમ્યાન આ શિવપુરી વધુ પ્રચલિત થયું હતું. અહીં આવેલાં જંગલો રૉયલ હન્ટિંગ માટે જાણીતા હતા. રાજાઓ અહીં શિકાર કરવા માટે આવતા હતા. અહીં સુધી આ શહેરના તાર સ્વતંત્રતાની લડાઈની સાથે પણ જોડાયેલા છે. આદરપાત્ર સ્વાતંત્ર્યસેનાની તાત્યા ટોપેને અહીં જ ફાંસીની સજા આપવામાં આવી હતી. થિþલિંગ ઍડ્વેન્ચરના ચાહકો માટે અહીંનું જંગલ સફારી કરવામાં ટૉપ ટેનની યાદીમાં આવે છે, પરંતુ એ માટે સાથે યોગ્ય માર્ગદર્શન હોવું જરૂરી છે. લાક્ષણિક ખેંચાણ ધરાવતું આ શહેર શાંતિપ્રિય ટૂરિસ્ટો માટેનું પસંદગીનું ડેસ્ટિનેશન છે. આ સિવાય અહીંથી થોડાક કિલોમીટર દૂર શિવનું ઘણું જૂનું મંદિર બાણગંગા આવેલું છે જેની અંદર પવિત્ર કહી શકાય એવા બાવન કુંડ છે. સપ્ટેમ્બરથી માર્ચનો સમયગાળો અહીં આવવા માટે બેસ્ટ ગણાય છે. શહેર જેટલું પ્રખ્યાત છે એટલું જ અમુક નકારાત્મક પાસાંને લીધે કુખ્યાત પણ છે, જેમાંનું એક પાસું છે મહિલાઓની સોદાબાજી. એના લીધે આ શહેરની રોનક પર દાગ લાગે છે.
(આવતા રવિવારે બીજો ભાગ)
જાણી-અજાણી વાતો
ભોપાલે દેશને અનેક મહારથીઓ આપ્યા છે જેમાં શંકર દયાલ શર્મા (ભૂતપૂવર્ રાષ્ટ્રપતિ), રઘુરામ રાજન (આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર), મન્સૂર અલી ખાન પટૌડી (એક્સ-ક્રિકેટર), જયા બચ્ચન (ફિલ્મ ઍક્ટ્રેસ) વગેરેનો સમાવેશ થાય છે.
સ્માર્ટ સિટી મિશનના કાર્યક્રમ હેઠળ પસંદ કરાયેલાં પ્રથમ વીસ શહેરોમાં ભોપાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
ભોપાલમાં આવેલી એક યુનિવર્સિટી આદર્શ વહુના નામનો કોર્સ શરૂ કરવા જઈ રહી છે જેમાં સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
ચંદેરીમાં દર વર્ષે સિલ્ક મહોત્સવ થાય છે, જેમાં અહીં બહોળા પ્રમાણમાં વિવિધ ફૅબ્રિક અને વરાઇટીની સાડી પ્રદર્શન માટે મૂકવામાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનએ ૨૦૧૬માં બહાર પડેલા એક અહેવાલ પ્રમાણે ગ્વાલિયર વિશ્વનું બીજું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે અને ગીચતાની બાબતે પણ એ ટોચના ક્રમે આવે છે.
ગ્વાલિયરમાં આવેલા ગોપાચલ પવર્તમાં જૈન તીર્થંકરનું સ્ટૅચ્યુ બનાવવામાં આવેલું છે.
પોહા અને જલેબી અહીંનો ફેવરિટ નાસ્તો છે. આ બે વસ્તુ અહીં આવેલી તમામ દુકાનોમાં વેચાતી જોવા મળશે.
૧૮મી સદીમાં બાંધવામાં આવેલા ઇન્દ્રેશ્વર મંદિરના નામ પરથી ઇન્દોરનું નામ પડ્યું હતું.
લેધરનાંમકડાં માટે ઇન્દોર પ્રખ્યાત છે.
સાંચીમાં ફોટોગ્રાફી કરવાની મનાઈ નથી એટલે અહીંના અલૌકિક આર્કિટેક્ચરના મન ભરીને ફોટો લઈ શકો છો, પરંતુ અહીં પ્રવેશવા માટે ટિકિટ લેવાની જરૂર પડશે.
બસો રૂપિયાની નવી નોટ પર સાંચી સ્તૂપના ફોટો મૂકવામાં આવ્યા છે.
પંચમઢીમાં બીએસએનએલ સિવાય અન્ય કોઈ મોબાઇલ કનેક્શન પ્રૉપર પકડાતાં નથી. એવી જ રીતે એટીએમ સવલત પણ એટલી બહોળી નથી.