કોઈ પણ દ્રવ્ય સાથે ભળીને એનો ગુણ વધારે એવું આયુર્વેદનું યોગવાહી ઔષધ લીંડીપીપર
આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી
કોઈ વ્યક્તિને ભલે આયુર્વેદમાં જરાય રસ ન હોય, તો પણ ગુજરાતી ઘરોમાં ગંઠોડા અને લીંડીપીપર જેવાં દ્રવ્યો જોવા મળે એવી શક્યતાઓ ઘણી વધારે છે. નવજાત શિશુને ખોરાક પર ચડાવતાં પહેલાં રાબ જેવાં પ્રવાહી દ્રવ્યો બનાવીને અપાય છે. આ રાબમાં પણ ગંઠોડા ઉત્તમ ગણાય છે. આ જ કારણોસર આયુર્વેદનાં જાણીતાં ઔષધોમાં લીંડીપીપરનું નામ ઘરઘરમાં જાણીતું છે. ગંઠોડા એ લીંડીપીપરના વેલાના મૂળ છે, જેને પીપરીમૂળ પણ કહેવાય છે. સંસ્કૃતના પિપ્પલી શબ્દ પરથી પીપર નામ આવ્યું છે. એનાં ફળ લીંડી જેવા આકારના હોવાથી અપભ્રંશ થઈને એનું ગુજરાતી નામ પડ્યું લીંડીપીપર. રાણીખેતનાં જંગલો અને ગણદેવીમાં એનું વાવેતર ખૂબ સારું થાય છે.
એ ઝીણી હોવા છતાં ખૂબ ગુણવાળી હોવાથી આયુર્વેદમાં એને ઘણું મહkવ અપાયું છે એનાં બે કારણો છે. એક તો એમાં યોગવાહી ગુણ છે. આ ગુણને કારણે એ જેમાં પણ ભળે છે એના ગુણમાં વધારો કરે છે. બીજું કારણ છે કે એ જેટલી જૂની થાય એમ એના ગુણમાં વધારો થાય છે. આ ઔષધ તરત જ ફળદાયી ગણાયું છે. મતલબ કે ઔષધની અસર શરીર પર ઝડપથી થાય છે. ‘મર્દનમ્ ગુણવર્ધનમ્’ના સિદ્ધાંત પર એ કામ કરે છે. મતલબ કે એને ઘૂંટવાથી એની પોટેન્સી વધે છે અને થોડી માત્રામાં ઝડપી પરિણામ મળે છે. આવી અષ્ટ-પ્રહરી, બત્રીસ-પ્રહરી, ચોસઠ-પ્રહરી પીપર તૈયાર મળે છે. પિપ્પલ્યાદિ ચૂર્ણ, પિપ્પલ્યાદિ મોદક, પિપ્પલ્યાસવ, બાલચાતુર્ભદ્ર અને ત્રિકટુ જેવી મિશ્ર ઔષધોમાં પણ આંશિકપણે લીંડીપીપર હોય છે.
લીલી લીંડીપીપરનું અથાણું પણ બને છે, જેનો ઉપયોગ માંદગીમાં કે શિયાળામાં કરી શકાય છે. સૂકી અને લીલી લીંડીપીપરના ગુણમાં તફાવત છે. સૂકી પિપ્પલી કફ કરનારી, ઠંડી, પચવામાં ભારે, મધુર અને પિત્તશામક છે. લીંડીપીપરના ફળનું ચૂર્ણ એ સૌથી કૉમન ઉપયોગ છે. એનું એકલું ચૂર્ણ લેવાનું હોય તો એક કે બે ગ્રામથી વધુ ન લેવું જોઈએ. મોટા ભાગના ચૂર્ણ ફાકીને પાણી પીવાનું હોય છે, પણ લીંડીપીપરના ચૂર્ણ સાથે પાણી નહીં પણ અન્ય દ્રવ્યોનું અનુપાન કરવાનું કહેવાયું છે. મધ સાથે એ લેવામાં આવે તો ઉત્તમ ગુણ કરે છે. એ સિવાય જૂનો ગોળ, ઘી, ગોમૂત્ર અને ત્રિફળા વગેરે સાથે પણ લઈ શકાય છે.
દૂધમાં એનો પાક બનાવાય છે જેને ‘વર્ધમાન પિપ્પલી’ કહેવાય છે. એનો ઉપયોગ અનુભવી વૈદ્યો અને દરદીઓ ક્ષય, સોજા, જળોદર, પાંડુ, હરસ, ર્જીણસ્વર, મંદાગ્નિ, કંઠમાળ તેમ જ પેટના રોગોમાં વાપરે છે.
