દ્રાક્ષ કેવી ખાવી, ક્યારે ખાવી ને કેટલી ખાવી?
(આયુર્વેદનું A tp Z - ડૉ. રવિ કોઠારી)એ કેટલેક અંશે સાચું જ છે; પરંતુ જો યોગ્ય રીતે, યોગ્ય આબોહવામાં એનું સેવન કરવામાં આવે તો એ ખૂબ ગુણકારી સાબિત થાય છે. ઉષ્ણપ્રદેશોમાં જ્યાં અતિશય ગરમી પડતી હોય ત્યાં દ્રાક્ષ વરદાનરૂપ ફળ છે. મોટા ભાગના લોકો સૂકી દ્રાક્ષ, મુનક્કા, બેદાણા, કિસમિસ એ બધું એક જ છે એમ સમજે છે; પણ એવું નથી. મુનક્કા દ્રાક્ષ કંઈક અંશે ભૂખરી અને કાળાશ પડતી હોય છે. બેદાણા એ કિસમિસ જેવી જ લાગે છે, પણ એ નાની હોય છે.
આપણે ત્યાં મુખ્યત્વે કાળી, જાંબુડી અને લીલી દ્રાક્ષ મળે છે. દ્રાક્ષના રંગ અનુસાર એમાં રહેલાં તત્વોમાં પણ વિવિધતા હોય છે. કાળી દ્રાક્ષમાં
ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ તરીકે કામ કરતાં ફ્લૅવેનૉઇડ્સ અને પૉલિફિનોલ્સ નામનાં કેમિકલ્સ મોટી માત્રામાં હોય છે, જે લોહીનું વહન કરતી નલિકાઓમાં જમા થયેલા ખરાબ કૉલેસ્ટરોલને ઘટાડે છે અને લોહીનું શુદ્ધીકરણ કરે છે.
સો ગ્રામ દ્રાક્ષમાં પૂરી સો કૅલરી હોય છે. એમાં રહેલી સિમ્પલ શુગરને કારણે કૅલરીની માત્રા વધી જાય છે એટલે ડાયાબિટીઝ અને મેદસ્વિતાની તકલીફ ધરાવતા લોકોએ જરાક સંભાળીને દ્રાક્ષનું સેવન કરવું હિતકર છે. જોકે કૅલરી ઉપરાંત એમાં પોટૅશિયમ, સોડિયમ, મૅન્ગેનીઝ તેમ જ ફૉસ્ફરસ જેવાં શરીર માટે ખૂબ જ જરૂરી એવાં ખનિજ તત્વો છે.
આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો કાચી તેમ જ પાકી દ્રાક્ષના ગુણધર્મો અલગ-અલગ હોય છે. પાકી દ્રાક્ષ મધુર, ઠંડી, અવાજ મધુર બનાવનારી, ગરમીનો કોઠો દૂર કરનારી છે. ર્વીયવર્ધક છે. તરસ, તાવ, વાયુ, શ્વાસ, કમળો અને રક્તપિત્ત મટાડનારી છે. કાચી દ્રાક્ષ ઓછી ગુણકારી છે. એ ગ્રાહી હોય છે એટલે લૂઝ મોશન થતા હોય તો થોડીક કાચી દ્રાક્ષ ખાઈ શકાય છે. ખાટી દ્રાક્ષ વધુ ખાવાથી રક્તપિત્ત કરે છે.
બાળકો છૂટથી દ્રાક્ષ ખાઈ શકે છે. એમાં રહેલી શુગરને કારણે તેમને ઇન્સ્ટન્ટ એનર્જી મળી રહે છે. ગરમી વધી રહી છે અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તડકામાં ફરવાને કારણે ડીહાઇડ્રેશનની તકલીફ થતી અટકે છે.
ઘણા લોકોને દ્રાક્ષ ખાવાથી પેટમાં ગરબડ કે કફ થઈ જાય છે. જોકે એ માટે તમે કેવી દ્રાક્ષ ખરીદો છો અને કઈ રીતે ખાઓ છો એ વધુ અગત્યનું છે. દ્રાક્ષ ખરીદતી વખતે એની ગુણવત્તાની ચકાસણી જરૂરી છે. વધુપડતી કડક અને એકદમ ઘેરા લીલા રંગની થોડીક કાચી હોય એવી દ્રાક્ષ લેવી નહીં. આવી કાચી દ્રાક્ષ ખાટી હોય છે. ગોળમટોળ દ્રાક્ષ કરતાં લંબગોળાકાર ધરાવતી પીળી ઝાંયવાળી લાંબી દ્રાક્ષ પાકી, મીઠી અને ગુણકારી હોય છે.
સુકાઈને ચીમળાઈ ગયેલા કે ચગદાઈને રસ નીકળતો હોય એવા દાણા ન લેવા. દ્રાક્ષ હંમેશાં લૂમમાં જ ખરીદવી. છૂટી પડી ગયેલી દ્રાક્ષ ફેરિયાઓ સસ્તી આપી દે છે, પણ એનાં મોં ખૂલી ગયા હોવાથી આસપાસના સૂક્ષ્મ જીવાણુઓ ખુલ્લા મોં વાટે અંદર જતા રહેવાની સંભાવનાઓ વધી જાય છે. ઝૂમખાના મોં પાસેથી સડવાની શરૂઆત થઈ ગઈ હોય એવી દ્રાક્ષ પણ ન લેવી. આજના જમાનામાં જંતુનાશકોનો વપરાશ વધ્યો છે એટલે દ્રાક્ષ હંમેશાં સહેજ હૂંફાળા ગરમ પાણીમાં બોળીને સાફ કરીને પછી જ ખાવી.
જે લોકો ફ્રિજમાં મૂકેલી દ્રાક્ષ કાઢીને તરત જ ખાય છે તેમને કફ થાય છે. બાકી દ્રાક્ષ ખાવામાત્રથી કફ થાય એવું નથી.