અસ્થમા, આફરો અને અપચો છે? તો અજમો અજમાવી જુઓ

25 June, 2017 10:16 AM IST  | 

અસ્થમા, આફરો અને અપચો છે? તો અજમો અજમાવી જુઓ



આયુર્વેદનું A 2 Z  - ડૉ. રવિ કોઠારી


દાદીમાના વૈદકમાં અનેક ઉપચારોમાં વપરાતો અજમો હવે આપણી રસોઈમાં બહુ ઓછો વપરાય છે, પરંતુ દરેક ગૃહિણીના મસાલિયામાં એને જરૂર સ્થાન મળે. પેટમાં ગૅસના ગોટા વળે છે? તો ચપટીક અજમો-મીઠું ચાવી જાઓ. ખાવાનું બરાબર પચતું નથી તો જમ્યા પછી અજમો-વરિયાળીનો મુખવાસ લો. શરદી થઈ છે અને નાક બંધ થઈ ગયું છે? તો શેકેલા અજમાની પોટલી સૂંઘો. આવા તો અનેક ઉપાયો આપણાં દાદી-પરદાદીના જમાનાથી પ્રચલિત છે. જો તમે એ ક્યારેક અજમાવ્યા હોય તો એ ખરેખર અકસીર પણ છે એનો પરચો જરૂર થયો હશે.

અજમો મૂળે ઇજિપ્તમાં આવિષ્કાર પામેલો. ત્યાં એ મોટા ભાગે ઔષધ તરીકે જ વપરાતો. સદીઓના ક્રમે અજમો એશિયાઈ દેશોમાં આવ્યો અને એનો ઔષધ કરતાં આહારમાં વધુ ઉપયોગ થવા લાગ્યો. અજમાનાં પાનાં અને દાણા બન્નેમાં એક ખાસ અરોમા હોય છે જે ખોરાકને એક ફ્લેવર આપે છે. આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો અજમો વાતહર, તીખો, પિત્ત કરનારો, કડવો રુખો, કફનાશક અને હૃદય માટે ઉત્તમ છે.

પાચનમાં અજમો

અજમો ચાવવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને વાયુનું સારણ થાય છે. તમે નોંધ્યું હોય તો જો પેટમાં ગોટા વળતા હોય ત્યારે અડધી ચમચી અજમો અને ચપટીક નમક મિક્સ કરીને ચાવવામાં આવે તો થોડી જ વારમાં વાછૂટ થઈને અથવા તો ડકાર આવીને ગૅસ નીકળી જાય છે. અજમો તીખો અને પિત્તકારક હોવાથી એનું સેવન કરવામાં ધ્યાન રાખવું જરૂરી છે. પિત્તના ગુણને સંતુલિત કરવા માટે આખા ધાણા અને અજમો સાથે ચાવવા જોઈએ. ભારતનાં કેટલાંક રાજ્યોમાં શેકેલા આખા ધાણા-અજમાનો મુખવાસ ખૂબ પ્રચલિત છે. અજમો મળસારણમાં પણ મદદરૂપ થાય છે. જેમ અજમાથી આંતરડાંમાં ભરાયેલો ગૅસ નીકળી જાય છે એમ આંતરડાંમાં મળ પણ ઝડપથી આગળ ધપે છે. વાયુકર ચીજો રાંધતી વખતે જ અજમો વાપરવામાં આવે તો શ્રેષ્ઠ. જેમ કે ગુવારસિંગ જેવું વાયડું શાક કે કઠોળ બનાવવાનાં હોય ત્યારે એના વઘારમાં ચપટીક અજમો નાખવો. ચોમાસામાં ચણાના લોટનાં ભજિયાં, બટાટાવડાં કે પૂડલા ખાવાનું મન થાય ત્યારે એમાં પણ ચપટીક અજમો મસળીને નાખવાથી એ ચીજો જલદી પચશે તથા વાયુ અને કબજિયાત પણ નહીં રહે.

એક વાત યાદ રાખવી કે વધુ અજમો ખાવાથી ઝડપથી રાહત મળશે એવું નથી. અજમો ઔષધ છે જો એ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો જ. બાકી જો આડેધડ રોજ ચમચા ભરીને અજમો ફાકવામાં આવે તો એનાથી પેટમાં ચાંદાં અને ઍસિડિટીની સમસ્યા વકરી શકે છે.

શ્વસનતંત્રમાં અજમો

અજમામાં ઍન્ટિ-ઇન્ફ્લમેટરી પ્રૉપર્ટી હોય છે. એનો મતલબ એ કે શરીરના કોઈ પણ ટિશ્યુમાં સોજો, લાલાશ કે આળાશ આવી ગઈ હોય તો અજમાથી ફાયદો થાય છે. બદલાતી સીઝન દરમ્યાન વાઇરલ ઇન્ફેક્શનને કારણે શ્વસનતંત્રને સૌથી પહેલી અસર થાય છે. ઉનાળામાંથી ચોમાસું, ચોમાસામાંથી શિયાળો કે શિયાળામાંથી ઉનાળો બેસતો હોય એવી •તુસંધિમાં શ્વસનતંત્રમાં ઇન્ફેક્શન અને ઇન્ફ્લમેશન થવાની સંભાવના વધે છે. અજમાની ઍન્ટિ-ઇન્ફ્લમેટરી પ્રૉપર્ટી એ વખતે કામ લાગે છે. જ્યારે શરદી થાય, અસ્થમાનો હુમલો થાય કે ગળામાં કફ કરડતો હોય ત્યારે અજમો ઉત્તમ છે. એવા સમયે અજમાનું પાણી વધુ અસરકારક રહે છે.

