શું તમને એક ચોક્કસ અવસ્થામાં માથું રાખવાથી ચક્કર આવે છે?

16 March, 2014 10:54 AM IST  | 

શું તમને એક ચોક્કસ અવસ્થામાં માથું રાખવાથી ચક્કર આવે છે?




(મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા ભટ્ટ)

બાળપણમાં આપણે ચકડોળમાં બેસીએ ત્યારે આપણી આસપાસની દુનિયા ૩૬૦ ડિગ્રી ગોળ ફરતી દેખાતી અને આપણને મજા આવતી; પરંતુ મોટા થયા બાદ શું હજી પણ તમને ક્યારેક માત્ર બેઠાં-બેઠાં, અચાનક સૂઈને ઊઠયા બાદ કે પછી ઉપર-નીચે જોયા બાદ જાણે દુનિયા એક મોટો મેરી-ગો-રાઉન્ડ હોય એવો અનુભવ થાય છે? આ સવાલનો જવાબ હા હોય તો શક્ય છે કે તમે બિનાઇન પૅરોસિસ્મલ પોઝિશનલ વર્ટિગો નામની બીમારીનો શિકાર છો. ડોન્ટ વરી, સાંભળવામાં ભારેભરખમ લાગતી આ બીમારી વાસ્તવમાં એટલી જોખમી નથી. હા, એ જરૂર છે કે ટૂંકાણમાં BPPV તરીકે ઓળખાતી આ બીમારી તમારા પર ત્રાટકે ત્યારે તમારું માથું હલકું થઈ ભમવા માંડે છે, જેને પગલે પડવા-આથડવાનો ભય સદા તમારા પર લટક્યા કરે છે.

BPPV કઈ બલાનું નામ છે?

મોટા ભાગના લોકો ચક્કરનો સંબંધ માથા કે મગજ સાથે જોડે છે, પરંતુ વાસ્તવમાં BPPVનું કારણ કાનના અંદરના ભાગમાં થતી ગરબડ છે. આ વિશે વાત કરતાં કાંદિવલી ખાતેના જાણીતા ચ્ફ્વ્ સ્પેશ્યલિસ્ટ ડૉ. ભરત જોબનપુત્રા કહે છે, ‘આપણા કાનના એકદમ અંદરના ભાગમાં સેમી-સક્યુર્‍લર કનૅલ રહેલી છે, જેમાં એન્ડોલિમ્ફ નામનું પ્રવાહી છે. આ પ્રવાહીમાં કૅલ્શિયમના નાના-નાના બૉલ્સ રહેલા હોય છે, જે ઓટોકેનિયા તરીકે ઓળખાય છે. આ બૉલ્સનું કામ એન્ડોલિમ્ફમાં ફરી શરીરનું બૅલૅન્સ જાળવવાનું છે. આપણે માથું ફેરવીએ છીએ ત્યારે આ બૉલ્સ એના એક ચોક્કસ સ્થાનેથી હટી બીજા ચોક્કસ સ્થાને પહોંચી મગજને યોગ્ય સંદેશ મોકલે છે, જેના આધારે મગજ શરીરને પોતાનું બૅલૅન્સ જાળવવાનો સંદેશ આપે છે, પરંતુ BPPVના દરદીઓના કિસ્સામાં આ બૉલ્સ પોતાના સ્થાનેથી હટી ખોટા ભાગમાં પહોંચી જાય છે. પરિણામે ખોટું સિગ્નલ મળતાં કન્ફ્યુઝ્ડ થઈ ગયેલું મગજ આખા શરીરના સંતુલનને ખોટો સંદેશો મોકલી આપે છે અને દરદીને આખી દુનિયા મેરી-ગો-રાઉન્ડ હોવાનો અનુભવ થાય છે એટલે કે ચક્કર આવે છે.’

એમાં થાય શું?

