દમ મારો દમ

30 August, 2020 07:36 PM IST  |  Rajkot | Rashmin Shah

દમ મારો દમ

ઉડતા પંજાબ

બૉલીવુડ અને ડ્રગ્સની વાત નીકળે એટલે સંજય દત્ત સૌથી પહેલાં યાદ આવે, પણ હકીકત એ છે કે સંજય દત્તની વાત જાહેરમાં આવી છે એટલે બાબાને ભાંડવામાં આવે છે. રિયલિટી આનાથી વરવી છે. આજે બૉલીવુડના ૧૦માંથી ૭ સ્ટાર ડ્રગ્સનો નશો કરે છે. જો વાત સાચી હોય તો કહેવું પડે કે આ સ્ટાર બે જ કામ કરે છે; શૂટિંગ કરવું અને નશો કરવો

‘જો મને ગવર્નમેન્ટ તરફથી સિક્યૉરિટી મળે તો હું બૉલીવુડ સાથે જોડાયેલા ડ્રગ્સ-રૅકેટ અને ડ્રગ્સ-કાર્ટેલને ખુલ્લું કરવા તૈયાર છું.’
બે દિવસ પહેલાં કંગના રનોટે આ સંદર્ભની ટ્વીટ કરીને દેશભરને ધ્રુજાવી દીધું. દેશ ધ્રૂજ્યો અને બૉલીવુડ થથરી ઊઠ્યું. કારણ બહુ સ્પષ્ટ છે. બૉલીવુડમાં સરેરાશ ૧૦માંથી ૭ સ્ટાર એવા છે જેઓ કોઈ ને કોઈ રીતે ડ્રગ્સના બંધાણી છે અને નિયમિત ડ્રગ્સનું સેવન કરે છે. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સની વાત આવી અને રિયા ચક્રવર્તીની ચૅટ-હિસ્ટરીમાં ડ્રગ્સનો ઉલ્લેખ આવ્યા પછી બૉલીવુડના ડ્રગ્સ-સેવનની વાતો છાપરે ચડી છે, પણ સચ્ચાઈ તો એ છે કે આમાં કોઈ નવાઈ નથી. બૉલીવુડમાં ડ્રગ્સનું નિયમિત સેવન થઈ રહ્યું છે અને એ વાતને અમુક સ્ટાર્સ તો ગર્વ સાથે કહે છે તો અમુક પ્રોડ્યુસર તો માત્ર આને માટેની પાર્ટી અરેન્જ કરે છે અને એમાં બધા હોંશેહોંશે જોડાય છે. બૉલીવડુમાં મલ્ટિસ્ટારર ફિલ્મ બનાવી ચૂકેલા એક ગુજરાતી ડિરેક્ટર ઑફ ધ રેકૉર્ડ ‘મિડ-ડે’ને કહે છે કે ‘એ પાર્ટીમાં જવાનું ઇન્વિટેશન આવે એને ઇન્ડસ્ટ્રીમાં પ્રાઉડ તરીકે જોવામાં આવે છે. કહેવાનો અર્થ એ કે ડ્રગ્સ બૉલીવુડમાં સર્વસામાન્ય થઈ ગયું છે અને એ પણ ખાસ કરીને સ્ટાર્સ, ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સમાં. ટેક્નિશ્યન હજી પણ આ બધાથી દૂર રહી શક્યા છે, પણ કૅપેસિટી બહારની ઇન્કમ પર પહોંચી ગયેલા આ સૌ બેફામ રીતે ડ્રગ્સ લે છે અને એ લેવા માટેનાં તેમની પાસે કારણો પણ છે.’
ડ્રગ્સ ઊડીને આંખે વળગ્યું હોય એવું સૌથી પહેલી વાર સંજય દત્તના કારણે બહાર આવ્યું. એ સમયે પણ ડ્રગ્સ લેવાતું હતું, પણ એની બહુ ચર્ચાઓ નહોતી થતી. સંજય દત્તના ડ્રગ્સના વ્યસનને સુનીલ દત્તે સહજ રીતે સ્વીકાર્યું અને કહી પણ શકાય કે તેની પાસે બીજો કોઈ છૂટકો પણ નહોતો એટલે ડ્રગ્સ અને બૉલીવુડ-કનેક્શન બહાર આવવાનું શરૂ થયું. બાંદર પોલીસ-સ્ટેશનના એક સિનિયર ઑફિસર પોતાનું નામ ન આપવાની શરતે કહે છે, ‘પેડલર્સ આજના મોટા ભાગના સ્ટાર્સને ડાયરેક્ટ ઓળખે છે તો સ્ટાર્સનું પબ્લિક રિલેશન સંભાળતા અમુક લોકો પણ આ પ્રકારનું કામ અનડિરેક્ટલી કરે છે.’
