ચાલો ચડીએ પ્રકૃતિના ખોળે, સાહસના હિલોળે

12 February, 2012 08:35 AM IST  | 

ચાલો ચડીએ પ્રકૃતિના ખોળે, સાહસના હિલોળે

અલ્પા નિર્મલ

‘ચાંદીનો વરખ છાપ્યો હોય એવું રૂપેરી સરોવર છે. હૃદયના ધબકારા અને શ્વાસોચ્છ્વાસનો રવ સંભળાય એટલી હદે શાંતિ છે. તેજ હવાથી પેલા તળાવનું રજત આવરણ ઝંખવાઈ જાય એ બીકે પવનની એકાદી લહેરખી આવીને પાછી વળી જાય છે છતાંય હવામાન શીતળ છે. સમગ્ર વાતાવરણમાં શાતા આપતાં જંપ અને નિરાંત છે.’

ઓહ! આવું અદ્ભુત સ્થળ છે ક્યાં એવો પ્રશ્ન તમારા દિમાગમાં ઊઠે એની પહેલાં જ અમે જણાવી દઈએ કે અહીં વાત થઈ રહી છે મુંબઈના હાર્દસમા વિસ્તાર અંધેરીની. અંધેરીમાં આવેલા ભવન્સ નેચર ઍન્ડ ઍડ્વેન્ચર સેન્ટરની. દિવસના ચોવીસે કલાક ધમધમતા રહેતા આ પરાના એક ખૂણે વસેલા ભવન્સ કૅમ્પસમાં ધરતીનો એવો એક ટુકડો છે જ્યાં તમે કુદરત સાથે એકાકાર થઈ શકો છો. પ્રકૃતિમાં રમમાણ થઈ શકો છો.

જમીનના નાના ટુકડાની કિંમત પણ જ્યાં કરોડોમાં અંકાતી હોય એવા સ્થળે નેચરના નામે બે એકરની જમીન લખી દેવી નાનીસૂની વાત નથી. છતાંય આજે આ શક્ય બન્યું છે બે વ્યક્તિઓને કારણે; એક હિમાંશુ પ્રેમ તરીકે જાણીતા હિમાંશુ જોશી અને બીજા ભારતીય વિદ્યાભવનના પદાધિકારીઓને કારણે.

મૂળ આઇડિયા શું છે?

પ્રકૃતિને પારાવાર ચાહતા હિમાંશુ પ્રેમ કહે છે, ‘મુંબઈમાં દોઢ-પોણા બે કરોડની વસ્તી માટે કુદરતી સરનામાં કેટલાં જ્યાં સજીવન સૃષ્ટિના અસંખ્ય જીવો વસતા હોય? તો જવાબ મળે રોકડાં ચાર. બોરીવલીનો નૅશનલ પાર્ક, ભાયખલાનું ઝૂ, માહિમનો નેચર પાર્ક અને વરલીમાં આવેલું નેહરુ સાયન્સ સેન્ટર. આ સ્થળોએ નૅચરલી બાયોડાયવર્સિટીનો વિકાસ થયો છે, પણ પંદર મિલ્યનની પબ્લિક માટે એ પૂરતાં નથી; આથી અમને વિચાર આવ્યો કે ભવન્સના સંકુલમાં પણ એક એવું ક્ષેત્ર ઊભું કરીએ જ્યાં કુદરતને ફૂલવા-ફાલવાનો સંપૂર્ણ અવકાશ મળે.’

સુંદર મજાનું અને બારેમાસ પાણીથી છલોછલ રહેતું તળાવ, એને કાંઠે ડેવલપ થયેલી સૃષ્ટિ. કૅમ્પસમાં ૬૦થી વધુ અલગ-અલગ પ્રકારનાં વૃક્ષો, એની ઓથે નભતાં પક્ષીઓ, પતંગિયાંઓ અને કેટલાંક સસ્તન તથા સરીસૃપ પ્રાણીઓ જેવાં પરિબળોને કારણે આ સ્થળે એવા પ્રકારની પ્રવૃત્તિનું સંયોજન થયું જેથી આબાલવૃદ્ધોને પ્રકૃતિનો પરિચય થાય, ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી કરી નિર્ભિક અને નીડર થવાય અને ફક્ત પાઠ્યપુસ્તકોને આધારે નહીં પણ કુદરતના ખોળામાં બેસી વિજ્ઞાન, ભૂગોળ એન્વાયર્નમેન્ટ સાયન્સ જેવા વિષયો પણ શીખાય.

