19 June, 2026 01:08 PM IST | Moscow | Gujarati Mid-day Correspondent
યુક્રેનના ડ્રોન-અટૅકને લીધે મૉસ્કોની ઑઇલ રિફાઇનરી પાસેથી નીકળતો ધુમાડો.
યુક્રેને ગુરુવારે રશિયાની રાજધાની મૉસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ભીષણ હુમલો કરીને લગભગ ૨૦૦ ડ્રોન છોડ્યાં છે. આ વ્યૂહાત્મક આક્રમણમાં મૉસ્કોના દક્ષિણ-પૂર્વીય છેડે આવેલા કાપોત્નયા જિલ્લાની મુખ્ય ઑઇલ રિફાઇનરીને નિશાન બનાવવામાં આવી હતી. એને કારણે સમગ્ર શહેરમાં ધુમાડાનાં કાળાં ડિબાંગ વાદળાં છવાઈ ગયાં હતાં. આ ઑઇલ રિફાઇનરી મૉસ્કોની ૪૦ ટકા પેટ્રોલ અને લગભગ ૫૦ ટકા ડીઝલની જરૂરિયાતો પૂરી પાડે છે તેથી આ હુમલાને રશિયાની ઊર્જા સિસ્ટમ પર મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં રિફાઇનરીની ફ્યુઅલ ટૅન્ક બ્લાસ્ટ સાથે હવામાં ઊડતી અને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જોવા મળી હતી. આ હુમલામાં એક બહુમાળી રહેણાક ઇમારત અને અન્ય મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે જેમાં રશિયન સત્તાવાળાઓએ ૧૭ લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે.
મૉસ્કોની અત્યંત કડક અને ગીચ ઍર ડિફેન્સ સિસ્ટમને ભેદવા માટે યુક્રેને આ વખતે પરંપરાગત ડ્રોનની સાથે ખાસ જેટ-પાવર્ડ મિસાઇલ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ૨૦૨૪ અને ૨૦૨૫ની શરૂઆતમાં વિકસાવાયેલી આ સ્પીડી ટેક્નૉલૉજી સામાન્ય ડ્રોન કરતાં વધુ ઝડપી હોવાથી રશિયન સૈન્ય એને રોકવામાં નિષ્ફળ રહ્યું હતું. આ હુમલાની વ્યાપક મનોવૈજ્ઞાનિક અસર થઈ છે, કારણ કે યુદ્ધની શરૂઆત પછી પહેલી વાર મૉસ્કોના સામાન્ય નાગરિકોએ પોતાના ઘરની બારીઓમાંથી યુદ્ધનો ધુમાડો અને આકાશમાંથી પડતો તૈલી કાળો વરસાદ જોયા હતા. હાલમાં કઝાન ખાતે એશિયન નેતાઓ સાથેની સમિટમાં વ્યસ્ત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ રશિયન રાષ્ટ્રવાદીઓએ યુક્રેન પર પરમાણુ હથિયારો વાપરવાની માગણી તેજ કરી છે. એના જવાબમાં રશિયા આગામી સમયમાં યુક્રેનનાં શહેરો પર વળતો મોટો મિસાઇલ-હુમલો કરે એવી પૂરેપૂરી સંભાવના છે.