ટોંગામાં સમુદ્રમાં જ્વાળામુખી વિસ્ફોટથી સુનામી, અનેક દેશોમાં ડર ફેલાયો

17 January, 2022 09:33 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટોંગામાં ટેલિફોન અને ઇન્ટરનેટનાં જોડાણ કપાઈ ગયાં હતાં

ટોંગામાં સુનામીના કારણે ઊંચાં મોજાં ઊછળતાં અને ઘરોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા હતા

દ​ક્ષિણ પ્રશાંત ક્ષેત્રમાં ટોંગા દેશમાં દરિયામાં જ્વાળામુખી ફાટી નીકળતા ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે પેસિફિક આઇલૅન્ડના કાંઠે સુનામીનાં મોજાં ઊછળ્યાં હતાં.
અમેરિકામાં શનિવારે પોર્ટ સેન લુઇસમાં ૪.૧ ફુટ સુધી ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સિવાય કેલિફોર્નિયા, ઓરેગોન, વૉશિંગ્ટન, બ્રિટિશ કોલંબિયા અને અલાસ્કામાં પણ કાંઠે સુનામીની લહેરો ઊઠી હતી. ટોંગામાં ટેલિફોન અને ઇન્ટરનેટનાં જોડાણ કપાઈ ગયાં હતાં. 
જોકે હવે પેસિફિકની આસપાસ વધુ સુનામીનું જોખમ ટળી ગયું છે. પેસિફિક સુનામી વૉર્નિંગ સેન્ટરે ગઈ કાલે જણાવ્યું હતું કે ખતરો ઘટી ગયો છે, પરંતુ કાંઠા વિસ્તારોએ મજબૂત અને અસામાન્ય પ્રવાહો માટે અલર્ટ રહેવું જોઈએ. આ પહેલાં અમેરિકા અને જપાને એના નાગરિકોને કાંઠા વિસ્તારોથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. 

international news united states of america