ભજન એટલે તો ઈશ્વર સાથે થયેલો વાર્તાલાપ

10 February, 2013 07:57 AM IST  | 

ભજન એટલે તો ઈશ્વર સાથે થયેલો વાર્તાલાપ



મને જ્યારે કોઈ લોકગાયક તરીકે મૂલવે ત્યારે મને એટલો આનંદ નથી થતો જેટલો આનંદ મારી ગણના કોઈ ભજનિક તરીકે કરે ત્યારે થાય છે. ભજન એ તો ઈશ્વર સાથે થયેલો વાર્તાલાપ છે અને એ સંદર્ભ સાથે કહું તો ભજનિક એ તો ઈશ્વર સાથે વાર્તાલાપ જોડી આપનાર માધ્યમ સમાન છે. ભજન ગાવા માટે રાગ નહીં પણ ભાવની જરૂર હોય. જો ભાવ વિના ભજન ગાવામાં આવે તો એ સાંભળનારના હૃદય સુધી ન પહોંચે. એવું જ ભજન લખવામાં છે. ભજન લખવા માટે પ્રાસ-અનુપ્રાસ કે શબ્દોની મગજમારીની નહીં, પણ સંવેદનાની જરૂર હોય છે. હું માનું છું કે ભજન લખવાનું કામ કઠિન છે અને એટલે જ કદાચ આજે ગીતો કે ગઝલ લખનારાઓ મળી જાય છે, પણ ભજન લખનારાઓ નથી જડતા. એવું નથી કે ભજન લખનારાઓને પૈસા નથી મળતા. ના, હું એવું ક્યારેય નહીં કહું કે લોકસંગીત, લોકડાયરા કે ભજનના કલાકારોને પૂરતો પુરસ્કાર મળતો નથી. એવું છે જ નહીં. આ ક્ષેત્રમાં પણ સારું વળતર છે જ અને સંગીત કે લેખનના ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારોને આ વાતની જાણકારી પણ છે જ. પણ આ ક્ષેત્રના સર્જનકાર્યમાં કોઈ દંભ નથી ચાલતો અને એટલે જ આ ક્ષેત્રમાં નવા લોકો આવતાં ખચકાય છે. માત્ર ભજન જ શું કામ, અધ્યાત્મની કોઈ પણ વાત હોય કે પછી આધ્યાત્મિકતાનું કોઈ પણ ક્ષેત્ર હોય; એમાં દંભ કે દેખાડો નથી ચાલતો. એ કાર્ય ખંતપૂર્વક જ થઈ શકે છે. હું અનેક એવા ભજનિકોને ઓળખું છું, અનેક એવા ભજનિકોને મળ્યો છું જેને મળ્યાં પછી સાક્ષાત્ ઈશ્વરને મળ્યાં હોઈએ એવો અહેસાસ થાય. લાગે કે ઓલિયો આત્મા જ સામે બેઠો છે. પોતાની ધૂન અને મસ્તીમાં, દુનિયાદારીથી જોજનો દૂર. પોતે અને પોતાનો ભગવાન, બીજું કોઈ વચ્ચે નહીં. એવા ભજનિકને મળ્યાં પછી જીવન ધન્ય થઈ ગયું હોય એવું લાગે. શાસ્ત્રોક્ત વાતો છોડીને સંગીતની દૃષ્ટિએ કહું તો પણ લાગણીનો ભાવ ધન્યતાનો જ રહે. આજે ગીત-ગઝલ લખનારાઓ પોતાના શબ્દો સાથે જીવતા હોય છે, પણ એક ભજનિક પાસે માત્ર શબ્દો જ નહીં; સૂર અને રાગની પણ સમજ હોય છે. નરસિંહ મહેતા, ગંગા સતી, દાસી જીવણ અને સંત સુરદાસે ક્યાંય સંગીતનું જ્ઞાન નહોતું લીધું; ક્યાંય ભણવા પણ નહોતાં ગયાં એ લોકો. ગંગા સતીના સમયમાં તો મહિલાઓને ભણાવવામાં પણ નહોતી આવતી. સંત સુરદાસ તો જન્મથી જ જોઈ નહોતા શકતા એટલે કંઈ ભણી નહોતા શક્યા. એમ છતાં પણ આ મહાનુભાવોએ અદ્ભુત કહેવાય એવું સર્જન કર્યું અને માત્ર શાબ્દિક નહીં, સૂર અને રાગની દૃષ્ટિએ પણ અવ્વલ દરજ્જાનું સર્જન થયું. આજે પણ આ ભજનિકોએ જે રીતે અને જે ઢાળ સાથે ભજનો ગાયાં હતાં એ જ ઢાળ સાથે ભજનો ગવાઈ રહ્યાં છે અને દેશમાં જ નહીં, વિદેશમાં પણ એટલી જ લોકચાહના મેળવે છે. આવું થવા પાછળનું કારણ જો કોઈ હોય તો એ કે તેમણે માત્ર ભજનનું સર્જન નહોતું કર્યું, એ ભજન જીવ્યા પણ હતા.

એક શ્રોતા તરીકે મેં પણ અનુભવ્યું છે કે ભજન સાંભળવાં કે સાંભળેલા ભજનને દાદ આપવાનું કામ સહેલું છે, પણ એ ભજનને જીવવાનું કામ કઠિન છે. મનમાં અપરિગ્રહનો ભાવ જન્મે તો અને તો જ ભજન જીવી શકાય.

