01 January, 2026 10:06 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
ફૈઝલ કરીમ મસૂદ
બંગલાદેશના ઇન્કિલાબ મંચના નેતા ઉસ્માન હાદી હત્યાકેસનો મુખ્ય આરોપી ફૈઝલ કરીમ મસૂદ ભારતમાં છુપાયો હોવાનો બંગલાદેશે પ્રચાર કર્યો હતો, પણ ખુદ આ મર્ડરના શકમંદ ફૈઝલ કરીમ મસૂદે એક વિડિયો રજૂ કરીને જણાવ્યું છે કે તે ભારતમાં નહીં પણ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના દુબઈમાં છે અને આ હત્યાકેસમાં તેનો કોઈ હાથ નથી. આમ હાદી હત્યાકેસમાં બંગલાદેશની પોલ ખૂલી ગઈ છે. ફૈઝલ કરીમ મસૂદે જમાત-એ-ઇસ્લામી પર શંકા વ્યક્ત કરીને કહ્યું હતું કે જમાતી તત્ત્વોએ હાદીની હત્યા કરાવી હોઈ શકે છે. હાદી પોતે જમાત-એ-ઇસ્લામીમાંથી આવ્યો હતો.
દુબઈથી એક સનસનાટીભર્યા વિડિયો-મેસેજમાં મસૂદે હાદીની હત્યામાં કોઈ પણ ભૂમિકાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘મેં હાદીની હત્યા કરી નથી. મને અને મારા પરિવારને ફસાવવામાં આવી રહ્યા છે. હું દુબઈમાં મારી જાતને બચાવવા આવ્યો છું.’
મસૂદે હાદી સાથે વ્યાવસાયિક અને રાજકીય વ્યવહારો કર્યા હોવાનું સ્વીકારીને કહ્યું હતું કે ‘આ સંબંધ તેના વ્યાવસાયિક હિતોને કારણે હતો. હું હાદીને વ્યાવસાયિક કારણસર મળ્યો હતો, કારણ કે હું એક ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) ફર્મ ધરાવું છું. મેં તેને રાજકીય દાન આપ્યું હતું. તેણે મને સરકારી કૉન્ટ્રૅક્ટ મેળવવાનું વચન આપ્યું હતું.’
થોડા દિવસ પહેલાં ઢાકા પોલીસના વધારાના પોલીસ-કમિશનર (ક્રાઇમ અને ઑપરેશન્સ) એસ. એન. મોહમ્મદ નજરુલ ઇસ્લામે એક પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે હાદી હત્યાકેસના શંકાસ્પદો ફૈઝલ કરીમ મસૂદ અને આલમગીર શેખ સ્થાનિક સહયોગીઓની મદદથી મેઘાલયમાં ઘૂસી ગયા હતા. ફૈઝલ મસૂદ હલુઆઘાટ સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ્યો હતો. ફૈસલ મસૂદના આ ખુલાસાથી હવે બંગલાદેશમાં હાદીની હત્યાનો રાજકીય વિવાદ વધુ ગાઢ બનાવવાની શક્યતા છે.\
ફૈઝલ મસૂદ પાસે પાંચ વર્ષના મલ્ટિપલ-એન્ટ્રી UAE વીઝા
હાદી હત્યાના મુખ્ય આરોપી ફૈઝલ કરીમ મસૂદ પાસે પાંચ વર્ષના મલ્ટિપલ-એન્ટ્રી UAE વીઝા છે અને હાલમાં તે લાંબા ગાળાના ટૂરિસ્ટ વીઝા પર છે. આ વીઝા માટે તેણે ડિસેમ્બર ૨૦૨૨માં ફીની ચુકવણી કરી હતી.