26 October, 2025 09:41 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
અદીલ અકબર
પાકિસ્તાનના ઇસ્લામાબાદના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP) અદીલ અકબરે પોતાની જ સર્વિસ રિવૉલ્વરથી ખુદને ગોળી મારીને સુસાઇડ કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર અદીલ અકબરે કોઈ સંદિગ્ધ કૉલ આવ્યા પછી ઇસ્લામાબાદની સેરેના હોટેલ પાસે કારમાં ખુદને ગોળી મારી હતી. પોતે હોટેલની આસપાસ સિક્યૉરિટીના હેતુથી તહેનાત હતો ત્યારે જ અદીલે આ પગલું લીધું હતું. જોકે એ ઘટનાની સાથે જ એક પોસ્ટ વાઇરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અદીલ ભારતીય જાસૂસ હતો અને ઑપરેશન સિંદૂર દરમ્યાન તેણે ભારતને મહત્ત્વની માહિતી પૂરી પાડી હતી. જોકે આ બાબતે પાકિસ્તાની અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પાકિસ્તાનના જ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇસ્લામાબાદ પોલીસ અને સરકારે આ અફવાઓને રદિયો આપી દીધો છે.
જાતે ગોળી મારીને સુસાઇડ કરી નાખનારા પાકિસ્તાની પોલીસમૅન અદીલ અકબરને ભારતીય જાસૂસમાં ખપાવવામાં આવે છે, પણ હકીકત કંઈક જુદી જ છે. બીજી તરફ કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સે એવો દાવો કર્યો હતો કે અદીલ અકબર પર પાકિસ્તાની સેના અને સરકારે પૅલેસ્ટીનિયન સમર્થક પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવાનો દબાવ નાખ્યો હતો એટલે તેમણે સુસાઇડ કર્યું છે. ઇસ્લામાબાદના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસે કહ્યું હતું કે ‘CCTV કૅમેરાનાં ફુટેજમાં કોઈ બહારથી હુમલો થયો હોવાનું દેખાતું નથી. એવું લાગે છે કે તેમણે પોતાની જ કારમાં બેસીને જાતે ગોળી મારી છે. અદીલ અકબરની હાલમાં જ બલૂચિસ્તાનથી ઇસ્લામાબાદ ટ્રાન્સફર થઈ હતી.’