ભજન વિશે આટલું કહ્યા પછી હવે તમને પણ સમજાઈ ગયું હશે કે ભજન એ કોઈ ગીત કે ગઝલ જેવું સામાન્ય સર્જન નથી, એ તો એક અલૌકિક સર્જન છે. અલૌકિક સર્જનની આ સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે હું લોકસંગીત રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના કરવાનો છું જ્યાં પહેલાં ગુજરાતી અને પછી અન્ય ભાષાના લોકસંગીત પર કામ કરવામાં આવશે. આ ઉપરાંત આ સેન્ટર દ્વારા નવા લોકસંગીતકારો અને ભજનિકોને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી શકાય એ માટે ઑડિયો અને વિડિયો આલબમ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત અત્યારે હયાત હોય એવા મહાન સંગીત વિશારદ અને શાસ્ત્રીય સંગીતકારોને ખાસ બોલાવવામાં આવશે જેથી તેમનું સાંનિધ્ય ગુજરાતના ઊગતા સ્થાનિક કલાકારોને મળે.

લોકસંગીત રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની કામગીરી મેં શરૂ પણ કરી દીધી છે.

અવાજ બચાવો ઝુંબેશ

આજકાલ હું અવાજ બચાવો ઝુંબેશ ચલાવી રહ્યો છું. બોલવાનું સાવ ઓછું, ખપ પૂરતું અને ગાવાનું વધારે. મને લાગે છે કે આ પ્રકારની ઝુંબેશ ગાયનના ક્ષેત્ર સાથે સંકળાયેલા કે પછી જેણે પ્રવચન તથા વક્તવ્ય આપવાનાં રહેતાં હોય એ દરેકેદરેક વ્યક્તિએ પોતાના અંગત જીવનમાં શરૂ કરવી જોઈએ. તેમનો અવાજ ધરોહર છે, એક મૂડી છે. આપણે મન મૂડી એટલે કીમતી ચીજવસ્તુ. એને આપણે બચાવીએ છીએ, પણ જેના માટે પોતાનો અવાજ જ મૂડી છે તેમણે એ અવાજ બચાવવાનું કે પછી અવાજને ઓછો ખર્ચવાનું કામ કરવું જોઈએ. જાણીતા ગઝલગાયક જગજિત સિંહ પણ તેમની કારકિર્દીના મધ્યાહ્ન પછી બહુ ઓછી વાતચીત કરતા. લતા મંગેશકર પણ બિનજરૂરી વાતો કરવાનું ટાળે છે. ભજનિક પ્રાણલાલ વ્યાસ પણ જરૂરિયાત પૂરતું જ બોલતા. પ્રાણલાલભાઈ દિવસમાં કદાચ પચાસ વાક્યો બોલતા હશે, પણ જ્યારે મંચ પર જાય ત્યારે એક અઠવાડિયાનું એકસમાટું બોલતા હોય એમ મંચને મહેકાવી દેતા. નવી પેઢીના ગાયકો બહુ અવાજ ખર્ચે છે એવું મેં જોયું છે. ઇન્ટરવ્યુ આપવા અને સંબંધો બનાવવા માટે વાતો કરવી જેવાં કામો કરે છે, પણ એના કરતાં જો અવાજને સાચવી રાખશે તો તે લાંબો સમય ચાલશે.

હેમંત ચૌહાણ


ગુજરાતી ડાયરો, લોકસંગીત, ભજન અને ગરબાનો જેમને શોખ છે તેમના માટે હેમંત ચૌહાણનું નામ સહેજ પણ અજાણ્યું નથી. છેલ્લા સાડાત્રણ દાયકાથી ભજન, ગરબા અને લોકસંગીતના ક્ષેત્રે ઉમદા પ્રદાન કરનારા અઠ્ઠાવન વર્ષના હેમંત ચૌહાણે પોતાની કરીઅર દરમ્યાન ભજનનાં સાતસોથી વધુ ઑડિયો આલબમ કયાર઼્ છે, જેના વીસ લાખથી વધુ નંગનું વેચાણ થયું છે. હેમંત ચૌહણે માત્ર ભજનો ગાયાં જ નથી, ભજનો લખવાની સાથે વિસરાઈ ગયેલા સંતોનાં ભજનો લોકો સુધી પહોંચાડવાનું કામ પણ કર્યું છે. રાજકોટની રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસમાં ક્લર્કની સરકારી નોકરીથી પોતાની કારકિર્દી શરૂ કરનારા હેમંતભાઈએ ભજનો માટે આ નોકરી છોડી દીધી હતી. હેમંતભાઈએ અત્યાર સુધીમાં દુનિયાભરના ૨૯ દેશોમાં પાંચસોથી વધુ લાઇવ શો કર્યા છે. તેમણે ગાયેલાં ‘પંખીડા ઓ પંખીડા’, ‘તું રંગાઈ જા ને રંગમાં’, ‘નદીકિનારે નાળિયેરી રે’, ‘જીવતરમાં દિવસ હવે ઓછા’, ‘ઠાકોરજી તારા દ્વારે’ જેવાં ભજનોએ રીતસર ધૂમ મચાવી હતી. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા ગુજરાત ગૌરવ, ગુજરાતરત્ન સહિત દેશની અનેક સંગીત અકાદમી દ્વારા હેમંત ચૌહાણનું પાંચસોથી વધુ વાર સન્માન થયું છે તથા તેમને અવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. નવમી ઑક્ટોબરે હેમંતભાઈને ભારતીય સંગીત અકાદમી દ્વારા ૨૦૧૧ના વર્ષ માટે ‘અકાદમીરત્ન’નો અવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ જ મહિને તેમનું મોરારીબાપુ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.

હેમંત ચૌહાણ એકમાત્ર રામસાગર વાજિંત્રની મદદથી ચાર કલાક સુધી ગાઈ શકે છે.