31 December, 2025 12:31 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
બજેન્દ્ર બિશ્વાસ
બંગલાદેશમાં દીપુ ચંદ્ર દાસ અને અમૃત મંડલ પછી મૈમનસિંઘમાં વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. આ ઘટના કાપડ-ફૅક્ટરીમાં બની હતી જ્યાં નોમાન મિયાં નામના બાવીસ વર્ષના યુવાને ભીડની સામે ૪૨ વર્ષના બજેન્દ્ર બિશ્વાસ પર શૉટ-ગનમાંથી ગોળીઓ છોડી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફૅક્ટરીમાં હિંસા ફાટી નીકળી હતી જે દરમ્યાન નોમાન મિયાંએ બજેન્દ્ર બિશ્વાસની હત્યા કરી હતી. ગોળી બજેન્દ્રના ડાબા ખભામાં વાગી હતી. હુમલામાં બજેન્દ્રએ ઘટનાસ્થળે છેલ્લા શ્વાસ લીધા હતા. બજેન્દ્ર ગામની સુરક્ષા કરી રહેલા અર્ધલશ્કરી દળનો હિસ્સો હતો. નોમાનની ધરપકડ કરવામાં આવી છે.
આ અગાઉ મૈમનસિંઘમાં જ એક કાપડ-ફૅક્ટરીમાંથી ભીડે દીપુ ચંદ્ર દાસને ખેંચીને રસ્તા પર માર માર્યો હતો. દીપુના મૃતદેહને ઝાડ સાથે બાંધીને આગ લગાવી દેવામાં આવી હતી. દીપુ પછી અમૃત મંડલની પણ હત્યા કરવામાં આવી હતી. એને ભીડવાળી બજારમાં ટોળાએ માર મારીને મારી નાખ્યો હતો.
પોતાની નિષ્ફળતા છુપાવવા માટે વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે અમૃતને ગુનેગાર અને ખંડણીખોર ગણાવ્યો હતો. એક સરકારી નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ સાંપ્રદાયિક હિંસા નહોતી, પરંતુ ખંડણીથી હતાશ લોકોએ તેની હત્યા કરી હતી.
હવે બીજો હુમલો થયો છે અને આ વખતે પણ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. આ વખતે યુનુસ કયા પ્રકારનાં બહાનાં આપે છે એના પર દુનિયાની નજર છે.