24 January, 2026 11:56 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકા બાવીસમી જાન્યુઆરીએ સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)માંથી ખસી ગયું હતું. US ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ ઍન્ડ હ્યુમન સર્વિસિસે જણાવ્યું હતું કે અમેરિકાએ WHOમાંથી ખસી જવાની પ્રક્રિયા પૂરી કરી છે, જે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના લાંબા સમયથી ચાલતા ધ્યેયને પૂરું કરે છે. ટ્રમ્પે એક વર્ષ પહેલાં તેમના બીજા કાર્યકાળના પહેલા દિવસે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર દ્વારા સંગઠનમાંથી ખસી જવાની નોટિસ આપી હતી. કોવિડ મહામારી દરમ્યાન WHO નિષ્ફળ ગયું અને એને લીધે અમેરિકન લોકોને જે હાનિ થઈ એ કારણસર અમેરિકાએ આ પગલું લીધું છે.
અમેરિકાના કાયદા હેઠળ અમેરિકાએ WHO છોડતાં પહેલાં એક વર્ષની નોટિસ આપવી પડે છે અને બધી બાકીની ફી ચૂકવવી જરૂરી છે. અમેરિકાને હાલમાં WHOને આશરે ૨૬૦ મિલ્યન ડૉલર (આશરે ૨૩૮૨ કરોડ રૂપિયા) ચૂકવવાના બાકી છે. જોકે કાનૂની નિષ્ણાતો કહે છે કે ચુકવણી અશક્ય છે અને WHO પાસે થોડા વિકલ્પો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અમેરિકાના સંગઠનમાંથી ખસી જવાથી વિશ્વભરના જાહેર આરોગ્યને નુકસાન થશે.
ગુરુવારે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ ઍન્ડ હ્યુમન સર્વિસિસે જાહેરાત કરી કે WHOને આપવામાં આવતું અમેરિકન સરકારનું તમામ ભંડોળ સમાપ્ત કરી દેવામાં આવ્યું છે અને સંસ્થામાં તહેનાત તમામ સ્ટાફ અને કૉન્ટ્રૅક્ટરોને પાછા ખેંચી લેવામાં આવ્યા છે.