સ્ત્રી-પુરુષના પ્રજનનતંત્ર માટે ઉત્તમ ઔષધ ગોખરુ

08 March, 2015 07:28 AM IST  | 

સ્ત્રી-પુરુષના પ્રજનનતંત્ર માટે ઉત્તમ ઔષધ ગોખરુ



આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી

યુરિન પાસ કરતી વખતે બળતરા થાય

કિડનીમાં ઝીણી પથરી હોય

સ્ત્રી-પુરુષોને પ્રજનનતંત્રની સમસ્યાઓ હોય

ત્યારે ગોખરુ ખૂબ અકસીર ઔષધ બને છે. અલબત્ત, આ દ્રવ્ય ઝટ મંગની અને પટ બ્યાહ જેવાં ઇન્સ્ટન્ટ પરિણામો નહીં પણ લાંબા ગાળે સાતત્યપૂર્વકના યોગ્ય માત્રાના સેવનથી ચમત્કારિક પરિણામો આપે છે.

ગોખરુ એ કાંટાળાં ફળવાળી વનૌષધિ છે. મોટા ભાગે વનમાં કાંટાળાં ફળ ગાયોની ખરીમાં ભરાઈને અડચણ પેદા કરતાં હોવાથી એનું એક સંસ્કૃત નામ ગોક્ષુર પડી ગયું. એનાં ફળ કૂતરાના દાંત જેવા તીક્ષ્ણ કાંટાળાં હોવાથી એનું બીજું નામ શ્વદંષ્પþા છે તેમ જ એ કાંટાળાં હોવા છતાં મધુર હોવાથી એને સ્વાદુકંટક પણ કહે છે. ગોખરુનાં ફળ અને મૂળ બન્ને ઔષધિમાં વપરાય છે. એનાં ફળ પર કેટલા કાંટા છે એના આધારે એની ગુણવત્તા વધુઓછી નક્કી થાય છે. પાંચ કાંટાવાળાં ફળ ચારથી ઓછા કાંટાવાળાં ફળની સરખામણીએ વધુ ગુણકારી હોય છે.

ગુણધર્મની વાત કરીએ તો ગોખરુનું ફળ સ્વભાવે મધુર, શીતળ, પૌષ્ટિક, ચીકાશવાળું, પેશાબ સાફ લાવનાર, બળદાયી, મૂત્રાશય અને કિડનીનું ફંક્શન સુધારનાર, વાયુ અને પિત્તનું શમન કરનારું છે. ફળ સુકાય એટલે પીળું અને કડક થઈ જાય છે. એનો રસ અને વિપાક બન્ને મધુર છે. એ વેદનાસ્થાપન અને વાતશમન ગુણ ધરાવે છે એટલે વાયુને કારણે વેદના થતી હોય ત્યારે પરમ ઔષધ બની રહે છે.

સ્ત્રી અને પુરુષ બન્નેના પ્રજનનતંત્રને સુધારે છે. યોનિના વિકારો મટાડે છે અને ગર્ભાશય ખસી ગયું હોય તો એનું યોગ્ય સ્થાપન કરે છે. અલબત્ત, તરત જ લાભ નથી જોવા મળતો. ગર્ભાશય પર સોજો આવ્યો હોય એમાં પણ ગોખરુ આપવામાં આવે છે. એ ઉપરાંત યુરિનરી ટ્રૅક્ટનું ઇન્ફેક્શન હોય, પેશાબમાં બળતરા-પીડા થતી હોય અને અટકી-અટકીને આવતો હોય તો ગોખરુ વાપરી શકાય.

આ ઔષધ પુરુષો માટે વૃષ્ય અને વાજીકર છે. એનાથી પુરુષ સેક્સ-હૉર્મોન ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધતું હોવાથી એ પુરુષોની જાતીય ક્ષમતા વધારે છે. ઉંમરને કારણે ટેસ્ટોસ્ટેરોન હૉમોર્નની કમીને કારણે ઇન્દ્રિયમાં જરૂરી સખતાઈમાં ઓટ હોય તો ગોખરુ ઉત્તમ ઔષધ બની રહે છે. લાંબા ગાળા માટે ગોખરુનું ગાયના દૂધ અને એક ચમચી ઘી સાથે સેવન કરવાથી વીર્યના દોષોમાં પણ મદદ કરે છે. સેક્સ-ટૉનિક તરીકે જાતીય જીવનમાં નબળાઈ દૂર કરીને ઘોડા જેવી શક્તિ આ દ્રવ્ય આપી શકે છે. અલબત્ત, એને અફીણ કે ઇન્સ્ટન્ટ ઉત્તેજક દ્રવ્યો સાથે મેળવીને ન લેવામાં આવે એ જરૂરી છે. સમજવા જેવું એ છે કે આ શક્તિવર્ધક દવાની ઇન્સ્ટન્ટ અસર નથી થતી, પરંતુ નિયમિત સેવનથી લાંબા ગાળે ફાયદો થાય છે.

પેશાબ અટકી-અટકીને આવતો હોય, કિડની પર સોજો હોય ત્યારે ગોખરુના ચૂર્ણમાં સિદ્ધ દૂધ આપવામાં આવે છે. કિડનીમાં અમ્લતા વધી જાય ત્યારે ગોખરુના ક્વાથમાં યવક્ષાર મેળવીને અપાય છે.

પેશાબમાં ક્ષારો વહી જતા હોય, દુર્ગંધ આવતી હોય કે ધૂંધળો પેશાબ થતો હોય ત્યારે ગોખરુના ક્વાથમાં ગળો અને શિલાજિત મેળવીને આપવું જોઈએ.

કિડની અને મૂત્રનલિકામાંની પથરીને તોડીને બહાર કાઢવા માટે પણ ગોખરુ વપરાય છે. એ માટે ગોખરુના ચૂર્ણને મધ અને સાકર સાથે ચાટીને એના પર બકરીનું દૂધ પીવું જોઈએ. નિયમિત અને સાતત્યપૂર્વક આ પ્રયોગ કરવાથી પથરી તૂટીને મૂત્રવાટે જ બહાર ફેંકાઈ જાય છે.

ગોખરુની બનાવટો

બજારમાં એની તૈયાર ઔષધિઓમાં ગોક્ષુરાદિગૂગળ, ગોક્ષુરાદિ ક્વાથ, ગોક્ષુરાદિ અવલેહ, ચૂર્ણ મળે છે. દશમૂલારિષ્ટમાં પણ એક મુખ્ય ઔષધ તરીકે ગોખરુ વપરાય છે.

જ્યારે પણ ઔષધ તરીકે ગોખરુનું ચૂર્ણ વાપરવું હોય ત્યારે એનું ફળ લેવું અને ક્વાથ બનાવીને લેવાનો હોય ત્યારે એના મૂળનો ક્વાથ બનાવવો.