ચાલો કચ્છના નાના રણમાં રમમાણ થવા

22 December, 2013 07:14 AM IST  | 

ચાલો કચ્છના નાના રણમાં રમમાણ થવા





નેચર-ઍડ્વેન્ચર - મનીષ શાહ

ચાલો વાચકમિત્રો, આ અઠવાડિયે પણ ગુજરાતને ન છોડીએ. વાત માંડીએ એક બીજા વિસ્તારની. સામાન્ય ગુજરાતી તરીકે તો આપણને દરેકને ખબર જ હશે કે દુનિયામાં ગુજરાત ફક્ત અહીં જ વસેલા Asiatic Lion  એટલે કે સિંહને કારણે પ્રખ્યાત છે. સમગ્ર એશિયામાં ફક્ત ગુજરાતમાં જ તમને જંગલના આ રાજાનાં દર્શન થાય છે. ગુજરાતના ગીર અભયારણ્યમાં જ એનો વસવાટ છે. પણ કેટલા ગુજરાતીઓને ખબર છે કે સાવજ સિવાય પણ એક બીજા પ્રાણીને કારણે જગતના વન્યપ્રેમીઓમાં ગુજરાત પ્રખ્યાત છે? આ પ્રાણી છે ઘુડખર. Wild Ass એટલે કે જંગલી ગધેડાઓની ત્રણ પ્રજાતિમાંની એક એટલે કે ઘુડખર સમગ્ર જગતમાં ફક્ત અહીં જ જોવા મળે છે. ગુજરાતમાં રહેલા ભારતના સૌથી મોટા અભયારણ્ય એટલે Little Rann of Kutchમાં લગભગ ૪૦૦ ઘુડખર સલામત રીતે વસવાટ કરે છે.

કચ્છ પ્રદેશ આમ પણ એની વિશિષ્ટ ભૌગાલિક રચનાને કારણે પ્રખ્યાત છે. અરબી સમુદ્ર અને કચ્છના અખાતને કારણે લગભગ સમગ્ર કચ્છ જિલ્લો ખારોપાટ પ્રદેશ છે. નહીંવત્ જેવી વનસ્પતિ અહીં ખારાપાટમાં ઊગી શકે છે. નજર પહોંચે ત્યાં સુધી ફક્ત સપાટી અને કોરીધાકોર જમીન જ જોવા મળે છે. આ એક વિશિષ્ટ પ્રકારનું રણ છે જ્યાં ન તો રેતીના ટીલા છે કે ન તો હવામાં ઊડતી ધૂળની ડમરી છે. અહીં તો છે અનંત સુધી ફેલાયેલો સપાટ પ્રદેશ. કુદરતે માટીનાં ચોસલા પાડ્યાં હોય એવો સેંકડો કિલોમીટર નર્જિન પ્રદેશ. ક્યાંક-ક્યાંક વળી ઊંચાણવાળી જમીન પર વનસ્પતિ ઊગેલી જોવા મળે એ જ તમારી હરિયાળી. પણ આ જિલ્લાનું આ જ લક્ષણ એને એટલી ખૂબસૂરતી બક્ષે છે કે ન પૂછો વાત. કુદરતની એક-એક છટાના, કમાલના એવા-એવા નજારા અહીં છે કે કોઈ પણ દંગ થઈ જાય. આ કમાલમાં પહેલું આવે મૃગજળ. વાર્તાઓમાં વાંચેલું અને કોઈકના મોઢે સાંભળેલું મૃગજળ અહીં સાક્ષાત જોવા મળે છે. દરિયામાં ભરતીને કારણે જમીનની તિરાડોમાં ભરાઈ રહેલું પાણી જ્યારે ભરબપોરે બાષ્પીભવન થઈ વરાળનું સ્વરૂપ લે ત્યારે તમારી આંખો સામે આ અજાયબી તાદૃશ થઈ ઊઠે છે. દૂરથી પાણી જ લાગે, પણ જેમ ચાલીને સામે જાઓ એમ પાણી દૂર થતું જાય અને આમ મૂરખ બનવાનો આનંદ પણ ગુમાવવા જેવો નથી.

