08 April, 2025 10:27 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટૅરિફથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકા સહિત અનેક દેશનાં શૅરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના ટૅરિફથી કૅનેડા, મેક્સિકો અને યુરોપિયન સંઘના અનેક દેશો નારાજ છે, પરંતુ ટ્રમ્પે એને કડવી ગોળી કહી દીધી છે.
ડોનલ્ડ ટ્રમ્પને જ્યારે ટૅરિફ બાદ વૈશ્વિક બજારમાં થયેલી ઊથલપાથલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે ‘શૅરબજારમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ ક્યારેક-ક્યારેક બીમારી દૂર કરવા માટે કડવી ગોળી લેવી પડે છે. ટૅરિફ ખૂબ સુંદર વસ્તુ છે. ચીન, યુરોપિયન સંઘ અને અનેક અન્ય દેશો સાથે આપણી રાજકોષીય ખાધ છે. આ સમસ્યાનું સમાધાન ફક્ત ટૅરિફ જ છે. આનાથી અબજો ડૉલર અમેરિકામાં આવી રહ્યા છે. બાઇડનકાળમાં આ દેશો સાથે જે રાજકોષીય ખાધ વધી છે એને અમે જલદી ઓછી કરીશું. એક દિવસ લોકોને જાણ થશે કે અમેરિકા માટે ટૅરિફ કેટલી સુંદર વસ્તુ છે.’
ટૅરિફ મુદ્દે વાતચીત માટે પચાસ દેશોએ વાઇટ હાઉસનો સંપર્ક કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ તરફથી નવી ટૅરિફના એલાન બાદથી પચાસથી વધુ દેશોએ વાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે. આ દેશોએ ટૅરિફ મુદ્દે વાતચીતની ઇચ્છા વ્યક્ત કરી હતી. દુનિયાના દેશો એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ટ્રમ્પની ટૅરિફ પર કેવી રીતે પ્રતિક્રિયા આપે. ચીન સહિત અન્ય દેશોએ તરત જવાબી ટૅરિફ લગાવી છે.