અમેરિકામાં હવેથી ડૉલરની નોટો પર ડોનલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર

28 March, 2026 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૬૫ વર્ષ જૂની પરંપરાનો અંત, સ્વતંત્રતાની ૨૫૦મી વર્ષગાંઠ નિમિત્તે મોટો બદલાવ

અમેરિકાની પેપર કરન્સી પર પ્રેસિડન્ટ તરીકે પોતાની સહી છાપવાના બિલ પર ગુરુવારે ડોનલ્ડ ટ્રમ્પે સહી કરી હતી

અમેરિકામાં ડૉલરની નોટોમાં અત્યાર સુધી નાણાપ્રધાન અને ટ્રેઝરરના હસ્તાક્ષર આવે છે, પણ અમેરિકા એની સ્વતંત્રતાની ૨૫૦મી વર્ષગાંઠે આ પ્રથા બદલવા જઈ રહ્યું છે અને જૂન મહિનામાં આવનારી ૧૦૦ ડૉલરની નોટ પર પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર જોવા મળશે. અમેરિકન ઇતિહાસમાં આ પહેલી વાર બનશે કે કોઈ વર્તમાન પ્રેસિડન્ટની સહી જોવા મળશે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર જૂન ૨૦૨૬થી ૧૦૦ ડૉલરની જે નોટ છાપવામાં આવશે એમાં પ્રેસિડન્ટ ટ્રમ્પ અને નાણાપ્રધાન સ્કૉટ બેસેન્ટના હસ્તાક્ષર હશે.

અત્યાર સુધી નોટો પર ફક્ત નાણાપ્રધાન અને યુનાઇટેડ સ્ટેટ્સના ટ્રેઝરરના હસ્તાક્ષર હતા. હવે ટ્રેઝરરના હસ્તાક્ષર દૂર કરવામાં આવશે.

અમેરિકામાં ૧૮૬૧થી ચલણી નોટ છાપવામાં આવે છે અને ૧૬૫ વર્ષથી ચાલી આવતી જૂની પરંપરાને દેશની સ્વતંત્રતાની ૨૫૦મી વર્ષગાંઠની ઉજવણી માટે બદલવામાં આવી રહી છે.

નવી ૧૦૦ ડૉલરની નોટો જૂનમાં છાપવાનું શરૂ થશે, જેમાં ટ્રમ્પ અને સ્કૉટ બેસેન્ટના હસ્તાક્ષર હશે. બાદમાં અન્ય મૂલ્યોની નોટો પણ આવી જ રીતે છાપવામાં આવશે. સ્કૉટ બેસેન્ટે જણાવ્યું હતું કે ‘ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા આર્થિક મજબૂતાઈ તરફ આગળ વધી રહ્યું છે. ડૉલર પર તેમનું નામ લખવું એ દેશની સિદ્ધિઓને યાદ કરવાની એક અદ્ભુત રીત છે.’

સોનાના સિક્કા પર ટ્રમ્પની છબિ

સ્વતંત્રતા દિવસની ૨૫૦મી વર્ષગાંઠ નિમિત્તે ડોનલ્ડ ટ્રમ્પની તસવીર ધરાવતો એક ખાસ ૨૪ કૅરૅટ સોનાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવશે. એમાં ટ્રમ્પને રિઝોલ્યુટ ડેસ્ક પર કામ કરતા દર્શાવવામાં આવ્યા છે. અમેરિકાના ફાઇન આર્ટ્સ કમિશને ડિઝાઇનને મંજૂરી આપી છે. આ સિક્કા ૪ જુલાઈના સેમીક્વિન્સેન્ટેનિયલ ઉજવણીના ભાગરૂપે બહાર પાડવામાં આવશે. જીવંત પ્રેસિડન્ટનો ફોટો સામાન્ય ચલણ પર છાપવા પર કાયદાકીય રીતે પ્રતિબંધ છે, પણ પ્રશાસન આને સ્મારક સિક્કો ગણે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હું બે એવા લોકો છીએ જે કામ પૂરાં કરે છે : ટ્રમ્પ

ભારતમાં અમેરિકન દૂતાવાસે શુક્રવારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ટાંકીને એક પોસ્ટ શૅર કરી છે, જેમાં લખવામાં આવ્યું છે કે ‘ભારત સાથેના અમારા અદ્ભુત સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. વડા પ્રધાન (નરેન્દ્ર) મોદી અને હું બે એવા લોકો છીએ જે કામ પૂરાં કરે છે, જે મોટા ભાગના લોકો માટે કહી શકાય નહીં.’ આ પોસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પનો ફોટો પણ દર્શાવવામાં આવ્યો હતો.

donald trump united states of america white house international news world news