મૃગજળ પછી વારો આવે છે સૂર્યાસ્તનો. આખા દિવસમાં તપેલો તાંબાવરણો સૂરજ જોવો હોય તો પહોંચી જાઓ અહીં. લાંબામાં લાંબો અને સંપૂર્ણ સૂર્યાસ્ત અહીંથી જોવાનો એક અનેરો લહાવો છે. અનંત ક્ષિતિજ સુધી ફેલાયેલું સપાટ અને નર્બિંધ રણ અને ક્ષિતિજ પર સાવ સાફ, વાદળ વગરના આકાશમાં પૂરેપૂરો આથમતો સૂર્ય. ચમકતો સૂર્ય, પછી કેસરી રંગનો સૂર્ય, પછી તાંબાવરણો સૂર્ય અને છેલ્લે લાલ રંગની ટોચથી વિદાય લેતો સૂર્ય... શું લખાય’ કેટલું લખાય, કેવું લખાય? બધું ઓછું લાગે. ત્યાં જ બેઠા રહો આ બધું વાગોળતાં. ફક્ત દિશા ફેરવી લો. મોઢું પશ્ચિમમાંથી પૂર્વ તરફ ફેરવી લો. ટૉર્ચના અજવાળે પંચાગનાં પાનાં ફેરવી લો અને સમય કાઢો ચંદ્રોદયનો. કાળી ડિબાંગ અંધારી ક્ષિતિજ પર થઈ રહેલો ચંદ્રોદય જોયો છે? અવાક્ થઈ જશો. મોઢું ખુલ્લું રહી જશે આ કુદરતનો નજારો જોઈને. તાંબાવરણો સૂર્ય તો ઠીક, ચંદ્ર જોયો છે? થાળી જેવડો નહીં, પૂરા ત્રાંસ જેવડો પૂર્ણ ચંદ્ર જોયો છે? આ કચ્છના રણમાં આ છે, સાહેબ! તામ્ર વર્ણમાંથી થોડા જ સમયમાં સંપૂર્ણ સફેદ થઈ જાય છે ચંદ્રમા અને પછી સમગ્ર રણ, સમગ્ર અસ્તિત્વ દુધિયા રંગમાં રંગાઈ જાય છે. આ કહેવાતો ખારો પાટ જાણે કે સજીવ થઈ ઊઠે છે ચાંદનીમાં. સંપૂર્ણ પટમાં પથરાયેલા મીઠાના કણ ચાંદનીમાં એવા ચમકે છે કે ન પૂછો વાત! અંધારામાં જાણે પથરાયેલી બરફની ચાદર જોઈ લો. આમ આ પ્રદેશ અભિભૂત થઈ જવાય એટલી હદે વિશિષ્ટ છે.

આ પ્રદેશ એટલો મોટો છે કે સરકારે એને બે ભાગમાં વહેંચી કાઢ્યો છે. કચ્છનું મોટું રણ (જેની વાત આપણે આવતા અઠવાડિયે કરીશું) અને કચ્છનું નાનું રણ. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સાથે જોડાયેલા થોડા હરિયાળા વિસ્તારને અલગ પાડીને એને નામ આપ્યું કચ્છનું નાનું રણ અને પછી ૧૯૭૨માં આ સમગ્ર નાના રણને ઘુડખર અભયારણ્ય તરીકે ઘોષિત કર્યું. આ લગભગ ૫૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું અભયારણ્ય આપણા દેશનું સૌથી મોટું અભયારણ્ય હોવાનો દરજ્જો ભોગવે છે. યુનેસ્કોની વલ્ર્ડ હેરિટેજ સાઇટની યાદીમાં Little Rann of Kutchનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું દસાડા ગામ એટલે આ અભયારણ્યનું પ્રવેશદ્વાર. દસાડા ગામના સ્વતંત્રતા પહેલાંના નવાબ એવા મલિક કુટુંબની માલિકીના બેએક રિસૉર્ટમાં પહેલેથી આરક્ષણ કરાવીને જઈ શકાય. આ અભયારણ્ય અનેક રીતે અનોખું છે. પહેલાં ઘુડખરની વાત કરીએ.

