અમેરિકાએ રદ કરી H-1B વીઝા લૉટરી સિસ્ટમ- ભારતીયોને પડશે મોટો ફટકો

25 December, 2025 08:26 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

હવે વધુ વેતન અને સ્કિલ ધરાવનારાઓને મળશે પ્રાથમિકતા, ભારતીયોને પડશે મોટો ફટકો

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસને અમેરિકાના H-1B વીઝા પ્રોગ્રામમાં મોટા પાયે ફેરફારની જાહેરાત કરી છે.  લાંબા સમયથી ચાલતી રેન્ડમ લૉટરી સિસ્ટમને બદલે હવે વેઇટેડ સિલેક્શન મૉડલ અપનાવવામાં આવશે. એના કારણે અમેરિકામાં નસીબના સહારે નહીં પણ હાઇલી સ્કિલ્ડ અને વધારે પગાર ધરાવતા અરજદારોને પ્રાથમિકતા મળશે. આ ફેરફાર ભારતથી અમેરિકા જનારા ભારતીયોની નોકરીની તકોને માઠી અસર પહોંચાડશે.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી દ્વારા જાહેર કરાયેલા સુધારેલા નિયમો ૨૦૨૬ની ૨૭ ફેબ્રુઆરીથી અમલમાં આવશે અને આ નિયમ નાણાકીય વર્ષ ૨૦૨૭ H-1B કૅપ રજિસ્ટ્રેશન સીઝન પર લાગુ થશે. આ વીઝા માટે રજિસ્ટ્રેશન ૨૦૨૬ના માર્ચમાં શરૂ થશે અને પસંદ કરવામાં આવનારા ઉમેદવારોની નોકરીઓ ૨૦૨૬ના ઑક્ટોબરથી શરૂ થશે. H-1B વીઝા હજી પણ તમામ વેતન સ્તરો માટે ઉપલબ્ધ રહેશે. જોકે વધુ સારા પગાર અને વધુ સ્કિલ ધરાવતા વિદેશી કામદારોને આ વીઝા મળવાના ચાન્સ વધી જશે, કારણ કે આ વીઝા લૉટરીથી નહીં પણ સિલેક્શનથી આપવામાં આવશે. H-1B વીઝાની સંખ્યામાં ફેરફાર થયો નથી, રેગ્યુલર ક્વોટામાં ૬૫,૦૦૦ વીઝા આપવામાં આવશે અને અમેરિકાથી ઍડ્વાન્સ્ડ ડિગ્રી ધરાવનારાઓ માટે ૨૦,૦૦૦ વીઝા અનામત રહેશે.

ભારતીયો કેમ પ્રભાવિત થશે?
અમેરિકન પ્રશાસનના ડેટા અનુસાર H-1B પ્રોગ્રામમાં ભારતીય નાગરિકો મુખ્ય ભૂમિકા ભજવે છે જે વાર્ષિક ધોરણે જારી કરાયેલા તમામ વીઝાના ૭૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. અંદાજે ૩,૦૦,૦૦૦ ભારતીયો અમેરિકામાં ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને સર્વિસિસમાં હાલમાં H-1B વીઝા પર કામ કરે છે. નવી સિસ્ટમ હેઠળ મોટી ટેક્નૉલૉજી કંપનીઓ દ્વારા કાર્યરત અને ઉચ્ચ-સ્તરીય પગાર મેળવતા ભારતીય કામદારોને અમેરિકામાં પ્રવેશવાનો માર્ગ મળતો રહી શકે છે. જોકે એન્ટ્રી-લેવલ પ્રોફેશનલ્સ, મિડ-લેવલ એન્જિનિયર્સ અને નાની કંપનીઓ અથવા સ્ટાફિંગ કન્સલ્ટન્સી દ્વારા પ્રાયોજિત લોકોની તકો ઘટી શકે છે.

ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B ઇકોસિસ્ટમમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રમ્પે પહેલાંથી જ નવી H-1B વીઝા અરજીઓ પર વધારાની ૧,૦૦,૦૦૦ ડૉલર (આશરે ૯૦ લાખ રૂપિયા) ફી લગાવી છે. મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ આ ખર્ચ સહન કરી શકે છે, પણ નાની કંપનીઓ માટે આ શક્ય નથી. બીજી તરફ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ૧૫ ડિસેમ્બરથી બધા H-1B અને આશ્રિત H-4 અરજદારો માટે સોશ્યલ મીડિયા સ્ક્રીનિંગનો વિસ્તાર કર્યો છે. આ વિસ્તૃત ચકાસણીને કારણે ભારતમાં વીઝા ઇન્ટરવ્યુને પાછા ઠેલવામાં આવ્યા છે. એના કારણે વીઝા-સ્ટૅમ્પિંગ માટે ભારત આવેલા ઘણા પ્રોફેશનલો ફસાયેલા છે. ઇમિગ્રેશન વકીલોએ ચેતવણી આપી છે કે જો વિલંબ ૨૦૨૬ના મધ્ય કે ૨૦૨૭ સુધી લંબાય તો આવા લોકો અમેરિકામાં નોકરી ગુમાવી શકે છે.

international news world news donald trump washington united states of america