તેઓ કહે છે, ‘રિયા ચક્રવર્તી અને પબ્લિક રિલેશન કંપની ચલાવતી જયા સહા વચ્ચેની જાહેર થયેલી ચૅટ આ જ વાતને ઉજાગર કરે છે. જયા સહા પાસે રિયા ચક્રવર્તી ડ્રગ્સની ડિમાન્ડ મૂકે છે અને જયા સહા તેને માટે અરેન્જમેન્ટ કરવાની તૈયારી પણ દર્શાવે છે. કંગના રનોટ કહે છે, ‘પોતાના ઈગોને સતત હાઈ રાખવા માટે બૉલીવુડને નશામાં રહેવાની આદત પડી ગઈ છે. આ ઇન્ડસ્ટ્રીના કહેવાતા સ્ટાર્સ કાં તો શૂટિંગ કરતા હોય છે અને કાં તો નશો કરતો હોય છે. આ બે જ કામ તેમની પાસે છે. મેં અગાઉ પણ આને વિશે જાહેરમાં કહ્યું છે, પણ ક્યારેય કોઈ ઍક્શન લેવાઈ નથી એ આપણે માટે શરમજનક વાત છે.’
તેઓ આગળ કહે છે, ‘બૉલીવુડમાં મોટા ભાગે નશો સ્ટાર્સ કરે છે એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે નશાની લતે એ જ ચડ્યા છે જેઓ પોતાની ફૅમિલી સાથે નથી રહેતા. ફૅમિલી સાથે રહેતા કે પછી ઘરે પેરન્ટ્સને જેણે ચહેરો દેખાડવાનો છે તે નશાની લતથી દૂર રહી શક્યા છે, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે નશાની લત પર તેઓ જ ચડ્યા છે જેમના મનમાં સતત ઇનસિક્યૉરિટી રહ્યા કરે છે. જો વાત સાચી હોય તો આંચકો આપનારી છે, પણ અત્યારના તબક્કે એ વાત શૅર કરવી જરૂરી છે. ડ્રગ્સના રવાડે એ જ ચડે છે જેને આલ્કોહૉલની લત લોહીમાં ભળી ગઈ છે. હા, આ ફેક્ટ છે. અત્યારે જેના અપમૃત્યુની વાતોએ આખો દેશ ધ્રુજાવી દીધો છે એ સુશાંતસિંહ રાજપૂતના જ અંગત મિત્રની વાત માનીએ તો સુશાંત અતિશય શરાબ પીતો અને એ પછી પણ તેને શરાબના નશાની કોઈ અસર થતી નહોતી, જેને લીધે સુશાંતે બીજા નશાના અખતરા શરૂ કર્યા હતા. આવું જ યુપીથી આવેલા એક જાણીતા ડિરેક્ટર સાથે પણ બન્યું હતું. એ ડિરેક્ટરને જો દારૂ પીવા બેસાડવામાં આવે તો તે એવી રીતે શરાબ પી જાય જાણે થમ્સઅપ કે મિરિન્ડા પીતો હોય. તેને લેશમાત્ર કિક નથી લાગતી. ગટરમોઢે દારૂ ઢીંચ્યા પછી પણ કિક લાગતી ન હોવાથી એ યુપીના ડિરેક્ટરે પોતાના ઘરે જ ડ્રગ્સના અલગ-અલગ કૉમ્બિનેશન બનાવીને રાખવાનું શરૂ કરી દીધું અને હવે એ પાર્ટીમાં ખુલ્લેઆમ નશાના આ બધા ઇલીગલ માલસામાન સૌકોઈની સામે ખુલ્લા મૂકી દે છે. મુંબઈમાં પોતાની ઍડ-એજન્સી ધરાવતા ‘એ’ ગ્રેડની માર્કેટિંગ કંપનીના ક્રીએટિવ હેડ ‘મિડ-ડે’ને કહે