ભારતીય પ્રાણીઓમાં સૌથી ઝડપી આ પ્રાણી જંગલી ગધેડાની પ્રજાતિઓમાંની એક પ્રજાતિ છે. દેખાવમાં ગધેડા અને ઘોડાની વચ્ચેનું આ પ્રાણી ખૂબ જ આકર્ષક અને મજબૂત હોય છે. ઘુડખર લગભગ બે કલાક સુધી ૨૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ભાગી શકે છે. ટૂંકા અંતર માટે તો એની ઝડપ ૭૦થી ૮૦ કિલોમીટર પ્રતિકલાક પણ જઈ શકે છે. બીજા દિવસે અમે જ્યારે સૂર્યાસ્ત જોવા નીકળ્યા ત્યારે ઘુડખરનું એક ટોળું અમારી ઝડપથી ભાગતી જીપને આરામથી પાછળ પાડીને આગળ નીકળી ગયું હતું. એ દૃશ્ય હજી કોઈ અંગ્રેજી પિક્ચરના દૃશ્યની જેમ માનસપટ પર અંકાયેલું છે. ઘુડખર સિવાય આ અભયારણ્યમાં જંગલી સૂવર, શિયાળ, નીલગાય, રણની બિલાડી જેવાં ઘણાં પ્રાણીઓ પણ જોવા મળે છે. પ્રાણીઓ સિવાય લગભગ ૩૦૦ પ્રજાતિઓનાં પક્ષીઓ પણ આ અભયારણ્યમાં જોઈ શકાય છે.

શિયાળામાં આ અભયારણ્ય ઘણાંબધાં વિદેશી પંખીઓનું આશ્રયસ્થાન બની રહે છે અને એમાંનાં એક છે પક્ષીજગતનાં કદાચ સૌથી સુંદર પક્ષી Flamingo (સુરખાબ). દર વર્ષે લાખોની સંખ્યામાં વિહાર કરતાં આ પક્ષીઓ માટે આ અભયારણ્ય સૌથી વધારે પસંદગીનું સ્થાન છે. ગુલાબી રંગનાં પંખીઓ લાખોની સંખ્યામાં આવીને આ પ્રદેશની ક્ષિતિજને ગુલાબી રંગથી ભરી દે છે. આ સિવાય લગભગ નામશેષ થઈ ગયેલા Houbara Bustard પ્રજાતિઓનાં પક્ષીઓનું આ રહેઠાણ છે. ખૂબ જ સુંદર, જમીન પર અને ઝાડીઝાંખરામાં રહેતાં આ પક્ષીઓ એક સમયે ઘણી જ સંખ્યામાં જોવા મળતાં હતા; પણ શિકારી પ્રવૃત્તિઓ અને કુદરતી રહેઠાણનો સફાયો આ બે કારણોસર હવે આ પંખીઓ જ્વલ્લે જ જોવા મળે છે. એક સમયમાં આરબ દેશોમાંથી આરબો બાજ પક્ષી લઈને આ પક્ષીઓનો શિકાર કરવા આવતા હતા, પણ હવે આ પ્રવૃત્તિ લગભગ બંધ થઈ જવાથી આ પક્ષીઓની વસ્તી વધવાની સંભાવના પણ ઘણી વધી ગઈ છે. Lesser Florican ફક્ત ઘાસિયા અને ઝાડીઝાંખરાંના વિસ્તારોમાં જોવા મળતું એક અલભ્ય પક્ષી છે. નસીબ જો જોર કરતું હોય તો આ અભયારણ્યમાં ક્યારેક આ પક્ષીના પણ દીદાર થઈ જાય છે.

આમ કચ્છનું નાનું રણ અભયારણ્ય ફક્ત નામ પૂરતું જ નાનું રણ કહેવાય છે જે હકીકતમાં બધી જ રીતે ખૂબ જ મોટું છે એમ એની મુલાકાત લેનાર દરેક વ્યક્તિને માનવા મજબૂર કરે છે.

