ટ્રમ્પની મંગળવારે ધરપકડ કરવામાં આવશે? સપોર્ટર્સને વિરોધ કરવા કહ્યું

20 March, 2023 12:01 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જો આ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ સામે આરોપ ઘડવામાં આવશે તો એ ઐતિહાસિક રહેશે, કેમ કે તેઓ આવા અપરાધિક આરોપોનો સામનો કરનારા અમેરિકાના પહેલા ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રહેશે

ડોનાલ્ડ ટ્રમ્પ ફાઇલ તસવીર

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે જણાવ્યું હતું કે એડલ્ટ ફિલ્મ ઍક્ટ્રેસ સ્ટૉર્મી ડેનિયલ્સના મામલે તેમની ધરપકડ થઈ શકે છે. વાસ્તવમાં ટ્રમ્પની વિરુદ્ધ તપાસ થઈ રહી છે કે તેમણે ડેનિયલ્સને તેમના સંબંધોના મામલે ચૂપ રહેવા બદલ કરોડો રૂપિયા આપ્યા હતા કે નહીં. ટ્રમ્પે તેમની ધરપકડનો વિરોધ કરવા તેમના સપોર્ટર્સને જણાવ્યું છે. એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં પોતાના માટે જ ટ્રમ્પે લખ્યું હતું કે ‘અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને લીડિંગ રિપબ્લિકન ઉમેદવારની આવતા અઠવાડિયામાં મંગળવારે ધરપકડ કરવામાં આવશે.’ જોકે તેમણે જણાવ્યું નથી કે શા માટે તેમને લાગે છે કે તેમની ધરપકડ કરવામાં આવશે. 

ટ્રમ્પની વિરુદ્ધ આરોપ ઘડવામાં આવે એવી શક્યતા છે ત્યારે ન્યુ યૉર્ક સિટીમાં પોલીસ અને સિક્યૉરિટી એજન્સીઓ સુરક્ષા માટે તૈયારીઓ કરી રહ્યાં છે. જો આ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ સામે આરોપ ઘડવામાં આવશે તો એ ઐતિહાસિક રહેશે, કેમ કે તેઓ આવા અપરાધિક આરોપોનો સામનો કરનારા અમેરિકાના પહેલા ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રહેશે. વળી તેઓ ૨૦૨૪ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં પણ ઝંપલાવી રહ્યા છે ત્યારે એ ખૂબ જ મહત્ત્વનો ઘટનાક્રમ રહેશે.

international news donald trump us president washington