શા માટે ઇલૉન મસ્કને ટ્‌વિટર ખરીદવાની ઇચ્છા ફરી જાગી?

06 October, 2022 10:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટેસ્લાના સીઈઓએ ૩૫૮૯ અબજ રૂપિયામાં ટ્‌વિટરને ખરીદવા માટેની તેમની ઑફરમાં આગળ વધવાનો નિર્ણય કરી ફરી બધાને ચોંકાવ્યા

ઈલોન મસ્ક

નવી દિલ્હીઃ ઇલૉન મસ્કને લોકોને ચોંકાવી દેવાનું ખૂબ જ ગમતું હોય છે. તેમણે વધુ એક વખત એમ જ કર્યું છે. ટેસ્લાના સીઈઓએ ૪૪ અબજ ડૉલર (૩૫૮૯ અબજ રૂપિયા)માં ટ્‌વિટરને ખરીદવા માટેની તેમની ઑફરમાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે, જેની સાથે જ ટ્‌વિટરના સ્ટૉક્સમાં ખૂબ જ ઉછાળો આવ્યો હતો. જોકે નાગરિકોના અધિકારો માટે લડત લડતાં સંગઠનોને મસ્કના કન્ટ્રોલ હેઠળ ટ્‌વિટર યુઝર્સને અભિવ્યક્તિની કેટલી આઝાદી મળશે એના વિશે ચિંતા થઈ રહી છે.  
નોંધપાત્ર છે કે ટ્‌વિટરે દુનિયાના આ સૌથી ધનવાન વ્યક્તિને આ ટેકઓવર માટેની ડીલને કમ્પ્લીટ કરવા દબાણ કર્યું હતું, કેમ કે મસ્કે શરૂઆતમાં આ ડીલને કૅન્સલ કરવાની કોશિશ કરી હતી. એપ્રિલમાં ટ્‌વિટરને ખરીદવાની શરૂઆતની ઑફર મૂક્યા બાદ એના પછીના મહિનાઓમાં મસ્કે અનેક કાયદાકીય પડકારોનો સામનો કરવો પડ્યો છે. 
બે અઠવાડિયાં કરતાં પણ ઓછા સમયમાં ડેલાવેર ચેન્સરી કોર્ટમાં આ કેસમાં સુનાવણી શરૂ થવાની છે ત્યારે તેમની સ્થિતિ આ મામલે કમજોર હોવાનું જણાય છે. 
શા માટે મસ્ક આ પહેલાં ડીલમાંથી નીકળી ગયા હતા?
મસ્કે દાવો કર્યો હતો કે ટ્‌વિટરે સ્પૅમ બૉટ કે ફેક અકાઉન્ટ્સની સંખ્યા વિશે સાચી માહિતી આપી નહોતી. જોકે કોર્ટનાં ચીફ જજ ચાન્સેલર કૅથલીન સૅન્ટ જુડ મૅકકૉર્મિક આ દલીલથી સંતુષ્ટ થયાં નથી. જજ મસ્ક અને ટ્‌વિટર વચ્ચેના મર્જર-ઍગ્રીમેન્ટ પર જ ફોકસ કરવા માગતા હોવાનું સ્પષ્ટ થયું હતું. 
શા માટે ઇલૉન મસ્કે હવે તેમનો વિચાર બદલ્યો?
જેનાં માટે બે કારણો જણાવવામાં આવ્યાં છે. એક તો વ્યાજદરોમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજું કે આગામી સુનાવણીમાં ગુરુવારે મસ્કે જુબાની આપવાની છે. જો તેઓ આ કેસ હારી જાય તો જજ કદાચ તેમને આ ડીલને કમ્પ્લીટ કરવા માટે આદેશ આપી શકે છે. ટ્‌વિટરને વ્યાજ ચૂકવવાનો પણ મસ્કને આદેશ આપવામાં આવી શકે છે. નોંધપાત્ર છે કે વ્યાજદરોમાં સપ્ટેમ્બરના મધ્યથી વધારો થઈ રહ્યો છે. 

world news elon musk