જિનપિંગ રશિયા જશે, યુક્રેનના યુદ્ધનો અંત લાવવા પ્રયાસ કરશે

18 March, 2023 10:56 AM IST  |  Beijing | Agency

દરમ્યાન અમેરિકાએ જિનપિંગ અને પુતિનની મીટિંગને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે એ યુક્રેનમાં ‘રશિયન વિજયની બહાલી’ તરીકે યુદ્ધવિરામની હાકલનો વિરોધ કરશે

શી જિનપિંગ

ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે મહત્ત્વની વાતચીત કરવા માટે સોમવારે રશિયા જશે. ચીનના વિદેશ મંત્રાલયે ગઈ કાલે આ જાણકારી પૂરી પાડી હતી. નોંધપાત્ર છે કે જિનપિંગ યુક્રેનના યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ મંત્રણા શરૂ કરાવવા ઇચ્છે છે. આ યુદ્ધનો અંત કરાવવા માટે મંત્રણા શરૂ કરાવવા દુનિયાના અનેક દેશો ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે ત્યારે જિનપિંગ મંત્રણા શરૂ કરાવીને બાજી જીતવા માગતા હોય એમ જણાય છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઅ ચુનયિંગે જાહેર કર્યું હતું કે ‘રશિયન ફેડરેશનના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના આમંત્રણથી પ્રેસિડન્ટ ​શી જિનપિંગ ૨૦થી ૨૨મી માર્ચ દરમ્યાન રશિયાની મુલાકાત લેશે.’ એવી અટકળો છે કે પુતિનના ખાસ મિત્ર જિનપિંગ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે રશિયા અને યુક્રેનની વચ્ચે શાંતિ મંત્રણા શરૂ કરાવવા માટે પ્રયાસ કરી શકે છે. તેઓ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીની સાથે પણ ફોન પર વાતચીત કરે એવી શક્યતા છે.

દરમ્યાન અમેરિકાએ જિનપિંગ અને પુતિનની મીટિંગને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે એ યુક્રેનમાં ‘રશિયન વિજયની બહાલી’ તરીકે યુદ્ધવિરામની હાકલનો વિરોધ કરશે.

international news china