ડોનલ્ડ ટ્રમ્પે ભારતને આપી ગર્ભિત ધમકી

24 February, 2026 07:39 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કહ્યું કે અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ગેમ રમવાનું વિચારતા દેશો પર વધુ ટૅરિફ નાખીશ

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનલ્ડ ટ્રમ્પે લગાવેલી ટૅરિફને ગેરકાયદે ઠેરવી એ પછી પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ચેન નથી. તેમણે અલગ ધારાઓની મદદથી પહેલાં ૧૦ ટકા અને પછી ૧૫ ટકા ગ્લોબલ ટૅરિફની જાહેરાત કરી દીધી હતી. જોકે જે દેશો સાથે અલગથી ટ્રેડ-ડીલ થઈ ગઈ હતી અથવા તો વાટાઘાટો નિર્ણાયક સ્તરે હતી એ દેશોને હવે અમેરિકામાં નિર્યાત પર કેટલી ટૅરિફ ચૂકવવી પડશે એ બાબતે અસમંજસ ઊભી થઈ હતી. 

ભારત સાથેની ટ્રેડ-વાટાઘાટો મુલતવી રાખવામાં આવી હતી અને ભારતીય પ્રતિનિધિઓની ટીમે વૉશિંગ્ટન જવાનું ટાળ્યું હતું. બ્રિટને પણ ટૅરિફ અને ટ્રેડ-ડીલ બાબતે સ્પષ્ટતા માગી હતી અને સિંગાપોર સાથે થયેલી ટ્રેડ-ડીલ પણ અટવાઈ ગઈ હતી. આ દેશોએ ફરીથી નવેસરથી વાટાઘાટોની વિચારણા કરવી જોઈએ એવી વૈશ્વિક ઇકૉનૉમિસ્ટોએ પણ સલાહ આપી છે. જોકે ગઈ કાલે ડોનલ્ડ ટ્રમ્પે આ દેશોને સીધી ધમકી આપતી પોસ્ટ તેમણે ખોલેલા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખી હતી કે ‘જે કોઈ દેશોએ વર્ષો અને દાયકાઓ સુધી અમેરિકાને લૂંટ્યું છે અને હવે સુપ્રીમ કોર્ટના અજીબોગરીબ નિર્ણયને લઈને ‘ગેમ’ રમવાનું વિચારતા હોય તેઓ સાવધાન. તેમણે ખૂબ જ વધારે ટૅરિફનો સામનો કરવો પડશે અને એ જેના પર હાલમાં જ સહમત થયા છીએ એના કરતાંય વધુ ખરાબ હશે.’

સોમવારથી ભારત-અમેરિકાની ટ્રેડ-ડીલ પર વાતચીત થવાની હતી એ રોકાઈ ગઈ છે ત્યારે ટ્રમ્પે આ ધમકી ઉચ્ચારી છે.

યુરોપિયન યુનિયને પણ અમેરિકા સાથેની ટ્રેડ-ડીલ અટકાવી 

ગઈ કાલે યુરોપિયન પાર્લમેન્ટે અમેરિકા સાથેની ટ્રેડ-ડીલની પ્રક્રિયાની વાતચીત મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. આ માટે યુરોપિયન યુનિયનના કાયદાનિષ્ણાતોની બ્રસેલ્સમાં ઇમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી અને અમેરિકા તરફથી અનિશ્ચિતતાઓને પગલે ડીલને મુલતવી રાખવામાં આવી હતી. પાર્લમેન્ટ ટ્રેડ કમિટીના ચીફે કહ્યું હતું કે કોઈ જાણતું નથી કે હવે આગળ શું થશે.

international news world news united states of america washington indian government tariff donald trump