19 June, 2026 01:03 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
નિયત તારીખના એક દિવસ પહેલાં એટલે કે ૧૮ જૂને ફ્રાન્સમાં ઈરાન સાથેની પીસ ડીલ પર ડોનલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા હતા.
અમેરિકા અને ઈરાન વચ્ચેના ભીષણ મહાયુદ્ધનો અંત લાવવા માટે આખરે એક ઐતિહાસિક વચગાળાના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર થઈ ગયા છે. સ્વિટ્ઝરલૅન્ડના લુસર્ન શહેરમાં ૧૯ જૂને થનારા નિર્ધારિત કાર્યક્રમ કરતાં એક દિવસ વહેલા બુધવારે રાત્રે જ અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના વર્સાય પૅલેસમાં પ્રમુખ ઇમૅન્યુઅલ મૅક્રૉનની હાજરીમાં આ ડીલ પર સહી કરી હતી. વર્સાય પૅલેસથી બહાર નીકળતાં ટ્રમ્પે પત્રકારો સામે ડીલ કન્ફર્મની બૂમો પાડીને જાહેરાત કરી હતી. ત્યાર બાદ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ તેહરાનથી ઇલેક્ટ્રૉનિક હસ્તાક્ષર કર્યા હતા. ગુરુવારે સવારે ૫.૩૦ વાગ્યે જાહેર થયેલો આ શાંતિકરાર તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. એ હેઠળ ઈરાન અને લેબૅનનમાં સૈન્યની કાર્યવાહીઓ બંધ થશે, હોર્મુઝની ખાડી ફરી ખોલવામાં આવશે અને અમેરિકા એની નૌસેનાની નાકાબંધી હટાવી લેશે. ઈરાની પ્રમુખે આને ગૌરવ અને સ્વાયત્તતા સાથેના એક મજબૂત ઈરાનનો સંદેશ ગણાવ્યો છે.
આ સમજૂતી લાગુ થતાં જ હોર્મુઝ ખાડીમાંથી આશરે ૬૦ લાખ બૅરલ ક્રૂડ ઑઇલ ભરેલાં સાઉદી અરેબિયાનાં ૩ સુપરટૅન્કરો અને ફ્રાન્સ-કતરનાં LNG ટૅન્કરો સુરક્ષિત રીતે રવાના થઈ ચૂક્યાં છે, જે લાંબા સમયથી ખાડીમાં ફસાયેલાં હતાં.
ઇઝરાયલ આ ડીલથી અસંતુષ્ટ
આ ડીલથી અસંતુષ્ટ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ દક્ષિણપંથી મીડિયા અને અમેરિકી સંસદસભ્યો દ્વારા ટ્રમ્પ પર આ આખરી કરારને પ્રભાવિત કરવા માટે ભારે દબાણ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમ્યાન ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબૅનનનો નવો નકશો જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાના નાગરિકોની સુરક્ષા માટે સરહદથી ૧૦ કિલોમીટર અંદર સુધી પોતાની સૈન્ય તહેનાતી યથાવત્ રાખશે અને હાલમાં ત્યાંથી પાછા હટશે નહીં.
અમેરિકા-ઈરાન ઐતિહાસિક MoUની વિગતો જાહેર
ઈરાનને ૩૦૦ અબજ ડૉલરનું ફન્ડ મળશે : ૬૦ દિવસ સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં મફત અવરજવર બાદ લાગશે ફી : અમેરિકા ૩૦ દિવસમાં નાકાબંધી હટાવશે અને ક્રૂડ ઑઇલ પરથી પ્રતિબંધો દૂર કરશે
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે થયેલા ઐતિહાસિક વચગાળાના કરાર બાદ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને આ સમજૂતીના સત્તાવાર દસ્તાવેજો જાહેર કર્યા છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU)ની વિગતો શૅર કરતાં ઈરાની પ્રમુખે આને એક શક્તિશાળી ઈરાનનો સંદેશ ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પરસ્પર સન્માનના આધારે જ વૈશ્વિક શાંતિ શક્ય બનશે. આ દસ્તાવેજ મુજબ બન્ને પક્ષો અને તેમના સહયોગીઓ તમામ મોરચે લશ્કરી કાર્યવાહીઓ કાયમી ધોરણે બંધ કરવા સંમત થયા છે અને આખરી કરાર સુધી પહોંચવા માટે બન્ને દેશોને ૬૦ દિવસનો સમય મળશે.
