ટ્રમ્પ સામે આરોપો ઘડાયા, હવે તેમનું શું થશે?

10 June, 2023 09:12 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સેંકડો સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ ઘરે લઈ જવાના સંબંધમાં આરોપ મૂકવામાં આવ્યા, શું તેમની ધરપકડ થશે? શું તેઓ પ્રેસિડન્ટની ચૂંટણી લડી શકશે? આ રહ્યા આ સવાલોના જવાબ

ડોનાલ્ડ ટ્રમ્પ તસ્વીર મિડ-ડે ગુજરાતી

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં મુકાય એવી શક્યતા છે. તેઓ વાઇટ હાઉસ છોડીને ગયા એ પછી તેમના ઘરે સેંકડો સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ લઈ જવાયા હોવાની તપાસના સંબંધમાં તેમની વિરુદ્ધ આરોપ મૂકવામાં આવ્યા છે.

હવે ફરિયાદ પક્ષે કોર્ટમાં તેમનો કેસ પુરવાર કરવો રહ્યો. ટ્રમ્પની લીગલ ટીમે ગંભીર આરોપો અને પુરાવાને પડકાર્યા છે. ફ્લોરિડાની જ્યુરીને એનો ચુકાદો આપતાં કે આ કેસમાં સમાધાન થાય એના માટે મહિનાઓ કે વર્ષો લાગી શકે છે.

આ કેસ શેનો છે?

ટ્રમ્પે જાન્યુઆરી ૨૦૨૧માં વાઇટ હાઉસ છોડ્યું એના પછી તેમણે કે તેમની નજીકના લોકોએ સીક્રેટ ડૉક્યુમેન્ટ્સને ખોટી રીતે રાખ્યા હતા કે પછી જ્યારે સરકારે એમને પાછા મેળવવાની કોશિશ કરી ત્યારે તેમણે અવરોધ ઊભો કર્યો હોવાના આરોપસર તપાસ થઈ રહી છે. પ્રેસિડન્ટના રેકૉર્ડ્સ વિશેના વિવાદને કારણે આખરે ગયા વર્ષે ઑગસ્ટમાં ફ્લોરિડામાં આ ભૂતપૂર્વ પ્રેસિડન્ટના ઘરની એફબીઆઇ દ્વારા ઐતિહાસિક રીતે સર્ચ કરવામાં આવી હતી, જેમાં વિદેશોની ન્યુક્લિયર ક્ષમતા વિશેની માહિતી સહિતના સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ મેળવવામાં આવ્યા હતા.

આરોપો શું છે?

ટ્રમ્પની વિરુદ્ધ ગેરકાયદે સરકારી સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ રાખવાનો, ન્યાયમાં અવરોધ તેમ જ કાવતરા સહિત સાત આરોપો મૂકવામાં આવ્યા છે.

શું ટ્રમ્પની ધરપકડ થશે?

ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ મંગળવારે બપોરે ત્રણ વાગ્યે મિયામીમાં અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાતે હાજર થશે. એનો અર્થ એ થયો કે તેમની ધરપકડ નહીં થાય. ટ્રમ્પ ઑલરેડી સતત યુએસ સીક્રેટ સર્વિસ પ્રોટેક્શન હેઠળ છે.

શું પ્રેસિડન્ટની ચૂંટણી લડી શકશે?

ટ્રમ્પ પ્રેસિડન્ટની ચૂંટણી લડી શકશે, પછી ભલેને તેમની સામે આરોપો ઘડવામાં આવ્યા કે પછી ભલેને તેમને દોષી પુરવાર કરવામાં આવે.

૨૦૨૪ની ચૂંટણી પહેલાં સુનાવણી થશે?

એનો આધાર કયા ફેડરલ જજને આ કેસ સોંપવામાં આવશે એના પર રહેલો છે. ટ્રમ્પ તરફથી ચૂંટણી સુધી ટ્રાયલ ડિલે કરવાના પ્રયાસો થશે. બીજી તરફ ફરિયાદ પક્ષ તરફથી તો એવા જ પ્રયાસો થશે કે પ્રેસિડન્ટની ચૂંટણી માટે નોમિનેશન થાય એ પહેલાં આ કેસમાં સુનાવણી પૂરી થાય.

donald trump washington us president international news