કુદરતની કૃપા! તુર્કી ભૂકંપના ૧૨૮ કલાક બાદ પણ જીવતું રહ્યું બે મહિનાનું બાળક

12 February, 2023 03:28 PM IST  |  Hatay | Gujarati Mid-day Online Correspondent

તુર્કીના હેતાય પ્રાંતમાં એક નવજાત બાળકને ૧૨૮ કલાક બાદ ઘરના કાટમાળમાંથી બહાર જીવતું કાઢવામાં આવ્યું

તુર્કીમાં આવેલા ભૂકંપની ફાઈલ તસવીર

તુર્કી ભૂકંપ (Turkey Earthquake)ને પાંચ દિવસ થયા પણ આ હોનારતમાં મૃત્યુ પામનારનો આંકડો દિવસેને દિવસે વધી જ રહ્યો છે. ત્યારે આ હોનારતમાં પણ જાણે કુદરતની કૃપા થઈ હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. તુર્કીના હેતાય પ્રાંતમાં પોતાના ઘરના કાટમાળ નીચે દટાયેલું નવજાત બાળક ૧૨૮ કલાક બાદ જીવતું મળી આવ્યું હતું. આ બાળકનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં બાળક તેને ખોળામાં લેનાર વ્યક્તિની આંગળી ચૂસી રહ્યો છે.

સૌ પ્રથમ ટ્વિટર પર શૅર કરવામાં આવેલો વીડિયો ઝડપથી સોશ્યલ મીઢિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાળકનો ચહેરો, તેની માસૂમિયત જોઈને લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે આ બાળકને બહાર કાઢવામાં આવ્યું ત્યારે ત્યાં હાજર લોકો રડવા લાગ્યા હતા. તેમણે ખુશીથી તાળીઓ પાડી હતી અને ભગવાનનો આભાર પણ માન્યો હતો. ૧૨૮ દિવસ કાટમાળ નીચે દબાઈ રહ્યાં બાદ પણ બાળકનું સુખરુપ બહાર આવવું તે ખરેખર કુદરતની કૃપા જ છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આટલા કલાકો સુધી મોતનો સામનો કરવા છતાં બાળકનો ચહેરા પર સ્મિત હતું. તે વારંવાર બચાવ અને રાહત કાર્યમાં લાગેલા વ્યક્તિની આંગળી ચૂસવાની કોશિશ કરી રહ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આ પહેલા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ – એનડીઆરએફ (National Disaster Response Force – NDRF)ની ટીમે તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં કાટમાળમાં ફસાયેલી આઠ વર્ષની બાળકીને સુરક્ષિત રીતે બચાવી હતી. તે પહેલાં પણ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા એનડીઆરએફના જવાનોએ તુર્કી આર્મીના જવાનો સાથે મળીને ગાઝિયાંટેપ પ્રાંતના નુરદાગી શહેરમાં રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને ગુરુવારે આ વિસ્તારમાંથી છ વર્ષની બાળકીને બચાવી હતી.

આ પણ વાંચો - તુર્કીમાં વિનાશકારી ભૂકંપ: સહાય માટે ભારતે મોકલી NDRFની ટીમ, જુઓ તસવીરો

એક દિવસ પહેલા શૅર કરાયેલો આ વીડિયો અત્યાર સુધીમાં લગભગ સાત લાખ વાર જોવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો લોકોએ સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. લોકો બાળક પર પ્રેમ વરસાવી રહ્યાં છે અને તેના સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો પણ પૂછી રહ્યાં છે. લોકોના આંખમાંથી આંસૂ વહી રહ્યાં છે અને તેને જન્મજાત ફાઇટર કહી રહ્યાં છે. સાથે જ બચાવ ટીમનો આભાર પણ માની રહ્યાં છે.

આ પણ વાંચો - તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપે કેવી તબાહી મચાવી, જુઓ તસવીરોમાં

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપને કારણે સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૨૫,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. ભારત `ઓપરેશન દોસ્ત` હેઠળ બંને દેશોમાં મદદ કરી રહ્યું છે. એનડીઆરએફની ટીમો તુર્કી અને સીરિયામાં બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.

international news turkey syria viral videos earthquake