અહીં શું-શું થશે?

૧૫ ફેબ્રુઆરીથી અહીં નેચર ટ્રેઇલ, ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કૅમ્પિંગ, પૉન્ડ ઇકૉલૉજી અને વર્મીકલ્ચર વર્કશૉપ્સ જેવી પ્રવૃત્તિઓ ચાલુ થઈ જવાની છે. નેચર ટ્રેઇલમાં સંકુલમાં રહેલાં વૃક્ષો, છોડો વગેરેની વૈજ્ઞાનિક માહિતી સહિત સામાન્ય જ્ઞાન આપવામાં આવશે. ઔષધીય છોડવાઓની ઓળખ આપવામાં આવશે તેમ જ ગાર્ડનિંગના બેઝિક પાઠ ભણાવવામાં આવશે. ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટીઝમાં રૉક-ક્લાઇમ્બિંગ, રૅપલિંગ, કમાન્ડો નેટ્સ, બર્મા બ્રિજ, રોપ-વૉકિંગ, ફ્લાયર ફૉલ્સ જેવી પ્રવૃત્તિઓ થશે જે વિદ્યાર્થીઓ અને મોટેરાઓમાં પણ સાહસિકતાનું બીજ રોપશે. પર્સનાલિટી ડેવલપમેન્ટના નેજા હેઠળ કૉન્ફિડન્સ બિલ્ડિંગ અને લીડરશિપ જેવા ગુણો ખીલવી બાળકને શારીરિક અને માનસિક રીતે સક્ષમ કરવામાં આવશે. મોટું મજાનું તળાવ હોવાથી બોટિંગ તો અહીં થશે જ, પણ પૉન્ડની ઇકૉલૉજીને ડિસ્ટર્બ કર્યા વગર. એ જ રીતે પ્રાચીન તીર-કામઠાંની ગેમ વડે એકાગ્રતાના પાઠ ભણાવવામાં આવશે અને વર્મીકલ્ચરમાં ઘરે જમા થતા કચરામાંથી ખાતર કઈ રીતે પેદા કરવું તથા ઘરમાં જ વેજિટેબલ ગાર્ડન કેવી રીતે બનાવી શકાય એની ટિપ્સ પણ આપવામાં આવશે.

મૅનેજમેન્ટનો સુંદર સહયોગ

જો મનુષ્યને સાચી વયે કુદરતના માર્ગે ન વાળવામાં આવે તો તે હિંસક બની શકે છે અને અવળા રસ્તે જઈ શકે છે એવું માનતા હિમાંશુભાઈ કહે છે, ‘પ્રકૃતિ એ બહુ મોટી પાઠશાળા છે. એના શરણે રહીને બાળકોમાં સકારાત્મક અને રચનાત્મક અભિગમ કેળવી શકાય છે. પુસ્તકોમાંથી લિમિટેડ જ્ઞાન મળે છે, જ્યારે કુદરત તેને કદીયે ન ભૂલી શકે એવું જ્ઞાન આપે છે. હું બે વર્ષથી અહીં આ સ્થળે ‘પ્રકૃતિ’ નામના નેચર ફેસ્ટિવલનું આયોજન કરું છું જેમાં અત્યારે થવાની છે એ બધી પ્રવૃત્તિઓ ઉપરાંત ફ્લાવર શો, ડૉગ શો, વાઇલ્ડ-લાઇફ ફિલ્મ શો, નેચર ફોટોગ્રાફી એક્ઝિબિશન સાથે પેટ કેર વર્કશૉપ અને આ વર્ષે મુંબઈપોલીસની બૉમ્બ ડિટેક્શન ડૉગ-સ્ક્વૉડની ટીમના ડેમો સાથે પાણીમાં ડૂબતી વ્યક્તિઓનો બચાવ કઈ રીતે થાય એનું પ્રદર્શન અને જાણકારો દ્વારા ઍર રેસ્ક્યુનાં કરતબો પણ થયાં હતાં. મારા આ ફેસ્ટિવલને જોઈને અહીંના મૅનેજમેન્ટને એવી ઘણી ઇચ્છા હતી કે આ તમામ પ્રવૃત્તિઓ અહીં કાયમી ધોરણે થાય. આથી સંસ્થાના ડીન ડૉ. એમ. એલ. શ્રીકાન્ત અને ટ્રસ્ટી લલિત શાહના સપોર્ટ સાથે હવે મુંબઈને આ કાયમી કુદરતી સરનામું મળવાનો સંજોગ ઊભો થયો.’