ગુજરાત આટલુબધું સમૃદ્ધ હશે એ તો આ જગ્યાઓની મુલાકાત લીધી ત્યારે જ ખબર પડી. પોતપોતાની રીતે વિશિષ્ટ એવાં આ અભયારણ્યોની મુલાકાત એક ગુજરાતી તરીકે, એક કુદરતપ્રેમી તરીકે દરેક જણે લેવી જ જોઈએ. તો જ કદાચ ‘ઉદ્યોગપ્રેમી’, ‘વિકાસશીલ’ ગુજરાત સરકારને પર્યાવરણ અને વિકાસ વચ્ચેના તાલમેલનું મહત્વ સમજાશે અને ગુજરાત સાચા અર્થમાં સમૃદ્ધ રહેશે.

એક છુપાયેલું રત્ન - વેળાવદર કાળિયાર અભયારણ્ય

ગીરના સિંહ અને કચ્છના ઘુડખરની વાત પછી અનુસંધાનમાં જ વાત કરવાની છે એક એવા નાના અભયારણ્યની જે પોતાની એક વિશિષ્ટ લાક્ષણિકતાને લીધે દુનિયાભરના પક્ષીવિશારદોમાં પ્રખ્યાત છે. કોઈ પણ પક્ષીવિદની સાધના આ અભયારણ્યની મુલાકાત વગર અધૂરી જ છે એમ માનવામાં આવે છે. આ અભયારણ્ય એટલે ફક્ત ૩૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું વેળાવદર કાળિયાર અભયારણ્ય. આપણામાંના ઘણાને કાળિયાર વાંચીને સલમાન ખાનનું નામ યાદ આવ્યું હશે. કાળિયાર વિશે આગળ લખીશ જ, પરંતુ અત્યારે કરીએ આ લાક્ષણિકતાની વાત. દરરોજ સાંજે એક એવી ઘટના અહીં આકાર લે છે કે જોનાર વ્યક્તિઓ અચંબો પામી જાય છે. વધારે રહસ્ય ન ઘૂંટતાં હવે વાત જણાવી જ દઉં છું. શિકારી પક્ષીઓ કે જેને અંગ્રેજીમાં Birds of prey કહેવાય છે જેવાં કે બાજ, સમડી, શિકરા વગેરે-વગેરે આ જ પ્રજાતિઓમાં એક પ્રજાતિ છે જેને કહેવાય છે હૅરિયર પ્રજાતિ. આ પ્રજાતિમાં જાણીતાં નામ છે માર્શ હૅરિયર, પાઇડ હૅરિયર, પેલિડ હૅરિયર વગેરે. શિકારી પક્ષીઓ હોય કે શિકારી પ્રાણીઓ, કોઈ પણ શિકારી પ્રજાતિ અમુક સંખ્યાથી વધારે સંખ્યામાં સાથે રહેતી નથી કે રહી શકતી નથી. પરંતુ આપણા આ વેળાવદરમાં એવું તે શું રહસ્ય છે કે આ હૅરિયર પ્રજાતિનાં પક્ષીઓ દસ-વીસ-સો નહીં પણ હજારોની સંખ્યામાં રોજ રાતવાસો (Roosting) કરવા વેળાવદરમાં જ પડાવ નાખે છે. સાંજ પડે અને તમે ફક્ત બેસીને દરેક દિશામાંથી આવતાં હૅરિયર્સને જોયા જ કરો. આઠે દિશાઓમાંથી હૅરિયર્સ આવતાં જ જાય. દરેક વૃક્ષ, દરેક ડાળી અરે... પાર્કના રસ્તા પર પણ જ્યાં નજર માંડો તમને હૅરિયર્સ જ જોવા મળે. અમારી સાથે ઇંગ્લૅન્ડથી આવેલા બે પક્ષીવિશારદ પણ ત્યાં હાજર હતા.