છે, ‘કોઈને ડર નથી કે પોલીસ પાસે વાત પહોંચશે તો શું થશે? આ ડર નહીં હોવાનું કારણ એ છે કે ટેન્શન રહે નહીં એટલે અમુક સ્ટાર્સ તો પોલીસ-ઑફિસરની ઓળખાણવાળા પેડલર્સ પાસેથી જ પોતાનો માલ ખરીદે છે. ક્વૉલિટીની બાબતમાં પણ તેમને નિરાંત રહે અને ગેરકાયદે એવી આ પ્રવૃત્તિમાં ફસાવાની પણ ચિંતા રહે નહીં. એવું નથી કે ડ્રગ્સ માત્ર નશો કરવાના હેતુથી જ લેવામાં આવે છે. કેટલાંક ડ્રગ્સ એવાં પણ છે જેનો ઉપયોગ સ્ટાર્સ પોતાની જરૂરિયાત મુજબ કરે છે. હા, આ હકીકત છે.’
કેટલાક સ્ટાર્સ એવા છે કે તેમણે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડ્રગ્સને પોતાની લાઇફમાં ઍડ કરી દીધું છે. ડ્રગ્સની વાત નીકળે ત્યારે જો તમે એમ માનતા હો કે વાત અહીં ચરસ અને ગાંજાની જ ચાલે છે તો તમે ભૂલ કરો છો. અમુક ડ્રગ્સ એવાં છે જેનો ઉપયોગ મેડિકલ ફીલ્ડ માટે થતો હોય છે. ઇન્ડિયામાં એને માટે પરમિશન પણ નથી અને એ પછી પણ એનો ઉપયોગ ડ્રગ્સના ફૉર્મેટમાં સ્ટાર્સની પાર્ટીઓમાં થતો રહે છે. પાર્ટીઓની વાતો પર આવતાં પહેલાં જરૂરિયાત સાથે જોડાયેલા ડ્રગ્સની વાત કરીએ તો એમાં સૌથી આગળના ક્રમે મેફાડ્રોન નામનું ડ્રગ્સ આવે છે. આ ડ્રગ્સનું કામ જગાડી રાખવાનું છે. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે ફલાણા સિંગરે છેલ્લા ૭ દિવસમાં ૯ જગ્યાએ કૉન્સર્ટ કરી અને એ પછી પણ તેની એનર્જીમાં કોઈ ફરક નથી પડ્યો. આ એની એનર્જીની કમાલ નથી, આ કમાલ છે આ પ્રકારના ડ્રગ્સની. પાણી સાથે લેવામાં આવતું આ ડ્રગ્સ માત્ર ૧૦ જ મિનિટમાં તમને નવેસરથી એવી એનર્જી આપી દે છે જે તમને ભરપેટ ઊંઘ કર્યા પછી પણ આવતી હોય છે.
શરીર ઉતારવા માગતા સ્ટાર્સ માટે પણ એક ડ્રગ્સ છે. વિરોકેટ નામનું આ ડ્રગ્સ લીધા પછી તમને ૪૮ કલાક સુધી જમવાની જરૂર નથી પડતી. રાતોરાત ૧૬ વર્ષની કન્યા જેવું શરીર કરીને સૌકોઈને ઇમ્પ્રેશ કરી દેનારા કે ૩૬ ઇંચની કમરમાંથી ટીનેજર જેવી કમર સાથે જાહેરમાં આવતા સ્ટાર્સ આ ડ્રગ્સનો ઉપયોગ કરે છે. એક વાત વારંવાર કહેવાનું મન થાય કે આ ડ્રગ્સનું સેવન પ્રતિબંધિત છે અને એ સરળતાથી મળતું નથી. સૂવા નહીં દેનારા કે પછી ઊંઘની આવશ્યકતા ઝીરો-લેવલ પર મૂકી દેનારા ડ્રગ્સની કિંમતની વાત કરીએ તો એક ગ્રામ મેફાડ્રોનનો અંદાજે ભાવ ૮૦૦૦ રૂપિયા છે અને એ મિનિમમ પાંચ ગ્રામ જ મળે છે. વિરોકેટ નામના ડ્રગ્સની જે વાત કરી એ ડ્રગ્સની જો ટૅબ્લેટ મળી ગઈ તો એ એક ટૅબ્લેટનો ભાવ ૧૬૦૦ રૂપિયા છે અને જો એનો શુદ્ધ પાઉડર મળ્યો તો પાંચ ગ્રામ વિરોકેટ પાઉડરનો ભાવ ૭૦૦૦ રૂપિયા જેવો મૂકવામાં આવે છે. મહારાષ્ટ્ર પોલીસ સાથે સંકળાયેલા એક એક્સ-પોલીસમૅન કહે છે, ‘લૉકડાઉનમાં જો સૌથી વધારે મોંઘું કંઈ થયું હોય તો એ આ ડ્રગ્સ હતાં. ૨૦૦ ગણાથી ૧૦૦૦ ગણા ભાવ એના થયા અને સેલિબ્રિટીએ એ ચૂકવ્યા પણ ખરા. લૉકડાઉનમાં સેલિબ્રિટી અપસેટ રહ્યા એ પાછળ આ ડ્રગ્સ અને એનું હેવી પેમેન્ટ પણ અમુક અંશે જવાબદાર રહ્યાં છે.’
વાત ખોટી નથી. મમ્મી-પપ્પા નામનું એક ડ્રગ્સ એવું છે જેને સિગારેટમાં પીવાનું હોય છે. પહેલાં મમ્મીને એક સિગારેટમાં ભરીને એ સિગારેટ પીવાની અને એ પછી પપ્પા ડ્રગ્સને એક સિગારેટમાં ભરીને એ પીવાની. આ મમ્મી-પપ્પાનો જોટો ૬૦,૦૦૦ રૂપિયામાં લૉકડાઉનમાં વેચાતો હતો, જેનો લૉકડાઉન પહેલાં ભાવ ૧૦,૦૦૦ રૂપિયા હતો. મમ્મી-પપ્પાના જોટામાં બન્ને ડ્રગ્સ માત્ર બબ્બે ગ્રામ આવતાં હોય છે. એક ડ્રગ્સ છે જેનું ફૉર્મ્યુલેશન કોકેનમાંથી તૈયાર થાય છે. તિલ (એટલે કે તલ)ના નામે એ ઓળખાય છે. આ તિલને તૈયાર કરતી વખતે એમાં આછોઅમસ્તો ચૂનો ઉમેરવાનો હોય અને પછી એને તલથી સહેજ મોટી ગોળી બનાવીને જીભ નીચે મૂકવાની હોય. લૉકડાઉનમાં એક સ્ટારના ઘરમાં તિલ તો હતું, પણ એને પ્રૉબ્લેમ આવ્યો એ ચૂનાનો આવ્યો. એક પોલીસ-ઇન્ફર્મરના કહેવા મુજબ, કરોડો રૂપિયામાં ફી લેતા એ સ્ટારે પોતાના અપાર્ટમેન્ટની ગૅલરીની દીવાલ ખોતરીને એમાંથી ચૂનો કાઢીને તિલની ગોળી બનાવીને પોતાની તલબને સંતોષી હતી.
બોક્સઃ
બોક્સઃ
આ નામ આવ્યાં ક્યાંથી?
અમુક ડ્રગ્સનું સંયોજન જાહેર ન થાય એવા હેતુથી એનું નામકરણ કરવામાં આવ્યું છે તો ફોનકૉલ્સ કે ચૅટમાં વાત સમજાય ન જાય એવી ગણતરીથી પણ ડ્રગ્સનાં નામ બદલી નાખવામાં આવે છે. મમ્મી-પપ્પા ડ્રગ્સની વાત તમે વાંચી તો તિલ વિશે પણ તમે વાંચ્યું. આ ઉપરાંત મ્યાઉં નામનું પણ એક ડ્રગ છે, જે બે ડ્રગ્સને ભેગાં કરીને તૈયાર કરવામાં આવ્યું છે તો કૅટ, ડૉગી, ટોમી, ડાર્ક હૉર્સ જેવાં નામનો ઉપયોગ પણ ડ્રગ્સ માટે કરવામાં આવે છે. એક પેડલરના કહેવા મુજબ, આ બધાં નામ એવાં છે જે ચૅટમાં વાંચવામાં આવે કે પછી ફોનકૉલનું રેકૉર્ડિંગ કરવામાં આવે ત્યારે પણ એનું અર્થઘટન જુદી રીતે કરવામાં આવે અને વાતમાંથી છટકી શકાય, પુરવાર ન થાય કે વાત અહીં ડ્રગ્સની થઈ રહી છે. એક સ્ટાર અને પેડલર એટલે કે ડ્રગ્સ પહોંચાડવાનું કામ કરતી વ્યક્તિ વચ્ચેની સાચી ચૅટ વાંચવા જેવી છે, એ વાંચશો તો સમજાશે કે વાતચીત કઈ રીતે થાય છે.

