ટ્રમ્પને ફટકોઃ અમેરિકાની સેનેટ પર બાઇડનની પાર્ટીનો કન્ટ્રોલ

14 November, 2022 11:20 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

મિડ-ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મળી હતાશા, ચૂંટણી વિશ્લેષકો પણ ખોટા પડ્યા

કમલા હેરિસ અને જો બાઇડન (સૌજન્ય : મિડ-ડે )

વૉશિંગ્ટન : અમેરિકાની સેનેટમાં ડેમોક્રેટ પાર્ટીનો દબદબો જળવાયેલો રહેશે, કારણ કે રાષ્ટ્રપતિ જો બાઇડનની પાર્ટી ડેમોક્રેટે ચૂંટણીની ધારણા કરતાં પણ સારો દેખાવ કર્યો હતો. વિશ્લેષકોએ એવી ભવિષ્યવાણી કરી હતી ડોનલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન આ ચૂંટણીમાં સારો દેખાવ કરશે, પરંતુ એવું થયું નથી. પક્ષના સારા દેખાવ બાદ ઉત્સાહી અમેરિકાના પ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે ‘મને સારું લાગી રહ્યું છે તેમ જ આગામી બે વર્ષ દરમ્યાન અમેરિકાની પ્રજાને આપેલાં વચનને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ.’ અગાઉ મિડ ટર્મ ચૂંટણીમાં જે પક્ષ સત્તામાં હોય એને વિજય મળતો નહોતો, પરંતુ હવે અમેરિકાના સંસદના ઉપલા ગૃહમાં બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી હશે. 

૧૦૦ સભ્યોની સેનેટમાં ડેમોક્રેટને ૫૦ બેઠકો મળી છે, તો રિપબ્લિકનને ૪૯ બેઠક મળી છે. જ્યૉર્જિયાનું પરિણામ હજી આવ્યું નથી. ભલે કોઈ પણ પક્ષને વિજય મળે તો પણ બન્ને પક્ષે ૫૦-૫૦ બેઠકો થાય. આ સેનેટમાં ચૅરપર્સન તરીકે ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ ટાઈ થાય એવા સંજોગોમાં મત આપી શકે. 

૭૯ વર્ષના અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે ‘ચૂંટણી પરિણામથી હું આશ્ચર્યચકિત થયો નથી. અમે સારા ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જ્યૉર્જિયાની ચૂંટણી પણ અમે જ જીતીશું.’
બીજી તરફ આ વખતની ચૂંટણીમાં પણ રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનલ્ડ ટ્રમ્પે ૨૦૨૦ની ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાની વાતોનો પુનઃઉચ્ચાર કર્યો હતો. મંગળવારે તેઓ ૨૦૨૪ની વાઇટ હાઉસની ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની ઘોષણા કરવાના હતા, પરંતુ આ પરિણામ તેમના રાજકીય કારકિર્દી માટે ફટકા સમાન છે. 

મૂળ ભારતીય કે. પી. જ્યૉર્જ બીજી વખત ચૂંટાયા

મૂળ ભારતીય એવા કે. પી. જ્યૉર્જ ફોર્ટ બૅન્ડ કાઉન્ટી જજ તરીકે બીજી ટર્મ માટે ચૂંટાયા છે. ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર મૂળ કેરલાના જ્યૉર્જને બાવન ટકા મત મળ્યા હતા. અમેરિકામાં અલગ-અલગ સ્ટેટમાં કાઉન્ટી જજની ફરજો અલગ-અલગ હોય છે. તેમણે અનેક પ્રકારની ન્યાયિક અને વહીવટી ફરજો નિભાવવાની હોય છે. જ્યૉર્જ કેરલાના કોક્કાથોડુ ગામમાં ભણ્યા હતા. ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે મુંબઈમાં નોકરી કરી હતી. ૧૯૯૩માં તે ન્યુ યૉર્ક ગયા હતા.

international news joe biden donald trump us elections washington