અલગ-અલગ પૅકેજ પાંચ વર્ષથી લઈને પંચાણું વર્ષનાં જુવાન દિલ ધરાવતાં સ્ત્રી-પુરુષો અને વિદ્યાર્થીઓ અહીં આવી પોતાની ચૉઇસ મુજબનાં પૅકેજ લઈ શકે છે. સવારના ૯થી ૧ દરમ્યાન અડધા દિવસની પ્રવૃત્તિ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અબાધિત રાખવામાં આવી છે તેમ જ સવારે ૯થી સાંજના ૪ સુધી અને ઓવરનાઇટ તેમ જ દોઢ દિવસના વિવિધ પ્રોગ્રામ્સ પણ અહીં છે. કોઈ કમર્શિયલ હેતુસર નહીં પણ વધુ ને વધુ લોકો કુદરત સાથે સંકળાઈ એનું લાલનપાલન કરે એ હેતુસર શરૂ થયેલી આ પ્રવૃત્તિના ચાર્જિસ પણ બહુ નૉમિનલ છે. હા, અહીં સિટીલાઇફમાં ટેન્ટમાં રાત ગાળવાની મજા માણી શકાય છે તો તરાળામાં જમવાનો લુત્ફ પણ ઉઠાવી શકાય છે. હિમાંશુભાઈ કહે છે, ‘અમારો પ્રયાસ છે અમે એન્વાયર્નમેન્ટને કોઈ પણ હાનિ પહોંચાડ્યા વગર પ્રાકૃતિક ચીજવસ્તુઓનો ઉપયોગ કરી રિફ્રેશિંગ ઍક્ટિવિટી કરાવીએ.’

આમેય હજારો યુવાનોથી થિરકતું કૅમ્પસ, વળી અહીં કલ્ચરલ સેન્ટરમાં થતી અવનવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, યોગ સેન્ટર, હોલિસ્ટિક હેલ્થ માટેની વિવિધ થેરપીઓ, દેશ-વિદેશી જાતના પ્લાન્ટ વેચતી નર્સરી અને હવે નેચર અને ઍડ્વેન્ચર સેન્ટરની શરૂઆતે ભવન્સના મુગટમાં એક ઓર હીરાનો વધારો કર્યો છે.

આબાલવૃદ્ધ સૌ માટે

જે પેરન્ટ્સને તેમનાં બાળકોને પ્રકૃતિથી નજીક જવા શહેરથી દૂર નથી મોકલવાં તેમના માટે તો આ આદર્શ સ્થળ છે જ અને નેચરના સાંનિધ્યમાં જઈ સ્ટ્રેસ-ફ્રી થવા માગતી ઍડલ્ટ વ્યક્તિઓ માટે પણ રાઇટ પ્લેસ.

ઊડી ન શકતાં પંખીઓને આશ્રય

અહીં એવાં કેટલાંક પક્ષીઓનાં પીંજરાં મૂકવામાં આવવાનાં છે જે ઊડી શકતાં નથી. હિમાંશુભાઈ કહે છે, ‘વર્ષોથી પીંજરામાં કેદ રહેલાં પક્ષીઓ પોતે અને એના વંશજો ઊડવાનું ભૂલી જાય છે. આ પ્રજાતિનાં પંખીઓને કેદમાંથી મુક્ત કરવામાં આવતાં એ નૈસર્ગિક વાતાવરણમાં ઍડ્જસ્ટ નથી થઈ શકતાં, જાતે ખોરાક નથી શોધી શકતાં અને મરણને શરણ થાય છે. અહીં અમે એવાં અને અન્ય ઘાયલ પક્ષીઓ રાખવાના છીએ અને આવેલા સહેલાણીઓને એને ખવડાવવાની અને શુશ્રૂષા કરવાની છૂટ આપવાના છીએ. એ કારણસર બાળકોમાં બચપણથી કરુણા અને અનુકંપાના ગુણધર્મો ડેવલપ થાય છે.’

હિમાંશુ પ્રેમને ઓળખો

હિમાંશુભાઈ અદ્ભુત ટ્રેકર અને નેચરલવર છે અને વાઇલ્ડ હૉલિડેઝ નામની કંપની ચલાવે છે જેમાં દેશનાં વિવિધ સીનિક સ્થળોની ટૂરનું આયોજન કરી આપવામાં આવે છે. તેમનો મુખ્ય મકસદ છે કુદરતની મહત્તા સમજો, એને માણો; પણ હાનિ પહોંચાડ્યા વગર.