આ કરારની સૌથી મહત્ત્વની કડી હોર્મુઝની ખાડીની છે જ્યાં ઈરાન શરૂઆતના ૬૦ દિવસ સુધી કોઈ પણ ચાર્જ લીધા વિના આંતરરાષ્ટ્રીય વ્યાપારી જહાજોને સુરક્ષિત માર્ગ આપશે, પરંતુ ત્યાર બાદ ઓમાન અને ખાડી દેશો સાથે મળીને આ દરિયાઈ માર્ગ પર સર્વિસ-ફી વસૂલ કરવા નવું માળખું તૈયાર કરશે. સામી બાજુએ અમેરિકા આગામી ૩૦ દિવસની અંદર ઈરાન પર લાદવામાં આવેલી નૌસેનાની નાકાબંધી સંપૂર્ણપણે હટાવી લેશે અને ફાઇનલ ડીલ બાદ આ વિસ્તારમાંથી પોતાનાં સૈન્ય દળોને પણ પાછાં ખેંચી લેશે.
આ ઉપરાંત અમેરિકા અને એના પ્રાદેશિક ભાગીદારો ઈરાનના યુદ્ધ પછીના પુનઃ નિર્માણ માટે ૩૦૦ અબજ ડૉલરનું આર્થિક પૅકેજ આપવા સંમત થયા છે. વૉશિંગ્ટન દ્વારા ઈરાનના ક્રૂડ ઑઇલની નિકાસ અને બૅન્કિંગ સેક્ટર પરના પ્રતિબંધો તબક્કાવાર હટાવવામાં આવશે અને એની ફ્રીઝ થયેલી અબજો ડૉલરની સંપત્તિ મુક્ત કરવામાં આવશે. આ આર્થિક રાહતોના બદલામાં ઈરાને ખાતરી આપી છે કે એ પરમાણુ હથિયારો બનાવશે નહીં અને વાટાઘાટો દરમ્યાન પોતાના પરમાણુ કાર્યક્રમની સ્થિતિ યથાવત્ રાખશે, જેની દેખરેખ સંયુક્ત મેકૅનિઝમ દ્વારા કરવામાં આવશે.
ઈરાને આ ડીલને ગણાવી પોતાની જીત
અમેરિકા સાથેની આ પીસ ડીલને ઈરાનનું નેતૃત્વ પોતાની જીત ગણાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને આ ડીલને એક મોટા પરિવર્તનની સંભાવના ગણાવતાં કહ્યું હતું ‘જો આ ડીલ પૂરી રીતે લાગુ થશે તો ઈરાનની અનેક સમસ્યાઓ હલ થઈ શકશે અને ઈરાન તેમ જ મિડલ ઈસ્ટમાં એક અલગ જ દુનિયા બનાવી શકાશે.’ શાંતિવાર્તામાં ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફની ભૂમિકા પણ મહત્ત્વની છે. ઈરાનનું નેતૃત્વ આ કરારને પોતાની જીત ગણાવે છે કેમ કે તેમના તર્ક અનુસાર અમેરિકા અને ઇઝરાયલ તેમના મુખ્ય ઉદ્દેશોને હાંસલ કરવામાં નાકામ રહ્યા છે. તેઓ ઈરાનને આત્મસમર્પણ કરાવવામાં અસફળ રહ્યા છે. તેઓ સૈન્ય કાર્યવાહી કરીને ન્યુક્લિયર પ્રોગ્રામને ખતમ નથી કરી શક્યા કે ન તો હિઝબુલ્લાહ સાથેના ઈરાનના સંબંધોને તોડી નથી શક્યા. બીજી તરફ હોર્મુઝ પર ઈરાનનું સાર્વભૌમત્વ પણ એટલું જ બરકરાર રહેવાનું છે. રાષ્ટ્રપતિ મસૂદના કહેવા અનુસાર ઈરાન પરથી ઊઠી ગયેલા પ્રતિબંધોને કારણે ઈરાનનો વિકાસનો રસ્સો ક્લિયર થઈ ગયો છે.