02 August, 2025 01:43 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પહેલી ઑગસ્ટની ટાઇમલાઇન પહેલાં ૯૨ દેશો પર ૧૦થી ૪૧ ટકા સુધીની ટૅરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. નવી ટૅરિફ ૭ ઑગસ્ટથી અમલી બનશે. આ ઑર્ડરમાં સિરિયા પર સૌથી વધુ ૪૧ ટકા ટૅરિફ લાદવામાં આવી છે. એ સિવાય લાઓસ અને મ્યાનમાર પર ૪૦ ટકા, સ્વિટ્ઝરલૅન્ડ પર ૩૯ ટકા તથા ઇરાક, સર્બિયા અને કૅનેડા પર ૩૫ ટકા ટૅરિફનો સમાવેશ છે.
નવા એક્ઝિક્યુટિવ ઑર્ડર મુજબ સાઉથ એશિયામાં ભારત પર ૨૫ ટકા ટૅરિફ લાદવામાં આવશે, જ્યારે પાકિસ્તાન પર ૧૯ ટકા ટૅરિફ લાદવામાં આવી છે. અમેરિકાએ ૯૫ દેશો અને પ્રદેશો પર ૧૦ ટકાથી ૪૧ ટકા સુધીની સમાયોજિત પારસ્પરિક ટૅરિફની જાહેરાત કરી છે.
બંગલાદેશે અમેરિકા પાસેથી ડિફેન્સ ઉપકરણો ખરીદવાં પડશે
અમેરિકા સાથે વાટાઘાટો કર્યા બાદ બંગલાદેશ પર ૨૦ ટકા ટૅરિફદર નિશ્ચિત કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બંગલાદેશનાં તૈયાર વસ્ત્રોની નિકાસ દુનિયાભરમાં થાય છે. અગાઉ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે બંગલાદેશ પર ૩૫ ટકા ટૅરિફ લાદવાની વાત કરી હતી. આમ થાય તો બંગલાદેશ એનાં સ્પર્ધકો શ્રીલંકા, વિયેટનામ, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા સામે ટકી શકે નહીં. જોકે આ દેશોએ પણ ૧૯થી ૨૦ ટકાની ટૅરિફ મેળવી હતી. જોકે ૨૦ ટકા ટૅરિફના બદલામાં બંગલાદેશે અમેરિકા પાસેથી ડિફેન્સ ઉપકરણો ખરીદવાનાં રહેશે.