28 July, 2025 07:03 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
સુમીરા રાજપૂત
પાકિસ્તાનના સિંધના ઘોટકી જિલ્લાના બાગોવાહ વિસ્તારમાં ટિકટૉક કન્ટેન્ટ ક્રીએટર સુમીરા રાજપૂત તેના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. બળજબરીથી લગ્ન અને ઝેર આપવાના આરોપો સપાટી પર આવતાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટના પાકિસ્તાનમાં માનવાધિકારની બગડતી પરિસ્થિતિનું ઉદાહરણ છે અને મહિલાઓ અને ડિજિટલ સર્જકો સામે થતી હિંસાને ઉજાગર કરે છે.
ઘોટકી જિલ્લા પોલીસ અધિકારી અનવર શેખે પુષ્ટિ આપી હતી કે ‘સુમીરા રાજપૂતની ૧૫ વર્ષની પુત્રીએ દાવો કર્યો છે કે તેની માતાને એવી વ્યક્તિઓ દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું જેઓ લાંબા સમયથી બળજબરીથી લગ્ન માટે દબાણ કરી રહી હતી. પુત્રીએ આરોપ લગાવ્યો હતો કે તેની માતાને ઝેરી ગોળીઓ આપવામાં આવી હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.’
આરોપોની ગંભીરતા હોવા છતાં કોઈ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો નથી અને પોલીસ કહે છે કે તેઓ હજી પણ તપાસ કરી રહ્યા છે. બે વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે, પરંતુ અધિકારીઓએ હજી સુધી કોઈ કારણની પુષ્ટિ કરી નથી જેને કારણે પોલીસની ઉદાસીનતા અને મહિલા અધિકારોના રક્ષણમાં તાકીદના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.