લીંડીપીપર રસમાં તીખી, થોડીક કડવી છે વળી એ તાસીરમાં ગરમ પણ નથી અને એકદમ ઠંડી પણ નથી. વાયુ-કફના રોગોને મટાડનારી છે. પચવામાં હળવી, ગુણમાં સ્નિગ્ધ અને વિપાકમાં મધુર છે. શિરોવિરેચનીય ગુણને કારણે નસ્ય દ્વારા માથામાં ભરાયેલો કફ કાઢી શકાય છે. આ નસ્ય મેધાવર્ધક એટલે કે ગ્રાસ્પિંગ પાવર વધારનાર પણ છે. જઠરાગ્નિ પ્રદીપ્ત કરતી હોવાથી મોટા ભાગના મંદાગ્નિજન્ય રોગો મટાડે છે. ચોમાસામાં જઠરાગ્નિ કુદરતી રીતે જ મંદ થઈ જતો હોવાથી આ સીઝનમાં એનું સેવન કરવાથી પાચનસમસ્યાઓ દૂર થાય છે. થોડીક માત્રામાં લેવાથી પાચન સુધરે છે, ભૂખ લાગે છે અને પાચનશક્તિ સબળ કરે છે.
લીંડીપીપર જાતીય શક્તિ વધારવાનો ગુણ પણ ધરાવે છે. એમાં તુરંત હિત કે અહિત કરવાનો ઝડપી ગુણ હોવાથી ઇમર્જન્સી સારવારમાં પણ એ વપરાય છે, જોક આવા પ્રયોગો અનુભવી આયુર્વેદ નિષ્ણાતની નિગરાનીમાં જ થાય એ હિતાવહ છે. રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને શુક્ર એમ સાતેય ધાતુઓને સંતુલિત રાખવાનું તેમ જ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ પણ લીંડીપીપરમાં છે. અકાળે ઘડપણનાં લક્ષણો શરીર પર આવતાં અટકાવતો રસાયણ ગુણ પણ એમાં છે.
કેટલાક પ્રચલિત ઉપયોગો
ઝીણો-ઝીણો તાવ શરીરમાં રહ્યા કરતો હોય તો જૂના ગોળ સાથે લીંડીપીપરનું ચૂર્ણ અક્સીર છે. ફ્લુ થયો હોય ત્યારે પીવાના પાણીમાં સૂંઠ અને લીંડીપીપર નાખીને ઉકાળીને પીવામાં આવે છે.
ઉધરસ થઈ હોય તો એક વરસ જૂના મધ કે જૂના ગોળ સાથે ચૂર્ણ મેળવીને ખાવું. ઉધરસ-ખાંસીમાં છૂટથી વપરાતા સિતોપલાદિ ચૂર્ણમાં પણ લીંડીપીપર એક મુખ્ય દ્રવ્ય છે.
લીંડીપીપરને સિંધવ અને લીંબુના રસમાં બોળીને મોંમાં ચૂસવા માટે રાખી શકાય.
ક્રૉનિક સાઇટિકામાં દિવેલ સાથે, સોજામાં પાણી સાથે, મંદાગ્નિ અને હરસમાં જૂના ગોળ સાથે, બ્લીડિંગ થતું હોય ત્યારે અરડૂસીના રસની ભાવના આપીને તૈયાર કરાયેલું ચૂર્ણ મધ સાથે આપવું.
દાંત અંબાઈ જતા હોય તો મધ કે ઘીમાં લીંડીપીપરનું ચૂર્ણ મેળવીને મોમાં ભરી રાખવું. નાનાં બાળકોને જલદી દાંત ફૂટે એ માટે લીંડીપીપરના બારીક વસ્ત્રગાળ ચૂર્ણને મધ સાથે મેળવીને પોચા પેઢાં પર હળવેથી લગાવવું.
કાનના દુખાવામાં ચૂર્ણની પોટી બાળકાં જે ધુમાડો નીકળે એ કાનમાં જવા દેવો.
કમળામાં લીંડીપીપરનું નસ્ય અને અંજન તેમ જ હેડકીમાં સાકરના પાણીમાં મેળવીને નસ્ય આપવાથી આશ્ચર્યજનક પરિણામો મળે છે.