હાય, ક્યા હાલ હૈ?
કુછ નહીં સર. આપ બતાઓ.
મ્યાઉં ક્યા કર રહી હૈ...
અરે બાત હી મત પૂછો. લૉકડાઉન મેં બહોત ભાગ રહી હૈ... હાથ મેં હીં નહીં હૈ...
હંઅઅઅ...
ડૉગી તો દિખતા હી નહીં હૈ, લૉકડાઉન મેં.
મમ્મી-પાપા મઝે મેં?
હા... ચલતા હૈ... અભી તો શાંત હૈ પર પતા નહીં, કબ ખફા હો જાએ.
ભેજો હમારે ઘર... મિલ કે બાતેં કરેંગે...
ઠીક હૈ સર, મૈં હી લેકર આતા હૂં...
આઓ... ઔર ટોમી તો શાંત હૈના.
વૈસે કાટતા હૈ પર આપકો તો પહચાનતા હૈના...
ઉસે ભી લે આના...
બિસ્કિટ રેડી રખના, લૉકડાઉન મેં બહોત ખાતા હૈ...
હંઅઅઅ... ઠીક હૈ... 

બારાતીઓં કા સ્વાગત... 

હાઉસ-પાર્ટીમાં વપરાતાં ડ્રગ્સની સપ્લાયનાં બિલ લાખો રૂપિયામાં આવતાં હોય છે. આવી જ એક પાર્ટીમાં ગયેલા એક ફિલ્મસ્ટાર કહે છે કે ત્યાં પીરસાતું પાણી પણ કોકેનવાળું હોય છે. કોકેન સૌથી મોંઘું ડ્રગ્સ છે, એની ક્વૉલિટીને કારણે નહીં, પણ બૉલીવુડમાં એની ડિમાન્ડને કારણે. હેરોઇન, ચરસ, ગાંજો પણ મોંઘાં છે તો સાથોસાથ અલગ-અલગ પ્રકારના સ્ટેરૉઇડનો પણ પાર્ટીમાં ઉપયોગ થાય છે. અમુક ડ્રગ્સ એવાં પણ છે જે બે કે બેથી વધુ ડ્રગ્સના મિશ્રણ સાથે તૈયાર થાય છે. આ ડ્રગ્સનો ઉપયોગ પણ પાર્ટીમાં થાય છે. પાર્ટીમાં વપરાતાં ડ્રગ્સનાં પેમેન્ટ લાખો રૂપિયા સુધી પહોંચે છે. જો સાચું માનો તો, મુંબઈના એક જાણીતા પોલીસ-ઑફિસરના કહેવા મુજબ, બૉલીવુડ દર વર્ષે કરોડો રૂપિયાનું ડ્રગ્સ શરીરમાં ઠાલવે છે. એ ઑફિસર કંગનાની વાત સાથે સહમત પણ થાય છે. મોટા ભાગના સ્ટાર્સ બે જ કામ કરે છે; શૂટિંગ કરવાનું અને નશામાં રહેવાનું.

bollywood bollywood news bollywood gossips Rashmin Shah rajkot