25 September, 2025 09:25 AM IST | China | Gujarati Mid-day Correspondent
ચીનમાં ઝાડ અને ટ્રક બધું જ ઊથલાવી નાખ્યું વાવાઝોડાએ.
ઉષ્ણકટિબંધ પરથી પેદા થયેલું આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડા ‘રગાસા’નું બુધવારે ચીનના દક્ષિણ પ્રાંતમાં લૅન્ડફૉલ થયું હતું. એ પહેલાં અહીંના ગ્વાન્ગડૉન્ગ પ્રાંતમાંથી લગભગ ૨૦ લાખ લોકોને બીજે સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું. બુધવારે બપોરે વાવાઝોડાની તીવ્રતા ૧૦થી ઘટાડીને ૯ કરી દેવામાં આવી હતી, પરંતુ શહેરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ઊંચી લહેરો અને તટીય ક્ષેત્રોમાં પૂરની ચેતવણી સાથે રેડ અલર્ટ જાહેર કરવામાં આવી હતી. જોકે ચક્રવાતનો જ્યાં લૅન્ડફૉલ થયો ત્યાં જોરદાર પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ થયો હતો. એમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં.
ધ ગાર્ડિયન વર્તમાનપત્રના રિપોર્ટ અનુસાર છેલ્લા બે દિવસથી ‘રગાસા’ ચક્રવાતે તાઇવાન, હૉન્ગકૉન્ગ અને ફિલિપીન્સમાં ભારે તબાહી મચાવી હતી. તાઇવાનમાં મરનારા લોકોની સંખ્યા બુધવારે ૧૭ સુધી પહોંચી ગઈ હતી અને ૧૨૪ લોકો ગુમ થયાનો રિપોર્ટ છે.
તાઇવાનમાં વાવાઝોડાને લીધે આવેલા પૂરમાં તણાઈ ગયેલાં વાહનો.
તાઇવાને વિવિધ ક્ષેત્રોનાં બચાવદળોને કાર્યરત કરી દીધાં હતાં અને સેનાની ૩૪૦ ટીમો મદદ માટે અસરગ્રસ્ત સ્થળે પહોંચી ગઈ હતી. ચક્રવાત બુધવારે વહેલી સવાર હૉન્ગકૉન્ગ પહોંચ્યું હતું અને બપોર થતાં સુધીમાં દક્ષિણ ચીનમાં લૅન્ડ થયું હતું. હૉન્ગકૉન્ગમાં ૧૩ લોકો ઘાયલ થયા હતા.