18 January, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ-ડીલની વાટાઘાટોનો પ્રથમ તબક્કો લગભગ પૂરો થઈ ગયો છે એવી જાહેરાત થોડા દિવસ પહેલાં કરવામાં આવી હતી, પણ આ દરમ્યાન અમેરિકાના બે સેનેટરોએ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારતને અમેરિકન પીળા વટાણા સહિત કઠોળ પરનો ૩૦ ટકા ટૅક્સ હટાવવાની માગણી કરી છે. ટ્રમ્પને લખેલા પત્રમાં સેનેટરોએ ભારત-અમેરિકા ટ્રેડ-ડીલમાં કઠોળના પાક માટે અનુકૂળ જોગવાઈઓની માગણી કરી છે.
અમેરિકન સેનેટના બે સભ્યો કેવિન ક્રેમર (નૉર્થ ડાકોટા) અને સ્ટીવ ડેઇન્સ (મૉન્ટાના)એ ટ્રમ્પને ૧૬ જાન્યુઆરીએ મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘અમેરિકન કૃષિ-ઉત્પાદકો, ખાસ કરીને નૉર્થ ડાકોટા અને મૉન્ટાનાના લોકો માટે ભારતમાં વધુ સારી બજાર-પહોંચ સુનિશ્ચિત કરવી જરૂરી છે. વૈશ્વિક કઠોળના વપરાશમાં ૨૭ ટકા હિસ્સો ધરાવતું ભારત અમેરિકન કઠોળ પર ૩૦ ટકા ટૅરિફ લાદે છે. આનાથી નૉર્થ ડાકોટા અને મૉન્ટાના જેવા કઠોળ-ઉત્પાદક પ્રદેશોના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. કઠોળ પર ટૅરિફ ઘટાડવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે.’
નૉર્થ ડાકોટા અને મૉન્ટાના અમેરિકામાં વટાણા સહિત કઠોળના ટોચના ઉત્પાદકો છે, જ્યારે ભારત કઠોળનો વિશ્વનો સૌથી મોટો ગ્રાહક છે. આમ છતાં ભારતે અમેરિકન કઠોળ પર ભારે ટૅરિફ લગાવી દીધી છે, જેને કારણે અમેરિકન ઉત્પાદકોને ભારતમાં નિકાસ કરતી વખતે નુકસાન થાય છે. ભારતમાં અમેરિકન પીળા વટાણા પર લાદવામાં આવેલો ૩૦ ટકા ટૅક્સ અન્યાયી છે. ભારતે ૨૦૨૫માં ૩૦ ઑક્ટોબરે આ ટૅરિફની જાહેરાત કરી હતી અને એ પહેલી નવેમ્બરથી જ અમલમાં આવી હતી.