રમાની ગેમ

25 August, 2019 04:19 PM IST  |  મુંબઈ | તમંચા - વિવેક અગરવાલ

રમાની ગેમ

એ સમય દાઉદનો હતો. દાઉદ ત્યાં સુધીમાં મુંબઈના માર્ગોને રક્તરંજિત કરી ચૂક્યો હતો. તેના નામથી પણ લોકો ધ્રૂજતા હતા. એ સમયગાળામાં પણ દાઉદને ખુલ્લો પડકાર ફેંકવાની જિગર જો કોઈનામાં હોય તો એ ફક્ત ને ફક્ત રમાભાઈમાં હતી.

એ દિવસોમાં રમા નાઈક અને બાબુ રેશિમ વચ્ચે સારી એવી દોસ્તી હતી. દાઉદ પણ ઘણો ઉપર આવી ગયો હતો. રમા અને રેશિમની નજર જોગેશ્વરીની એક જમીન પર હતી. બન્નેની એવી યોજના હતી કે એ જમીન કબજે કરીને કાં તો તેને કોઈ મોટા બિલ્ડરને વેચીને તગડી કમાણી કરવી કે પછી એના પર ઇમારત બાંધીને મોટો માલ મૂકવો. બીજા પણ એક શખસનો ડોળો એ જમીન પર હતો અને એ હતો દાઉદ ઇબ્રાહિમ.

ત્રણેય એક વાત પર મક્કમ હતા કે જમીન મળશે તો તેમના જ માણસને. આ જમીન માટે ત્રણેય વચ્ચે એક મીટિંગ પણ થઈ. આખરે દાઉદે આ જમીન તેના ખાસ જોડીદાર શરદ શેટ્ટીને અપાવી દીધી.

દાઉદનું આ દબાણ રમાભાઈને ખૂંચ્યું. તેણે દાઉદને ખુલ્લો પડકાર ફેંક્યો કે ‘આપણે અત્યાર સુધી તો મિત્રો છીએ... જઈ રહ્યા છીએ આજે અહીંથી, હવે પછી દુશ્મનની માફક મળીશું. હું તને ગોળી મારી દઈશ, જો તું મારી શકે તો તું મારી દેજે.

બસ, એ જ દિવસથી બન્ને વચ્ચે શત્રુતાનાં મંડાણ થયાં. આ જ રમા નાઈકને ઇન્સ્પેક્ટર રાજન કાટદરેએ એક એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતાર્ય હતો. ઇન્સ્પેક્ટર કાટદરેનું આ એકમાત્ર એન્કાઉન્ટર હતું. હવે તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે. કહેવાય છે કે દાઉદના ઇશારે રાજને રમાભાઈનું ઢીમ ઢાળી દીધું હતું.

આટલું જણાવીને તે હસ્યો, હોઠની કિનારીએ આવેલા થૂંકને અંગૂઠા અને પહેલી આંગળીથી અનોખા અંદાજથી લૂછીને બોલ્યો, ‘હર્ર લગે ના ફિટકરી, રંગ ચોખા (કશુંય રોકાણ કર્યા વિના, પૂરો લાભ લેવો)... દાઉદ ભાઈ કા ભેજા બોલે તો ઐસાઇચ થા.’

weekend guide