17 May, 2026 11:08 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
મીર શુક્ર ખાન
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબા (LeT)નો ટોચનો એક આતંકવાદી મીર શુક્ર ખાન પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટામાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. મીર શુક્ર ખાન રાયસાની કટ્ટરવાદ ફેલાવીને LeTમાં નવા આતંકવાદીઓની ભરતી કરવાના કામમાં મહત્ત્વની ભૂમિકા ભજવતો હતો. મીર શુક્ર ખાન ક્વેટામાં પૉલિટિકલ ગતિવિધિઓ પર પણ દેખરેખ રાખતો હતો. મંગળવારે ક્વેટામાં કેટલાક અજાણ્યા લોકોએ આતંકી ઑપરેટિવને નિશાન બનાવ્યો હોવાનું મનાય છે. જોકે પાકિસ્તાની અધિકારીઓએ તેના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ નહોતી કરી.
મીર શુક્ર ખાન માર્યો ગયો એના એક દિવસ પહેલાં જ તેણે પાકિસ્તાની સેનાના સપોર્ટમાં LeT દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બલૂચિસ્તાનમાં આતંકવાદીઓના રહસ્યમય મૃત્યુનો સિલસિલો ચાલી રહ્યો હોવાથી સતત તનાવગ્રસ્ત પરિસ્થિતિ સર્જાઈ છે. હજી સુધી કોઈ જૂથે મીરની હત્યાની જવાબદારી લીધી નથી.