આમ તો BPPV થવાની કોઈ વયમર્યાદા નથી, છતાં મોટા ભાગના કિસ્સામાં એ ૬૦ કે એનાથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. એકલા અમેરિકામાં દર વર્ષે લગભગ ૭૦ લાખ લોકો ચક્કર આવતાં હોવાની સમસ્યા સાથે ડૉક્ટરની મુલાકાત લે છે, જેમાંથી લગભગ ૧૭-૪૨ ટકા લોકો BPPVનો શિકાર હોવાનું નોંધવામાં આવ્યું છે. BPPVનો મુખ્ય પ્રભાવ પલંગમાં સૂતાં-સૂતાં પડખાં ફેરવતી વખતે કે પછી ઉપર-નીચે જોવા માથું ફેરવતી વખતે જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં માથામાં ઈજા બાદ પણ BPPVની બીમારી થઈ હોવાનું જોવા મળ્યું છે. સતત ઓછી ઊંઘ લેનારી તથા સતત તાણનો અનુભવ કરનારી વ્યક્તિને આ બીમારી લાગુ પડવાની સંભાવના વધુ રહે છે. અહીં નોંધનીય છે કે કેટલાક કિસ્સામાં હવામાનમાં થતાં ફેરફાર અને બૅરોમેટ્રિક પ્રેશરના ઘટાડાને પગલે પણ લોકો BPPVનો શિકાર બનતા હોય છે. આ ઘટના સામાન્ય રીતે વરસાદ કે બરફ પડવાના બે-ત્રણ દિવસ અગાઉ બને છે. આવા દરદીઓ તેમનાં સગાંવહાલાં માટે હવામાન વિભાગનું કામ કરી શકે છે, કારણ કે આવા દરદી પર BPPVનો હુમલો થાય તો સમજી લેવું કે બે-ત્રણ દિવસમાં વરસાદ કે બરફ પડવાની સંભાવના છે. કાનની અંદરના ભાગમાં થયેલી ગંભીર ઈજા કે પછી ક્યારેક માઇગ્રેન અને ઊલટીની ફરિયાદ કરતા દરદીઓમાં પણ મુખ્ય બીમારી અંતે BPPV હોવાનો નિષ્કર્ષ નીકળે છે. આ બીમારીનો હુમલો સામાન્ય રીતે એકથી બે મિનિટ સુધી ટકે છે, ત્યાર બાદ મોટા ભાગે વ્યક્તિને કશું કર્યા વિના જાતે જ સારું લાગવા માંડે છે. અલબત્ત, ગંભીર પ્રકારના હુમલામાં દરદીને ઊલટી થયાનું પણ જોવા મળે છે.

ખબર શી રીતે પડે? 

આ માટે સૌથી સામાન્ય ટેસ્ટ ડિક્સ-હોલપાઇક નામની ટેસ્ટ છે. આ ટેસ્ટમાં ડૉક્ટર તમારા માથાને અમુક ચોક્કસ દિશામાં ફેરવે છે, જેનાથી માથામાં વર્ટિગોની અસર ઉન્પન્ન થાય છે. આ સમયગાળા દરમ્યાન ડૉક્ટર તમારી આંખને બારીકાઈથી તપાસી એના આધારે BPPVનું નિદાન કરે છે. અલબત્ત, આ ટેસ્ટ પછી પણ ડૉક્ટરને ખાતરી ન હોય કે દરદીને BPPV છે કે નહીં તો એના માટેની અન્ય ટેસ્ટ પણ ઉપલબ્ધ છે. આવી એક ટેસ્ટ છે ઇલેક્ટોનિસ્ટ્રોમોગ્રાફી. આ ટેસ્ટમાં દરદીના ચહેરા પર જુદા-જુદા સ્થાને વાયર લગાડવામાં આવે છે. આ વાયર દરદીની આંખની મૂવમેન્ટને તપાસે છે, કારણ BPPVમાં આંખની મૂવમેન્ટ કાનના એકદમ અંદરના ભાગમાં થતી સંવેદનાને પગલે થતી હોય છે. ઘણા કિસ્સામાં વર્ટિગોની અસર કાનની અંદર કયા ભાગમાં થઈ રહી છે એ સ્થાન પણ આ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. આ ઉપરાંત મૅગ્નેટિક રેઝોનન્સ અને માથાના CT સ્કૅન વડે પણ વર્ટિગોની તપાસ કરી શકાય છે. આ જ પ્રકારે ઇનર ઈયરથી મગજ સુધી જતાં અવાજનાં મોજાંમાં કોઈ અવરોધ છે કે નહીં એની જાણકારી કાનની સાઉન્ડ ટેસ્ટ વડે પણ કરી શકાય છે.