અજમામાં ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ફંગલ ક્ષમતા છે. ક્રોનિક કફ ભરાઈને સુકાઈ જવાથી અસ્થમાના હુમલા થતા હોય, ઊંડા શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય તો અજમાના અર્ક જેવી અકસીર બીજી કોઈ દવા નથી. રોજ જમ્યા પછી બે ચમચી અજમાનો અર્ક લાંબા સમય સુધી લેવામાં આવે તો અસ્થમાના દરદીઓમાં દમની ફ્રીક્વન્સી અને તીવþતા બન્નેમાં ફરક પડે છે.

હાર્ટ અને બ્લડ-સક્યુર્લેશનમાં અજમો

અજમામાં નાયાસિન વિટામિન અને થાયમોલ નામનું કમ્પાઉન્ડ હોય છે જે હૃદયના કાર્યનું નિયમન કરવામાં મદદરૂપ છે. અજમાના સહેજ હૂંફાળા પાણીથી ચેતાતંતુઓના ઇમ્પલ્સ સુધરે છે અને આખા શરીરમાંથી હૃદય તરફ વહેતું લોહીનું ભ્રમણ પણ સુધરે છે. અલબત્ત, એ માટે અજમાનો અર્ક લેવો જોઈએ. એનાથી હૃદયનું પમ્પિંગ સુધરે છે અને બ્લડ-સક્યુર્લેશન સુધરતાં પ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદ થાય છે.

અજમાનું પાણી કે અર્ક

અજમાનો અર્ક આયુર્વેદિક અને યુનાની દવા કંપનીઓ દ્વારા તૈયાર મળે છે. આયુર્વેદિક પદ્ધતિમાં ડબલ ડિસ્ટિલ પદ્ધતિથી અર્ક તૈયાર થાય છે અને યુનાનીમાં સિંગલ ડિસ્ટિલ પદ્ધતિ હોય છે. ડબલ ડિસ્ટિલ કરેલો અજમાનો અર્ક વધુ સ્ટ્રૉન્ગ હોય છે. એક ચમચી અર્ક સહેજ હૂંફાળા પાણી સાથે પી જવાથી અસ્થમા, આફરો, અર્જીણ, ક્રૅમ્પ્સ જેવી સમસ્યાઓમાં રાહત રહે છે. અર્ક તૈયાર ન લાવવો હોય તો ઘરે જ અજમાનું પાણી તૈયાર કરી શકાય. એ માટે બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઊકળે એટલે એમાં એક ચમચી અજમો નાખીને ઢાંકી દો. ધીમી આંચે ગરમ કરો. પાણીનો રંગ બદલાઈ જાય અને બરાબર ખદખદે એટલે બંધ કરી દો. આ પાણી ઠારીને ગાળીને કાચની બૉટલમાં ભરી લો. અડધો કપ પાણી રોજ લો.

અન્ય ઉપયોગો

ખીલ, ખીલના ડાઘા, બ્લૅકહેડ્સ અને રૅશિઝ થતા હોય ત્યારે અથવા તો ખંજવાળ, ખરજવું જેવા ત્વચાના ઇન્ફેક્શનમાં અજમાની પેસ્ટને દહીંમાં મેળવીને લગાવવાથી ત્વચા ચોખ્ખી થાય છે.

જે બાળકો પથારીમાં વારંવાર સુસુ કરી જતાં હોય તેમને અજમો, કાળાં તલ અને ગોળ મેળવીને દિવસમાં બે વાર ખાવા આપવું. એનાથી થોડા જ સમયમાં ચેતાતંતુઓ પરનો કન્ટ્રોલ વધશે અને ઊંઘમાં યુરિન પાસ થઈ જવાની સમસ્યા કાબૂમાં આવશે.

અનિયમિત માસિક આવતું હોય, ઓછું બ્લીડિંગ થતું હોય અને પિરિયડ્સ દરમ્યાન ખૂબ ક્રૅમ્પ્સ આવતા હોય તો બે ચમચી અજમાનો અર્ક અથવા તો અજમો ઉકાળીને ઠારેલું પાણી લાંબા સમય સુધી પીવાથી ફાયદો થાય છે.

નાક બંધ હોય, કફ માથામાં ભરાયેલો હોય ત્યારે અજમાનો નાસ લેવો જોઈએ. અજમો પાણીમાં ઉકાળીને એની વરાળ નાક અને મોં પર લેવાથી કફ પીગળીને નાક-ગળા વાટે નીકળી જાય છે, શ્વાસ લેવામાં રાહત થાય છે અને ગળા-શ્વાસનળીમાં ઇન્ફેક્શન હોય તો મટે છે. શરદીમાં દવા લઈને કફ નીકળતો અટકાવી દેવાને બદલે અજમાનો નાસ લઈને કફ કાઢી નાખવાથી જડમૂળથી ઇન્ફેક્શન દૂર થાય છે.