સાંજનો આ નજારો જોઈને તેમનું ફક્ત નાચવાનું જ બાકી રહ્યું હતું. આખી દુનિયામાં કોઈ પણ સ્થળે એક સમયે આટલી મોટી સંખ્યામાં હૅરિયર્સ કે કોઈ પણ શિકારી પક્ષીઓ રાતવાસો કરે એ અસંભવ છે. ફક્ત વેળાવદરને છોડીને. લગભગ ૨૦૦૦થી ૨૨૦૦ હૅરિયર્સ એટલે શું કહેવાય? અમે બધા પણ અભિભૂત થઈ ગયા આ જોઈને! આમ ગુજરાતનો આ ત્રીજો વલ્ર્ડ રેકૉર્ડ કહેવાય.

ભાવનગરથી ૭૨ કિલોમીટર દૂર આવેલું વેળાવદર અભયારણ્ય ઐતિહાસિક મહત્વ ધરાવતા જૈનોના ર્તીથધામ વલભીપુરથી ફક્ત બાવીસ કિલોમીટર અંદર જ છે પરંતુ આપણી ધાર્મિક લાગણી કહો કે ઉદાસીનતા, કદાચ વલભીપુર આવતા યાત્રિકોમાંથી ૧ ટકા યાત્રિકો પણ આ સુંદર અભયારણ્યની મુલાકાત લેતા નથી. કુદરતના સાંનિધ્યમાં, કુદરત સાથે કે પછી પોતાની જાત સાથે એકાકાર થવાની ક્ષણોનું કદાચ મહત્વ જ નથી આપણને. ફક્ત ૩૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું અભયારણ્ય તદ્દન અલગ પડે છે. વેળાવદર એક ઘાસિયો પ્રદેશ છે. તમે મુલાકાત લો તો જરૂરથી વેળાવદરની સરખામણી ટીવી પર જોયેલા આફ્રિકાના ઘાસિયા પ્રદેશ સાથે મનોમન કરી બેસો એવી પાકી ગૅરન્ટી છે. પણ કેટકેટલી વિવિધતા છે આવડા અમથા આ અભયારણ્યમાં. અહીં વસે છે લગભગ ૧૦૦૦થી ૧૫૦૦ કાળિયાર. કાળિયાર એટલે કે ગ્શ્ર્રીણૂk ગ્uણૂk હરણના વર્ગનું ખૂબ જ સુંદર પ્રાણી છે. કાળિયારને ચાલતાં કે ભાગતાં જોવાં ખરેખર એક આનંદદાયક દૃશ્ય છે. કૂદતાં-કૂદતાં ચાલે ને કૂદતાં-કૂદતાં ભાગે. ઊંચા ઘાસમાં આખું શરીર ઢંકાયેલું હોય, દેખાય ફક્ત શિંગડાં અને અચાનક એક લાં...બો કૂદકો, શરીર હવામાં અધ્ધર અને પાછું ઘાસની અંદર... ખરેખર શાંતિથી બેસીને જોતા જ રહીએ એવું લાગ્યા વગર રહે નહીં. આટલા સુંદર પ્રાણીને હણતાં કેવી રીતે જીવ ચાલે? ખેર, કાળિયાર સિવાય વેળાવદરમાં છે નીલગાય, શિયાળ અને હા, વરુ! વેળાવદરના વરુની તો ઘણી વાર્તાઓ સાંભળવા મળે તમને આજુબાજુનાં ગામડાંના માણસો પાસેથી. ભારતમાંથી નામશેષ થઈ રહેલાં વરુઓ માટે વેળાવદર અભયારણ્યમાં એક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. અભયારણ્યને અડીને જ જંગલખાતાનું રેસ્ટહાઉસ છે જે પહેલેથી બુક કરાવી અહીં રાતવાસો કરી શકાય છે. અમારા રોકાણ દરમ્યાન ત્યાંના રહેવાસીઓએ બનાવેલાં રોટલા, શાક અને જાતે બનાવેલા ગોળનો સ્વાદ હજી પણ ભુલાતો નથી. ગેસ્ટાઉસની બાલ્કનીમાં રાત્રે બેસીને નીરવ શાંતિ અને રાત્રિ માણી હતી એ પણ ભૂલી શકાય તેમ નથી.