યુટ્યુબ સ્ટારે ટૂથપેસ્ટ લગાવેલું બિસ્કિટ ખવડાવતાં થઈ દોઢ વર્ષની જેલ

05 June, 2019 09:42 AM IST  | 

યુટ્યુબ સ્ટારે ટૂથપેસ્ટ લગાવેલું બિસ્કિટ ખવડાવતાં થઈ દોઢ વર્ષની જેલ

ટૂથપેસ્ટ લગાવેલું બિસ્કિટ ખવડાવતાં થઈ દોઢ વર્ષની જેલ

અળવીતરું કામ કરીને યુટ્યુબ પર ચમકી જવાનો અભરખો ધરાવતા લોકો માટે આંખ ખોલી નાખતી એક ઘટના સ્પેનમાં બની છે. રેન નામના યુટ્યુબરે એક બેઘર વ્યક્તિની મજાક ઉડાડવામાં હદ વટાવી નાખી હતી. બાર્સેલોનામાં બનેલી આ ઘટના છે, જેમાં રેનભાઈએ એક ઓરિયો બિસ્કિટનું પૅકેટ ખરીદ્યું. એમાંથી ક્રીમ ખાઈ લઈને બિસ્કિટની વચ્ચે ટૂથપેસ્ટ ચોપડી દીધી, એટલું જ નહીં, બિસ્કિટનું પૅકેટ પાછું હતું એમ ને એમ બંધ પણ કરી દીધું.

આવાં ટૂથપેસ્ટવાળાં બિસ્કિટ ભાઈએ રસ્તા પર રહેતા જ્યૉર્જ નામના એક બેઘરને આપી દીધું. જ્યારે પેલો ભૂખ્યો માણસ એ બિસ્કિટ ખાઈ રહ્યો હતો ત્યારે રેનભાઈ એનો વિડિયો ઉતારી રહ્યા હતા. એક-બે બિસ્કિટ ખાધા પછી પેલા ગરીબ માણસને ઊબકા આવવા લાગ્યા એટલે તેણે પૅકેટ ફેંકી દીધું. આ ઘટના વખતે વિડિયોમાં ભાઈસાહેબ બોલતા સંભળાય છે કે ‘કદાચ મેં હદ વટાવી દીધી છે, પણ કદાચ આ સ્પેશ્યલ બિસ્કિટથી ગરીબ માણસના દાંત સાફ થઈ ગયા. તેણે દાંત સાફ કરવા ડેન્ટિસ્ટ પાસે નહીં જવું પડે.’

આટલી ભદ્દી મજાક પછી પણ તેનું મન ન ભરાયું એટલે તેણે આ વિડિયો પોતાની ચૅનલ ઉપરાંત અન્ય સોશ્યલ મીડિયામાં પણ તરતો મૂક્યો. વાઇરલ થઈ ગયેલા આ વિડિયો પછી પોલીસની આંખ ઊઘડી. રેનને શોધીને તેની ધરપકડ કરી અને કોર્ટમાં કેસ ચાલ્યો. અમાનવીય વ્યવહાર બદલ તેને દોઢ વર્ષની જેલની સજા થઈ, એટલું જ નહીં, ૨૨,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૧૫ લાખ રૂપિયાનો દંડ અને આગામી પાંચ વર્ષ સુધી યુટ્યુબ ચૅનલ સહિત અન્ય સોશ્યલ મીડિયામાં અકાઉન્ટ ખોલીને ઍક્ટિવ થવા પર પણ પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો.