14 January, 2026 10:12 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
સોમવારે રાતે ડોનલ્ડ ટ્રમ્પે પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા ટ્રુથ સોશ્યલ પર ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ૨૫ ટકા ટૅરિફ નાખવાની જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ પડશે. જોકે વાઇટ હાઉસ તરફથી આ ટૅરિફને લઈને કોઈ સત્તાવાર દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો નથી.
ઈરાનમાં સરકારવિરોધી પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને ઈરાનની કરન્સીની કિંમત લગભગ શૂન્ય બરાબર પહોંચી ગઈ છે. ભારતીય ચલણ મુજબ એક રિયાલની કિંમત માત્ર ૦.૦૦૦૦૭૯ રૂપિયા જ રહી ગઈ છે. ઈરાન પર અમેરિકા પહેલાં જ આર્થિક પ્રતિબંધો લગાવી ચૂક્યું છે. હવે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર તલવાર તણાઈ છે. ટૅરિફને કારણે ચીન, યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ અને ભારતના અમેરિકા સાથેના વેપાર પર અસર પડી શકે છે.
ભારત-ઈરાન વચ્ચે કેટલો વેપાર?
૨૦૨૪-’૨૫ના નાણાકીય વર્ષ દરમ્યાન ભારત અને ઈરાન વચ્ચે ૧.૬૮ અબજ ડૉલર એટલે કે લગભગ ૧૫,૧૫૮ કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. ભારતે ઈરાનને ૧૧,૧૮૮ કરોડ રૂપિયાનો સામાન વેચ્યો હતો અને ઈરાનથી ભારતમાં ૩૯૭૦ કરોડ રૂપિયાનો સામાન આયાત થયો હતો. ભારતમાંથી ચોખા, ચા, ખાંડ, દવાઓ, આર્ટિફિશ્યલ જ્વેલરી અને ઇલેક્ટ્રિકલ મશીનરી નિર્યાત થાય છે; જ્યારે ઈરાનમાંથી ડ્રાયફ્રૂટ્સ અને ઑર્ગેનિક-ઇન ઑર્ગેનિક કેમિકલ્સની આયાત થાય છે.
અલગ જ ધૂંધવાટનું પરિણામ છે ટૅરિફ
દુનિયાના એક્સપર્ટ્સ ટ્રમ્પની આ નવી ટૅરિફની ધમકી પાછળ અલગ જ કારણ હોવાનું માને છે. તેમનું કહેવું છે કે તેહરાનમાં સત્તાપલટો કરવાની અમેરિકાની કોશિશ નાકામ થતાં ટ્રમ્પે હવે ટૅરિફ-અટૅક કર્યો છે. ‘ધ ગ્રેટ રીસેટ’ પુસ્તકના લેખક અને પૉલિટિકલ વિશ્લેષક નવરૂપ સિંહે સોશ્યલ મીડિયામાં લખ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ઈરાનને લઈને દુનિયા પર વધારાની ટૅરિફ નાખવાનો અટૅક એ વાતની પુષ્ટિ કરે છે કે ઈરાનમાં સત્તા-પરિર્વતનના તેમના પ્રયાસો નિષ્ફળ ગયા છે.