કેટલીક કસરતોની જરૂર

જોકે વર્ટિગોના આ પ્રકારથી પીડાતા દરદીઓ માટે સારા સમાચાર એ પણ છે કે એની સારવાર આપણે ધારીએ છીએ એટલી મુશ્કેલ નથી. માત્ર કેટલીક કસરતો તમને આ બીમારીમાંથી આસાનીથી છુટકારો અપાવી શકે છે. આ કસરતો કૅનેલિથ રીપોઝિશનિંગ પ્રોસીજર તથા સેમોન્ટ મનુવરના નામે ઓળખાય છે. વાંચવામાં કોઈ મોટી સારવાર કે સર્જરી જેવાં લાગતાં આ નામો ખરેખર તો BPPVમાંથી છુટકારો મેળવવાની કસરતો માત્ર છે, જે તમારે પ્રોફેશનલ થેરપિસ્ટ પાસે શીખવી પડે છે, પરંતુ ત્યાર બાદ તમે સરળતાથી ઘરે પ્રૅક્ટિસ કરી શકો છો. ઘ્ય્ભ્ અથવા કૅનેલિથ રીપોઝિશનિંગ પ્રોસીજરમાં કાનની અંદર રહેલા કૅલ્શિયમ બૉલ્સને વર્ટિગો જ્યાંથી ટ્રિગર થાય છે એ સ્થાનથી માત્ર ખસેડી દેવામાં આવે છે. અલબત્ત, સેમોન્ટ મનુવર તમારે કોઈ પ્રોફેશનલ થેરપિસ્ટ પાસે જ કરાવવું પડે છે, પરંતુ એનો દરદીને સાજા કરવાનો રેશિયો લગભગ ૯૦ ટકા છે. કેટલાક જૂજ કિસ્સામાં દરદીને કસરત ઉપરાંત બાહ્ય દવાઓ પણ આપવી પડે છે, જોકે એની જરૂર ભાગ્યે જ પડે છે.

નામ મેં ક્યા રખા હૈ?

ડૉ. ભરત જોબનપુત્રા કહે છે, ‘આ રોગના મસમોટા નામથી ગભરાવાની જરાય જરૂર નથી, કારણ મોટા ભાગના કિસ્સાઓમાં આ બીમારી કોઈ ગંભીર સ્વરૂપ ધારણ કરતી નથી, બલ્કે બે-ચાર-છ મહિનામાં કંઈ કર્યા વિના જાતે જ જતી રહે છે. જોકે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે BPPV ત્યારે જ થયું કહેવાય જ્યારે દરદીને દરેક વખતે એક ચોક્કસ અવસ્થામાં માથું રાખવાથી જ ચક્કર આવે છે. જેવું માથું ફેરવી નાખો એવાં ચક્કર આવવાનાં બંધ થઈ જાય છે એટલું જ નહીં, એ જ અવસ્થામાં માથું રાખવા છતાં દુનિયા જાણે ચકર-ચકર ફરી રહી છે એવો અહેસાસ બે-ત્રણ મિનિટમાં જાતે જ બંધ થઈ જાય છે. તેથી જો તમને એ જ અવસ્થામાં માથું બે-ત્રણ મિનિટથી વધુ સમય રાખ્યા બાદ પણ ચક્કર આવવાનાં બંધ ન થાય તો એ સમજી લેવું કે આ BPPV નથી, કંઈ બીજું છે, જેની યોગ્ય તપાસ માટે નિષ્ણાત ડૉક્ટર પાસે તરત જ પહોંચી જવું જોઈએ.

ગભરાતા નહીં

કોઈના મનમાં એવો પ્રશ્ન ઊભો થાય કે BPPVથી પીડાતા દરદી આવી વિચિત્ર બીમારી સાથે જીવી જ કેવી રીતે શકે? તો જરા આગળ આપેલી સૂચિ પર એક નજર ફેરવી લો. માઇકલ જૅક્સનની બહેન અને સિંગર જેનેટ જૅક્સન, હૉલીવુડ સ્ટાર નિકોલસ કેજ પણ આ રોગનો શિકાર છે. એવી જ રીતે કહેવાય છે કે વિશ્વવિખ્યાત પેઇન્ટર સ્વર્ગસ્થ વિન્સેન્ટ વાન ગોગ પણ BPPVનો ભોગ બન્યા હતા. એટલું જ નહીં, અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના પ્રસિદ્ધ અવકાશયાત્રી ઍલન શેફર્ડ તો BPPVના દરદી હોવા છતાં અવકાશયાત્રા સુધ્ધાં કરી આવ્યા છે. તો નેકસ્ટ ટાઇમ જ્યારે તમને ચક્કર આવી જાય તો ગભરાતા નહીં. ચક્કરની ફરિયાદ કરતા લોકો ઘણી મોટી સંખ્યામાં ડૉક્ટર પાસે આ જ રોગનો ઇલાજ કરવા આવતા હોય છે. તેથી જરાય ગભરાયા વિના મસ્ત રહો, ડૉક્ટરે સૂચવેલી કસરતો કરતા રહો અને દુનિયાના મસ્ત મજાના મેરી-ગો-રાઉન્ડની મજા માણતા રહો.

નાસા - NASA = નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન CT = કમ્પ્યુટેડ ટોમોગ્રાફી